” હાર “

શ્રેણીઓ : જીવનમાં ઉમંગ

” હાર “

9042018

             

 

‘હને’ કાનો લાગે એટલે બને “હા”. આ કાનો સહુને રંજાડૅ પણ ખરો અને સહુના મનને જીતે પણ ખરો. ” ર ” રમતિયાળ. રમતમાં કો’ક જીતે પણ ખરા અને હારે પણ ખરા !

કોઈની ‘હા’માં ‘હા’ પુરાવો તો વહાલા લાગો ,ભૂલે ચૂકે નન્નો ભણ્યો તો કડવા વખ જેવા લાગો !

આ ‘હાર’ જીવનને નાસિપાસ પણ કરે અને જીવનમાં ઉલ્લાસના અમી છાંટણા પણ કરે. હાર શબ્દ કેટલો સરળ છે ,ઉચ્ચારવામાં, લખવામાં અને બોલવામાં. જ્યારે તેનો

ઉપયોગ વાક્યમાં  કયા સંદર્ભમાં થાય છે ત્યારે આખીને આખી બાજી પલટાવી નાખે છે.

એ બાજી ઘણી વખત પ્રાણ ઘાતક પણ હોય છે યા આસમાનની સફર પણ કરાવી શકે છે.

કેટલા દાખલા છે જુગારમાં ‘હાર’ પામેલા વ્યક્તિએ આપઘાત કર્યો હોય !

“હાર” ન માન , “હાર”ને જીતમાં પલટાવી નાખ !

“હાર” પહેરીશ તો તું રૂડો લાગીશ. ગુલાબનો કે મોગરાનો બોલ તને કયો પસંદ છે ?

“હાર” પેલા નેતા માટે ભાઈ જરા મોંઘો લેજો એ નેતા જરા અવળચંડા છે. “હાર” નહી ગમે તો ભાષણમાં લોચા મારશે !

“હાર” સુખડનો લાવું કે ગલગોટાનો  મારી ‘મમ્મીની’ યાદગીરી કાયમ રહેશે !.

જોયું ને ‘હાર’  શબ્દ ક્યાં , ક્યારે અને કયા પ્રસંગે વપરાય છે.

આજે મારો ગટુ શાળના પ્રોગ્રામમાં પ્રથમ આવ્યો. આખા વર્ષની તેની હાજરી ૧૦૦ ટકા હતી. ભણવામાં બીજો નંબર ક્યારે લાવ્યો જ નથી. શાળાના આચાર્યે મારા ગટુને સુંદર મજાનો “હાર” પહેરાવ્યો !

જીત્યો અને ઈનામમાં મળ્યો ‘હાર’ !

‘અરે, બુડબક , નમાલા તેં છોકરીથી “હાર” માની ?

‘તારી જાતને બહુ ખાં સમજતો હતો ‘?

હવે આ હાર કોને પસંદ આવે. નીલે ‘હાર’ એટલે માની કે તે નીશાને ચાહતો હતો. નીલને કૉઇ ફરક પડતો ન હતો. નીશા જીતે તો એને આનંદ થવાનો હતો. નીશા પોતે પણ જાણતી હતી ,’મારી જીત પર નીલ ખુશ થઈ તાળીઓનો ગડગડાટ કરી આખો સભાખંડ ગજાવશે.’

હવે આ ‘હાર’ની મઝા, તો મરજીવા જાણે. બાકી કિનારે ઉભા રહી તમાશો માણે !

‘મમ્મી, સુહાની બોલી ઉઠી. શીલને જાસમિન બહુ ગમે છે. એને ત્યાં અમેરિકામાં જાસમિનના ખૂબ કુંડા મૂક્યા છે. લગ્નમાં પહેરાવવાનો “હાર” મોગરાનો જ બનાવડાવવો છે. ‘

મમ્મી મનમાં ને મનમાં ખુશ થઈ. સુહાનીને શીલના ગમા અણગમાની બરાબર ખબર છે. ‘મારી દીકરી અમેરિકા જઈ ખૂબ સુખી થશે. ‘

હાર માનવી, હાર પહેરવો, હાર પહેરાવવો , હાર ગુંથવો, હાર નાનો યા હાર મોટો ! આ હારની આજુબાજુ સમસ્ત દુનિયા ઘુમે છે. કદાચ નવાઈ લાગશે . આ જીવનની દોડમાં દરેક વ્યક્તિ ક્યાંક હાર પહેરવા માટે આડાઅવળા ધંધા કરે છે યાતો હાર નહી માનવા કાળા ધોળા કરે છે !

ખેલદિલીથી ‘હાર’ માનવા, પહેરવા અને પહેરાવવા કોઈ વિરલા જ મળશે !

એવું આ ‘હાર’ શબ્દમાં શું છે જેની દરેકને મેળવવાની યા આપવાની તમન્ના છે.

હાર માનવી છતાં મસ્તક ઉંચું રહે એવું તો જવલ્લે જ કોઈ કરી શકે ! આજે વાર્ષિક પરિક્ષા હતી. વિનુ અને મીનુ બન્ને દોસ્તો ખૂબ મહેનત કરી આઈ. આઈ. ટીમાં જવાના હતા. વિનુને ખબર હતી તેના પિતાજી ડોનેશન આપીને પણ આઈ. આઈ. ટી. માં તેને એડમિશન અપાવી શકશે. પ્રથમ અને બીજા નંબર વાળાને જ માત્ર એડમિશન મળવાનું હતું. શરત એ હતી કે પ્રથમ આવનારને ‘ફુલ સ્કોલરશીપ’ મળવાની હતી. જો વિનુ પ્રથમ આવે તો એડમિશન મળે , મીનુ બીજે નંબરે આવે તો તેને પણ એડમિશન મળે . હવે મીનુના પપ્પા એટલા પૈસા ખરચી શકે તેવી સ્થિતિમાં ન હતા. વિનુએ નક્કી કર્યું પ્રથમ મીનુ જ આવશે. બન્ને જીગરી દોસ્ત હતા. પરિણામ આવ્યું.  મીનુ પહેલો આવ્યો. વિનુ ને ‘હાર’ મળી . તેની ખુશી અનેક ગણી વધી ગઈ. તેની હાર વિનુની જીત કરતાં વધારે સુખદ હતી. બન્ને દોસ્તો સાથે આઈ.આઈ. ટી.માં જઈ શકશે. વિનુએ પપ્પાને વાત જણાવી. પપ્પાને વિનુ પર ગર્વ થયો.

‘હાર’ ના ઢગલા નેતાઓના ગળામાં જોયા હશે? કેટલા પૈસાની બરબાદી. જેઓ કામ કરવાના ચોર છે. લાંચ લેવામાં પહેલો નંબર છે. ખબર નહી કેમ તેમને ગળામાં હારનો ભાર નથી લાગતો ? હા. એ જ હાર કોડભરી કન્યાના ગળામાં સોહી ઉઠે છે. પરણનાર પતિના ગળામાં ‘વરમાળા તરિકે હાર’ કેટલો દીપી ઉઠે છે !

જીવતા જેને પાણી ન પાય એવી વ્યક્તિને પણ મરણ વખતે શબને અને ઘરે આવીને છબીને “હાર” પહેરાવવામાં આવે છે !

હવે જીવનમાં ‘હાર’ ક્યાં મેળવવી, ‘હાર’ ક્યારે પહેરવો અને ‘હાર’ ક્યારે પહેરાવવો એ આપણે નક્કી કરવાનું છે. સરળ રસ્તો મને બહુ ગમે છે, “સિક્કો ઉછાળીને ” !

 

  Never miss a story from us, get weekly updates in your inbox.