Image


ક્રોધ

કડવા ફળ છે ક્રોધના, જ્ઞાની એમ બોલે;
રીસતણો રસ જાણીએ, હલાહલ તોલે.

ઉદયરત્ન લખે છે,  જ્ઞાની પુરુષોએ કહ્યું છે, કે ક્રોધના ફળ ઘણા જ કડવા છે. વિષ સમાન કટુ છે. એ રીસનો રસ એટલે ક્રોઘનું પરિણામ હળાહળ ઝેર સમાન છે.
દુનિયામાં દરેકને પોતાની ઈચ્છા મુજબ જ કરવું અને કરાવવું ગમતું હોય છે. પણ જો ક્યારેક એ પ્રમાણે ન થાય, ઈચ્છા વિરુદ્ધ થાય તો ગુસ્સો આવી જાય. અને આ ગુસ્સાની માત્રા વધી જાય તેને ક્રોધ કહેવાય છે. મનુષ્યના ૬ મુખ્ય દુશ્મન છે. કામ, ક્રોધ, મોહ, મદ, લોભ અને મત્સર. ગુસ્સો, આવેગ, કષાય, દ્વેષ, વગેરે ક્રોધના જ નાના મોટા રૂપો છે.

ક્રોધ તો જ્વાળામુખી જેવો છે. જ્વાળામુખીની જેમ જ ક્રોધાવેશમાં આવેલો માણસ લાલ પીળો થઈ જાય છે. આંખમાંથી અંગારા વરસવા લાગે છે. મોઢાથી અસ્ખલિત કડવી વાણી નિકળી છે. મગજ અને ગળાની નસો ફાટફાટ થવા લાગે છે. આમ જેને ક્રોધ આવ્યો હોય તેને ક્રોધ બાળીને ખાખ કરે છે. પણ તેના રસ્તામાં આવતા દેરક પર એના છાંટા પડે છે. અને બીજાને પણ પોતાની આગમાં બાળે છે. ક્રોધ જેના દેહમાં આવે છે તેને વિરૂપ કરી નાંખે છે.

ક્રોધ એ એક રોગ છે. અને દરેક રોગનું કારણ કુપથ્ય જ હોય છે. આ તામસ- કુપથ્ય આહાર છે--> માયા, લોભ અને મોહ છે. આ કુપથ્ય બંધ કર્યા વિના રોગ ન જ અટકે ને! તો બસ, ધીમે ધીમે આ માયા - લોભ- મોહનું સેવન ઓછું કરી, બંધ કરી દઈએ તો ક્રોધ પેદા થવાનો જ નથી. અને છતાં, ન કરે નારાયણ ને ક્રોધ પેદા થવાનો શરૂ થયો, તો તરત વાણી અને વર્તન દ્વારા એને પ્રગટ થતો અટકાવવો. પણ સાથે સાથે એને અંદર પણ ન દબાવતાં, મોટા મોટા ઉચ્છ્વાસ કરી, વમન રૂપે બહાર કાઢી નાખવો.

બે ચાર મંત્ર જેવા કે, --
૧-  સંસાર અસાર છે.
૨- જે થઈ રહ્યું છે તે બરાબર જ થાય છે.
૩- બધું અહીંનું અહીં જ મૂકીને જવાનું છે.
૪- થઈ થઈને શું થવાનું છે. શું બગડી જવાનું છે.
વગેરે વગેરે... મનમાં આવા મંત્રોનું સતત રટણ હોય તો ક્રોધ તો અટકી જ જશે, પણ આત્માની સ્થિતિ પણ થોડી ઉચકાઈ જશે. સમ્યગ જ્ઞાન પ્રાપ્ત થશે, ને મોક્ષ તરફનું પ્રયાણ સરળતાથી થઇ શકશે.