Image

*જરૂર છે શિક્ષણમાં* ધરખમ ફેરફારની 🌹✍

જીંદગીનાં સમીકરણને ઉકેલવા ને બદલે જીંદગીને જ એક સમસ્યા સર્જી દે એવાં શિક્ષણથી માનવ નહિં પણ નોટ કમાનાર યંત્રમાનવ તૈયાર થઈ રહ્યા છે.

જીંદગીના ગણિતની ગણતરીમાં પ્રથમ પદ જ ખોટું મુકાય ને આખી જીંદગી એ દાખલાનો જવાબ મેળવવામાં જ ખતમ થાય તો  ય એ જીંદગી એક વણઉકલ્યો કોયડો બની રહી જાય, ત્યારે એવાં શૈક્ષણિક પ્રમાણપત્રો, ને પારિતોષિક શું કામના કે જે સુખનો આભાસી અહેસાસ માત્ર કરાવે. અને ભૌતિક સુવિધાથી ભરચક મોલ જેવાં મહેલની તમામ સુવિધા માનસિક શાંતિ છીનવી લે. ઈવન સારું અને સાચું સમજવા છતાં સ્વીકારી ન શકે. એ તો ઠીક પણ અંધ ધૃતરાષ્ટ્ર પ્રગટ કરે જેમની આંખો પર ગાંધારીનાં ગુંજનના પાટા પડળ બની એવા ચસોચસ ચોંટી જાય કે  તેમનાં સંપર્કમાં રહેનારા તમામની જીંદગી ય ધૂળધાણી થઈ જાય.
વાસ્તવિકતા સ્વીકારવી મૂશ્કિલ છે પણ આ કોઈ વ્યક્તિ વિશેષ તો છે જ નહીં પણ શૈક્ષણિક સફરથી લઈને આજદિન સુધીનાં અનુભવોનો નિચોડ છે. જે વ્યક્તિ શર્ટનું પ્રથમ બટન જ ઊંધુ લગાવે  તેનાં બાકીનાં બટન તો ઊંધા જ વાગશે. એ તો ઠીક પણ એ  એક ઉલ્ટા બટનને લઈને સમગ્ર જીવન પોતાનું અને પરિવારજનોનું પણ અંધકારમય થઈ જાય ઉપરથી સાચવેલી શાખ હાસ્યાસ્પદ બને. અને આ ઉલટુ લાગેલું બટન એ કોઈપણ હોય જેમકે  સંગત, શિક્ષણ, પાત્ર પસંદ, વ્યવસાય કે સરકાર, કે મિત્ર પસંદ કરવામાં ભલભલાં ચમરબંધી પણ મુખવટાનાં મહોરામાં છેતરાય છે. ત્યારે પાયામાંથી જ એવું શિક્ષણ અપાય  જેમાં  દગા, પ્રપંચ, ભેદભરમ અને ભ્રષ્ટાચારનો છેદ જ ઉડી જાય.

પરંપરા અને પારિવારિક મૂલ્યનોનું નિકંદન નીકળી રહ્યું છે. હા પરિવર્તન જરૂર સ્વીકાર્ય છે. પણ એવું કે જે સજજનો ને જ દંડે, દોષિત, દગાબાજ દિલદાર જણાય ને સત્ય મોં છુપાવી મૂક પોકાર કરતું હાંસિયામાં ધકેલાઈ જાય.

સામાજીક, ધાર્મિક, આર્થિક, શૈક્ષણિક, અને પારિવારિક દરેક ક્ષેત્રે આજે અગ્રેસર રહેતી નારી કાબિલેદાદ છે.

પણ મુદ્દાની વાત એ છે કે દરેકનું સ્થાન અને સ્વમાન  પણ સમાન હોય.

આજે બેટીનાં અનેક અભિયાનો ચાલે  છે તેમાં   જીવનપતંગની દોરીનો એક જ છેડો પકડીને ચાલતાં હું, તમે અને આપણે એજ પતંગની ફીરકી પકડનારી બેટીનાં બીજાં છેડાને વિસરી રહ્યા છે. જુઓ આ એક કોઈ સ્પેશ્યલ બેટી વિશે નથી જ. એ ચોખવટ જરૂર કરીશ કારણ હું પણ એક બેટી જ છું. અને કોઈની પુત્રવધુ પણ છું જ.

હવે આ લેખ એવી બેટીઓને સમર્પિત છે જે તેમનાં જીવનની પતંગ જ એટલી ઊંચી ઉડાડવામાં વ્યસ્ત છે કે તે વારંવાર વ્હાલ વરસાવતાં વડિલોની પતંગ કાપવાનો આનંદ માણી રહી છે. ભલે, બેટા  એ ય ક્ષમ્ય છે કારણ કે તમારી ઉમરનો પ્રભાવ અને તરવરાટનો સ્વભાવ સામે સમજણનો અભાવ છે. પણ નમ્ર અરજ એટલી જ કરીશ શિક્ષિકા તરીકે નહિં તો એક મિત્ર તરીકે કે બેટીઓને આ વાત લોટની કણક કેળવીએ એ રીતે કેળવણીની તાલીમ આપી શીખવવી પડશે. અને આ કામ શિક્ષક, શાળા,સરકાર શિક્ષણવિદો અને સાહિત્ય સર્જકો જ ખૂબ સારી રીતે કરી શકશે.

સવાલ સવા લાખનો એ છે કે આજે જે પત્નીનો પડ્યો બોલ એક કોલ માનીને ઝીલતાં પતિદેવ એવાં લાચાર કે વિવશ તો એટલીસ તૈયાર થવા  જોઈએ કે જે પત્ની સામે મનમોહનસિંહ અને પરિવાર સામે નરેન્દ્રભાઈ મોદીનો રોલ ભજવે અને આમની વચ્ચે પારિવારિક સભ્યોની દશા રાહુલગાંધી ની સેન્ડવીચ સમાન થાય. ઉદાહરણ એટલે જ આપ્યું છે કે ત્રણેય પુરુષો છે. સક્ષમ છે. અભિનયક્ષમતામાં નિપુણ છે. પણ સવાલ માનસિકતા અને  પ્રજાની પસંદગીનો છે. દરેક પુરુષ અને દરેક સ્ત્રી એકબીજાનાં સહાયક બની કાર્યક્ષેત્ર અને પરિવાર, સમાજને સહયોગી બની (નહીં કે ભોગી બની સાચવે)  એ જ અપેક્ષા સહ ભારતનું ભાવિ તેનાં વર્ગખંડોમાં ઘડાય અને આજનાં ભૂલકાં આવતીકાલનાં શ્રેષ્ઠ નાગરિક તૈયાર થાય તેવી એક માત્ર અલ્પેશા માલતી પતીલ અંકલેશ્વર