Image

આવો આજે મુલાકાત કરીએ, અમારા સ્ટોરીમિરરના જાણવા અને માણવા જેવા એક સન્માનિત યુવા લેખક શ્રી દિવ્યકાંત પંડયા સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 

                 

આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

દિવ્યકાંત પંડયા. સાહિત્યનું મોટા ભાગનું લખાણ ‘મુફલિસના નામે કરું છું પણ હવે પહેલા જેવો સમય નથી કે લોકો ફક્ત ઉપનામથી જ લખે કે વાચકો સાહિત્યકારોને ફક્ત ઉપનામથી જ ઓળખે. એટલે મારુ નામ પણ મારા ઉપનામ સાથે જોડાયેલું જ હોય છે. મારુ વતન ભાવનગરનુ તળાજા શહેર છે જ્યાં મારો પરિવાર રહે છે. પણ વર્તમાનમાં હું મુંબઈ રહુ છું.


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

ઉપર મેં તળાજાની વાત કરી તેમ મારુ બાળપણ અને કિશોરાવસ્થા તે કે તેના આજુબાજુના વિસ્તારમાં જ ગુજર્યા. મેં પ્રાથમિક શિક્ષણ તળાજાના ભદ્રાવળ ગામે લીધું અને સ્વાભાવિકપણે જ મને મારી શાળાનું નામ પણ યાદ જ છે - ‘ગુલાબચંદ ઝવેરચંદ શાહ કેન્દ્રવર્તી શાળા’. નાનપણમાં બુકના પહેલા પેજ પર મોટા-મોટા અક્ષરે નામસરનામુંશાળાવિષય વગેરેની વિગતો લખવાનો એ ઉત્સાહ વળી કેમ ભુલાય! 


જો કે મેં તે શાળામાં પાંચ ધોરણ સુધીનું જ શિક્ષણ લીધું કેમ કે મારા પપ્પા તે જ શાળામાં શિક્ષક હતા અને તેમણે તળાજા શહેર બદલી માંગી હતી. જો કે એવું કરવાનું એક કારણ એ પણ ખરું કે મારુ આગળનું શિક્ષણ પણ નક્કી થઈ ગયેલું. ત્રાપજ (બંગલો) સ્થિત જવાહર નવોદય વિદ્યાલયસી.બી.એસ.ઈ ઈંગ્લીશ મીડીયમ શાળામાં બહુ જ આકરી સ્પર્ધા વચ્ચે મને એડમિશન મળ્યું હતું. આ સ્કૂલ અને તેમાં વિતાવેલો સમય મારા માટે ખુબ જ વિશેષ અને ચહીતો સાબિત થયો તો ચાલો તમને આ સ્કૂલ વિશે થોડી વધુ વાત કરું. દરેક જિલ્લામાં આ સ્કૂલની ફક્ત એક જ શાખા હોય છે. અને આ જ સિસ્ટમ વળી આખા દેશમાં છે. દર વર્ષે પાંચમા ઘોરણ પછી વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં એડમિશન મેળવી શકે પણ ખુબ જ નિર્ણાયક પરીક્ષા અને સ્પર્ધામાંથી પસાર થવું પડે. એ કારણે પણ મારા માટે આ સ્કૂલ બહુ જ ખાસ છે અને ઉપરાંત આ બોર્ડિંગ સ્કૂલ હોવાથી ત્યાં જ મારે છઠ્ઠા ધોરણથી બાર ધોરણ સુધીનું શિક્ષણ પૂરું કરવાનું હોઈ તમે વિચારી શકો કે નાની ઉંમરેથી સતત સાત વર્ષ ઘરથી દૂર રહીને અને એક નવો જ પરિવાર મેળવ્યા પછી મેં કેટલા રસપ્રદ અનુભવો અને ઘટનાઓ માણ્યા હશે. ત્યાં દેશભરમાંથી શિક્ષકો આવેશ્રેષ્ઠ શિક્ષણ મળેમહિનાઓ સુધી કેમ્પસમાંથી બહાર નીકળવાનું નહીંજાતે જ સૌ કામ કરવાનાબાળકમાંથી કિશોર બનવાનો એ રોમાંચક દોર એક જ જગ્યાએ પસાર કરવાનોનવી નવી યુવાની ફૂટી હોઈને ઘણું બધું બદલાઈ જતું હોય. અલગ અને અભૂતપૂર્વ શિક્ષણ વ્યવસ્થા તમને અલગ તારવી આપે અને નવી દિશા આપે. ખેર મારે કંઈ ‘મારી શાળા’ પર વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ નથી લેવાનો કે હું ફક્ત એની જ વાત કરું. અને જો મારી સ્કૂલની જિંદગી વિશે વાત કરવા બેસું તો એ કંઈ એકાદ ફકરામાં પુરી નહીં જ થાય એના માટે પુસ્તકોની શૃંખલા પણ કદાચ ઓછી પડે. પણ હા મારા સાહિત્યની કારકિર્દીના અંશો પણ એમાં વણાયેલા છે જ. સ્કૂલના કાર્યક્રમોમાં એન્કરિંગ કરતો ત્યારે જાતે લખેલી શાયરીઓ જ વચ્ચે ટાંકતો અને શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ જાણ હોતી અને ખુબ જ પ્રોત્સાહન આપતા એક કવિ-લેખક તરીકે. ટૂંકમાં કહું તો મારી અત્યાર સુધીની જિંદગીના સૌથી ઉત્તમયાદગાર અને પ્રેમભર્યા વર્ષો એટલે ‘નવોદય’. 


બાર સુધીનો અભ્યાસ પુરો કર્યા પછી મેં ભાવનગરની ‘ગવર્નમેન્ટ એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન લીધું. ત્યાં મેં ચાર વર્ષ સુધી આઈ.ટી. એન્જીનીયરીંગનો કોર્સ કર્યો. હું એ સમયે ભાવનગર જ રહેતો. આ વર્ષો એકંદરે અર્થવિહીન અને કંટાળાજનક રહ્યા. મારી જિંદગીની કેટલીય બાબતો સાથે તે વર્ષોમાં બનેલી ઘટનાઓને ઘણી લેવડ-દેવડ છે જ પણ શૈક્ષણિક અને વ્યવસાયિક દ્રષ્ટિએ આ વર્ષોનું બહુ ખાસ યોગદાન રહ્યું નથી. રખે ગેરસમજ કરતા કે મારે બળજબરીથી એડમિશન કે મનગમતું કામ કરવા પર રોક જેવા પ્રશ્નો હતા. ખેરએન્જીનીયરીંગના ચાર વર્ષ પુરા કર્યા પછી તરત જ જોબ માટે ઘર અને મમ્મી-પપ્પાથી ફરી વખત દૂર. દસ વર્ષનો થયા પછી એમની સાથે રહેવાનો મોકો જ નથી મળ્યો અને તેનો અતિ તીક્ષ્ણ ઘસરકો હૃદયમાં સચવાયેલો છે બહુ વખતથી.


સાહિત્ય અને શૈક્ષણિક વર્ષો એમ બંનેના સમન્વયની વાત કરું તો સાહિત્ય માટે મને રાજ્યગુરુ સરલઢા સરત્રિવેદી સરમકવાણા સર જેવા શિક્ષકો અને અતુલ રાઠવાભાર્ગવ રાઠોડવિનલ ધનાણીઋષિત દેસાઈધવલ ઊકાણીચેતન પરમારહર્ષ રાઠોડસંકેત કોલાડીયા જેવા મિત્રોનો ખુબ જ સહકાર મળ્યો છે. અને એ પછી મુંબઈના મિત્રો કેવલ ત્રિવેદીભરત મેવાડાધવલ જોશી વગેરે પણ તો. અને પરિવારના સભ્યો તો ખરા જ હંમેશ.


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ? હું ઉપર કહી ગયો તેમ મારા પપ્પા શિક્ષક છે. તેઓએ મને બાળપણથી જ ભણવાની સાથે-સાથે ઈત્તર પ્રવૃત્તિઓ તરફ વાળ્યો છે. તેમાં કલાના ઘણા બધા પ્રકારો આવી જાય. ગાવુંદોરવુંતબલા વગાડવાવક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવોનાટકો કરવા વગેરે બધું જ એમણે મને ચીંધ્યું ને શીખવ્યું. મેં પહેલી વખત નાટકમાં ભાગ લીધેલો ત્યારે હું ફક્ત બીજા ધોરણમાં હતોનાટક હતું ‘વીર ભામાશા’. અને ત્રીજા ધોરણમાં તો ભગતસિંહ પરના એક નાટકમાં મેં મુખ્ય પાત્ર ભજવેલું. પછી તો નાટકોકાર્યક્રમોવક્તૃત્વસ્પર્ધામાં ભાષણો વગેરે ખુબ ચાલ્યું અને પ્રથમ ક્રમાંકો પણ મેળવ્યા. અને એ બધું જ એકથી પાંચ ધોરણ સુધીમાં. 


આ બધી જ પ્રવૃત્તિઓ અને પપ્પા તરફથી મળતા પ્રોત્સાહનથી એક અલગ જ વેગ મળતો. મજાની વાત એ છે કે પપ્પાએ ક્યારેય મને વાર્તા કે કવિતા લખવા નથી કહ્યું પણ એમણે મને બધું જ કરવા કહ્યું હતું ને હું કરતો તેમાં મેં આ બંને વસ્તુઓ પણ શામેલ કરી. એટલે સાહિત્ય સાથેના મારા નાતા અને પ્રેરણા માટે હું મારા પપ્પાને જ શ્રેય આપું છું. તેમણે જ મને અવનવું વાંચતો કરેલો. મેં સૌ પ્રથમ કવિતા લખેલી મારા મમ્મી-પપ્પા પરચોથા ધોરણમાં. શરૂઆત બુકના છેલ્લા પેજ પર લખવાથી થયેલી તે ક્રમ છેક કોલેજ સુધી સચવાયેલો રહ્યો. આજે ભલે મોડી રાત્રે લેપટોપ પર ઊર્મિઓ ઠલવાતી હોય પણ જો દિવસના અજવાળે પણ એ જુના કાગળો મળી જાય તો જાણે કે આંખ સામે સ્કૂલની પેલી રાત્રિઓ ઉપસી આવે જે મેં રોજ આખે-આખી કવિતાઓ અને ગઝલો લખવામાં ગાળેલી. 


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

સાહિત્ય સાથે ઘણી જ મુશ્કેલીઓ જોડાયેલી છે જેમ લગભગ દરેક વસ્તુઓ સાથે હોય. મારે એમાનું કશું ભોગવવાનું નથી આવ્યું. એનો અર્થ એ ન થાય કે એમાંથી કશું મારા લગતુ નથી કે પછી મને ક્યારેય કોઈ મુશ્કેલીઓ નહીં પડે. હું નિરંતર શીખતો રહુ છું ને લખતો રહુ છું પણ સ્વાભાવિકપણે જ હજુ એ પૂરતું નથી અને એટલે જ એ મુકામ વગર મને કદાચ મુશ્કેલીઓ પણ પામવા નથી મળી. કમીઓ જાણીને સતત વિકાસ તરફ પ્રયાસ અને પ્રવાસ કરવો તેને મુશ્કેલી ન કહેવાય.


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

દરેક વસ્તુ ઈવોલ્યુશનમાંથી પસાર થતી હોય છે. અહીં સારા કે ખરાબની વાત નથી થતી પણ વાત છે ફેરફારની. લેખન પ્રકારલેખકની શૈલીવાચક વર્ગ અને સમાજ બધું જ વખત સાથે બદલાતું હોય છે. આજ-કાલ એવા આરોપો લાગતા રહે છે અને ચર્ચાઓ થતી રહે છે કે હવે ઓછું લખાય છેસારું લખાતું નથી અને લોકો વાંચે પણ છે ઓછું. અમુક અંશે આ બધી વાતો સાચી પણ ખરી. નવા માધ્યમો અને બીજી ભાષાના પ્રભુત્વ જેવા અમુક પરિબળો તેની પાછળ કામ કરે છે. પરંતુ આપણે કંઈ નકારાત્મક વાત અહીં નથી માંડવી. આજે પણ ખુબ જ લખાય છે. લાઈબ્રેરીઓ ભરેલી રહે છે પુસ્તકો અને વાચકોથી. ઓનલાઈન પ્લેટફોર્મ્સ અને સોશ્યલ મીડિયા પર પણ લોકો અઢળક વાંચે છે. 


સાહિત્યની મુખ્ય પહેચાન એવી નવલકથાઓ કદાચ હવે ઓછી લખાતી થઈ છેછંદની ઓછી સમજના કારણે નવોદિત યુવાનો અછાંદસ લખવું વધુ પસંદ કરે છે. થોડું ઊંડાણ ઓછું થયું હોય એવું પણ તમને લાગે. તરત વાહવાહી મળી જાય એવા યુગમાં આ શક્ય છે પણ ખુદમાં સાચી સમજ આવે તો નુકસાન અટકી પણ જાય. 


વાત ફક્ત જોડણી કે વ્યાકરણની છે જ નહીં. આજે જે વિચારો કે વાર્તાઓ જોવા મળે છે તે કદાચ નહોતા ભૂતકાળમાં. આજના લેખકો નવતર વસ્તુઓ લઈ આવીને તમને અચંબામાં મૂકી દે. ટૂંકમાં આજનું સાહિત્ય પણ શ્રેષ્ઠ જ છે મારા મતે. જય વસાવડાશિશિર રામાવતજયેશ અધ્યારૂદિપક સોલિયાસંજય છેલશરદ ઠાકરકૃષ્ણકાંત ઉનડકટ વગેરે મારા હાલના પસંદીદા લેખકો છે.


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

અહીં અવસર બે પ્રકારે જોઈ શકાયજો આપણે સાહિત્યકારોની વાત કરીએ તો આપણે સાહિત્યને ગૌણ ગણીએ છીએ અને ફક્ત સાહિત્યકારોને મળતા મોકાની જ વાત કરીએ છીએ. પણ ખેર આખરે તો સાહિત્યકાર સાહિત્ય થકી જ બનતો હોય છે. એક અવસર હોય શકે કે આજના ડિજિટલ અને સોશ્યલ મીડિયાના સમયમાં સાહિત્યનો અભ્યાસ વધુ સરળ અને સારો બન્યો છે કે નહીં અને તે શીખીને સાહિત્યકારો ઉત્તમ સાહિત્ય સર્જી રહ્યા છે કે નહીં તે અને બીજો અવસર હોય શકે કે સર્જન વધુ લોકો સુધી પહોંચાડીને પોતાની નામના વધારી અને સાથે સાથે ભાષા માટે નવા વાચકો ઉભા કરી રહ્યા છીએ કે નહીં તે. 


મને લાગે છે કે બીજો અવસર લોકોને વધુ માફક આવે છે. પુસ્તકો પ્રકાશિત કરવા એ હજુ પણ અઘરું છે અને એક રીતે જોતા ડિજિટલ જ પ્રિન્ટના વિરોધી પક્ષનું પત્તુ છે ત્યારે લોકો સુધી પોતાના સર્જન કે કૃતિઓ પહોંચાડવાના વધુ માર્ગો ઉઘડી રહ્યા છે અને તેનો પ્રચાર પણ વધુ પ્રભાવી રીતે અને લગભગ નહિવત ખર્ચમાં જ થઈ રહ્યો છે. જે  ડિજિટલ અને સોશ્યલ મીડિયાની જ દેન છે. 


સોશ્યલ મીડિયાથી લોકો ચોક્કસ જ નજીક આવ્યા છે અને તેનો જો યોગ્ય રીતે પ્રયોગ કરવામાં આવે તો ફાયદાકારક જ છે. એટલે જ મેં ઉપર કહ્યું તેમ શ્રેષ્ઠ અને ગમતા લેખકોની નજીક રહીને આ માધ્યમો દ્વારા જો સાહિત્યકારો શીખે તો ઉત્તમ સાહિત્ય પ્રદાન કરવાનો આ અવસર જ ગણાશે. 


પણ આ ચીજના ગેરફાયદાઓ પણ છે જ. થોડી લાઈક્સને લાઈફ વેલિડેશન માની લેતી પેઢીમાં હકીકતની નજીક રહેવું પણ અઘરું થઈ પડ્યું છે એટલે એક-બે વાર્તાઓ લખીને ખુદને મહાન લેખક માની લેતા લોકો સૌથી વધુ નુકસાન ખુદને જ પહોંચાડે છે. સેલ્ફ પબ્લિશિંગ પ્લેટફોર્મ્સ પર એડિટિંગ કે ફિલ્ટર સિસ્ટમ એટલી પ્રબળ નથી હોતી ત્યારે નવોદિતો સાચી દિશાએથી ભટકી પણ શકે છે. 


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

હું અલગ-અલગ ભાષાઓ અને અવનવા સાહિત્ય પ્રકારો એમ ઘણું લખતો રહ્યો છું. કોઈ એક ચોક્કસ માળખામાં બંધાયો નથી. મેં ગુજરાતીહિન્દી અને ઈંગ્લીશ એમ ત્રણેય ભાષામાં લખ્યું છે. વાર્તાઓકવિતાઓહાયકુલેખશાયરીલઘુ કથાઓગઝલો વગેરે એમ ઘણું બધું લખ્યું છે. મેગેઝીન્સ અને ન્યુઝ પેપર્સમાં મારી કૃતિઓ છપાઈ છે. એ બધું જ જો લખવા બેસીશ તો યાદી લાંબી થઈ જશે. પણ ચાલો મારી ક્રિએટિવ સફર તમને ટૂંકમાં કરાવી દઉં.


પ્રતિલિપિ’, ‘ખબર છે’, ‘માતૃભારતી’ અને ‘સ્ટોરીમિરર’ સહીતના પ્લેટફોર્મ્સ પર મારા આ બધા જ સાહિત્યના લખાણો છે. આ સાથે ‘ડિઝાયર’ નામનો મારો બ્લોગ (http://divyakant-pandya.blogspot.com/) પણ છે જેમાં પણ હું મારી રચનાઓ મુકતો રહુ છું. હું મારી બધી જ રચનાઓ જો કે પ્રકાશિત નથી કરી દેતો. જેટલું આજ સુધી સૌ સમક્ષ રજુ કરેલ છે એ તો માત્ર નાનકડો ભાગ છે. પણ હા રજુ થયેલી કૃતિઓમાં અમુકના મારે નામ દેવાના હોય જે લોકપ્રિય થયેલી ને મને પણ વિશેષ ગમતી હોય તો એ છે, ‘કમરબંધ’, ‘પ્રેમ આવો હોય તો’, ‘આયખાનો સંગાથ’, ‘તારામાં હું’, ‘ઈમોટિકોન્સ’, ‘ધ લાસ્ટ ટોર્પિડો’, ‘લાગણીઓની સંતાકૂકડી’, વગેરે.  


જેમ હું ઉપર જણાવી ગયો તેમ હું સમય સાથે ઘણું બધું લખતો રહ્યો છું. વાર્તાઓ અને કવિતાઓ સાથે-સાથે હું શોર્ટ ફિલ્મ્સટી.વી. કમર્શિયલ એડવર્ટાઈઝમેન્ટસોંગ લિરિક્સનાટકોકોપી રાઈટિંગવેબ આર્ટિકલ્સફિલ્મ રિવ્યુઝવગેરે પણ બધા કામો સાથે ખુબ લખતો રહ્યો છું. પરંતુ આ બધા વિશે અહીં વિગતે જણાવવું અસ્થાને છે.


હાલમાં જાણીતા લેખક-પત્રકાર આશુ પટેલ જેના એડિટર છે તે એટલે ઈન્ટરનૅશન સ્ટાન્ડર્ડના પ્રથમ અને ખુબ જ પ્રખ્યાત એવા ગુજરાતી મેગેઝીન ‘કોકટેલ ઝિંદગીમાં મારા લગભગ નિયમિતપણે લેખો આવતા રહે છે. આશુભાઈ સાથે આ મેગેઝીન માટે કામ કરવું તે લ્હાવો અને મજા બંને છે.


અત્યારે હું બે પુસ્તક પર કામ કરી રહ્યો છું. પહેલું જે છે તે હશે એક હિન્દી સ્ટોરી બુકનો ગુજરાતી અનુવાદ. ખુબ જ રસપ્રદ પુસ્તક છે. આ પુસ્તક કદાચ તેના મૂળ નામ સાથે જ પ્રકાશિત થશે. પણ તેની વધુ વિગત પછી ક્યારેક. અને બીજા પુસ્તકનું નામ છે, ‘સૃષ્ટિના સથવારે’. આ પુસ્તક મારી અમુક ગુજરાતી ટૂંકી વાર્તાઓનો સંગ્રહ હશે. 


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

મારી પ્રથમ રચના અને પ્રથમ પ્રકાશિત રચના બંને અલગ-અલગ છે. મારી પ્રથમ રચના વિશે ઉપર જણાવી ચુક્યો છું એટલે ટૂંકમાં કહી દઉં. હું ચોથા ધોરણમાં હતો ત્યારે મારી ટ્યુશનની બુકમાં પાછળના પેજ પર મેં સૌ પ્રથમ એક કવિતા લખેલીકવિતા જો કે હિન્દીમાં હતી. તે કવિતા મેં મારા મમ્મી-પપ્પા પર લખેલી ને એમને જ અર્પણ કરેલી. કવિતાનું શીર્ષક પણ બાળસહજ નિર્દોષ છે, ‘મેરે મમ્મી-પાપા’. હજુ સુધી એ બુક સચવાયેલી છે જેના પર મેં આ કવિતા લખેલી. એ પછી તો હું હિન્દી અને ગુજરાતી એમ બંને ભાષામાં કવિતાઓ અને વાર્તાઓ લખતો રહેલો.


મારી પ્રથમ રચના પ્રકાશિત થવામાં પણ પછી વધુ સમય નહીં લાગેલો. હું આઠમાં ધોરણમાં હતો ત્યારે અમારા હિન્દીના શિક્ષક હતા મદન ગોપાલ લઢા સર. તેઓ ખુદ ઘણું બધું સર્જન કરતા. આજે તો તેમના ઘણા બધા પુસ્તકો રાજસ્થાની અને હિન્દી ભાષાઓમાં પ્રકાશિત થઈ ચુક્યા છે. તેઓ ખુબ જ જાણીતા લેખક છે. તેમને એ વખતે મારા લેખન વિશે ખ્યાલ આવેલો. તેમણે મને એક વખત મળવા બોલાવેલો. મેં તેમને મારી અમુક હિન્દી કવિતાઓ વાંચવા આપી. તેઓએ વાંચી અને ખુબ જ ખુશ થયા. મારી બહેન ચેતના પણ એ જ સ્કૂલમાં ભણતી. તે મારી સિનિયર હતી. લઢા સરે જઈને તેને વાત કરી. મારી બહેન આ વિશે અજાણ નહોતી પણ મારા માટે એ ગૌરવની ક્ષણ હતી. એ વખતે હું ‘આદિત્યના નામે લખતો હતો. લઢા સરે મને કહ્યું કે તું ખુબ જ સારું લખે છે હું આને ક્યાંક પબ્લિશ કરાવીશ. થોડા જ દિવસોની અંદર એમણે મારા સંગ્રહમાંથી કવિતાઓ પસંદ કરી અને હિન્દી સાહિત્ય પત્રિકા ‘ટાઈમ્સમાં મારા નામ અને ફોટો સાથે પ્રકાશિત કરાવી. પછી તો તમે વિચારી શકો કે બાર વર્ષના એ બાળકને સ્કૂલના મુખ્ય દરવાજા પાસે રાખેલ નોટીસબોર્ડ પર પ્રિન્સિપાલ સરની સહી સાથે મૂકેલું એ કટિંગ જે જતા-આવતા બધા જ વિદ્યાર્થીઓ ટોળે વળીને જોતા એ દ્રશ્ય નીરખીને શું અનુભૂતિ થઈ હશે!


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

કોઈ પણ વ્યક્તિને આજના સમય પ્રમાણે બે રીતે નવોદિત કહી શકાય. એક જેમણે હમણાં જ સાહિત્ય લખવાનું શરુ કર્યું છે તે અને એક જેઓ સંપૂર્ણ રીતે પ્રસ્થાપિત નથી થયા તે. થોડા-ઘણા અંશે તો હું પણ આ જ કમ્યુનિટીમાં આવું પણ એનો અર્થ એ ન કરી શકાય કે હું કશી સમજ વંહેચી ન શકું.


સોશ્યલ મીડિયા પ્રસિદ્ધિ અને જોશ અપાવે પણ અમુક (મુખ્યત્વે નવા) લેખકોનું લેખન વાંચો ત્યારે ખ્યાલ આવે કે હજુ કામ શરુ કરવાની જરૂર હતી નહીં. પ્રેઝેન્ટેશન અને ફોર્મેટિંગ પણ થોડું નબળું લાગે. અમુક સામાન્ય નિયમો જ પાળેલા ન દેખાય. ખેર આની સામે એવી દલિલો પણ થતી રહે છે કે લખાણમાં મને તો કોઈ બંધન જોઈએ જ નહીં અને એટલે જ તેમને ભૂલો વર્તાતી પણ બંધ થઈ જાય. યોગ્ય વિવેચનનો દોર પણ ગર્તામાં છે એટલે કોઈ હાંકલ પણ નથી મળતી હોતી ખરા સમયે. બાબુ સુથાર જેવા પ્રસ્થાપિત લેખકો કહે છે કે લખતા પહેલા અભ્યાસ જરૂરી છે ને એ માટે તેમણે શું-શું કરવું તેની યાદી પણ આપેલી છે જેને પૂરું કરતા અમુક વર્ષો પણ લાગી જાય. પણ જો એ સાચે જ અનુસરવામાં આવે તો લેખનમાં એક સાચી અને નવી જ ધાર આવે. આમ-તેમ શબ્દો જોડીને બે પંક્તિ લખી નાખીએ ને કહીએ કે આ રહી મારી નવી  શાયરી તો એમ ન ચાલે. 25 લોકો સોશ્યલ વર્ટિકલ્સ પર શુભેચ્છાઓ આપવા તૈયાર જ હશે પણ તે તમારા જ મિત્ર કે પરિવારનું વર્તુળ હશે જેમને તમારા લખ્યાનો આનંદ હશેશું લખ્યાનો નહીં. તેમની કમેન્ટ્સથી હરખાઈ જઈશું તો તે આપણને અને સાહિત્ય બંનેને ખતરામાં મુકશે.


તો યોગ્ય સમજ પાક્કી કરીનેશીખતાં રહીનેનિર્ણાયક રીતે લખતા રહીએ અને આગળ વધીએ.


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

હાલના ઓનલાઈન પબ્લિશિંગ પ્લેટફોર્મ્સમાં ‘સ્ટોરીમિરર’ લેખન અને વાંચન માટે એક અસરકારક સ્થાન તરીકે ઉભરી આવ્યું છે. અલગ-અલગ પ્રયોગો અને સ્પર્ધાઓ યોજતા રહીને રસ જાળવી રાખવાનો અહીં સારો પ્રયાસ થતો રહે છે. મેં મારી જેટલી પણ કૃતિઓ મૂકી છે તે બધી જ ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

સૌથી વધુ વાચકો મને સ્ટોરીમિરરે જ આપ્યા છે. જરૂરિયાતના વિભાગો પર કામ કરીને સતત વિકસતું રહ્યું છેસ્ટોરીમિરર. સાહિત્ય ક્ષેત્રે આ ક્રાંતિકારી કાર્ય જ કહેવાય. પબ્લિશિંગ માટે સ્ટોરીમિરરનો આભાર અને હજુ વધુ પ્રગતિ માટે તેમને ખુબ ખુબ શુભેચ્છાઓ.


તો મિત્રો આ હતી એક મુલાકાત યુવા લેખક શ્રી દિવ્યકાંત પંડયા  સાથે  સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.


દિવ્યકાંત પંડયા વિષે વિશેષમાં :

Blog: divyakant-pandya.blogspot.com

E-mail Address: dklyrics2711@gmail.com

Facebook Profile: facebook.com/dk2711

Facebook Page: facebook.com/dk.storyteller

Instagram: instagram.com/dk_storyteller)