Image

નાનપણમાં રિમોટ કન્ટ્રોલવાળી કાર હોય કે રમકડાં એનો ઘણો ક્રેઝ હોય છે આપણને. ત્યારથી લઈને ટીવી હોય કે કોઈ રિમોટ કંટ્રોલ વાળા મશીન કે પછી રોબોટ કે કઠપૂતળીનાં ખેલ એ આપણને બહુ આકર્ષતા હોય છે. કારણ કે કોઈને કંટ્રોલ કરવું કદાચ આપણને બહુ ગમે છે. જો કોઈ માણસ આપણી ઈચ્છા મુજબ કે આપણાં ધાર્યા મુજબ ન વર્તે કે આપણું ન માને કે આપણી અપેક્ષાઓ ઉપર ખરો ન ઉતરે તો ખૂબ સહેલાઈથી આપણે એ વ્યક્તિને ખરાબ કહી કે માની લઇએ છીએ. કદાચ એટલે જ રોબોટનો આવિષ્કાર થયો હશે. એટલે જ આપણો પડ્યો બોલ ઝીલતી આઈફોનની શીરી આપણને બહુ વ્હાલી લાગતી હશે ! ત્યારે એમ થાય કે કાશ માણસને પણ રિમોટ કન્ટ્રોલથી કન્ટ્રોલ કરી શકાતો હોત તો ! 

આપણે જો વિચારીએ તો કેટકેટલું આપણે કન્ટ્રોલ કરવું હોય છે. ઘરનાં સભ્યો, આપણી આસપાસ વસતાં લોકો, પરિસ્થિતિઓ વગેરે વગેરે  જો લિસ્ટ લખવા કે ગણવા રહીએ તો કદાચ ખૂટે જ નહિ.  અરે બાકી બધું તો ઠીક આપણે તો ભગવાનને પણ નથી મૂકતા. એ પણ જો આપણી ઈચ્છા પૂરી ન કરે તો ભગવાન છે જ નહિ એવું માની લઈએ છીએ. અથવા તો એને પણ રીશ્વત કે લાલચ આપીએ છીએ આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે. આપણે બધું જ કન્ટ્રોલ કરવું હોય છે. માતાપિતાને પોતાનાં કન્ટ્રોલમાં રહે એવા બાળકો જોઈએ, શિક્ષકોને પોતાના કન્ટ્રોલમાં રહે એવા વિદ્યાર્થીઓ અને બોસને કર્મચારીઓ, પત્નીને પોતાનાં ઈશારે નાચે એવો પતિ, પતિને પોતાનો પડ્યો બોલ ઝીલે એવી પત્ની તો સાસુને પોતાનાં કન્ટ્રોલમાં રહે એવી વહુ. વહુ ઘરમાં આવે એ પહેલાં જ સાસુને કહેવામાં આવે છે કે અત્યારથી જ કન્ટ્રોલમાં રાખજો. જોજો પછી હાથમાંથી સરી ન જાય ! ત્યારે એક વિચાર એ આવે કે જન્મ અને મૃત્યુ એ બે સૌથી મુખ્ય વસ્તુઓ જે બંને આપણા કન્ટ્રોલમાં નથી તો પછી એનાં બે વચ્ચે જેટલો સમય મળ્યો છે એ લોકોને કન્ટ્રોલ કરવામાં વેડફવા કરતાં દરેક વ્યક્તિને પોતાનું રિમોટ કન્ટ્રોલ એમનાં હાથમાં રાખવાં દઇએ એ જ આ આઝાદ દેશમાં સાચી આઝાદી નથી ?

એક ટીવીનું રિમોટ કન્ટ્રોલ કોઈ બીજાનાં ટીવીમાં કે બીજા રૂમમાંથી કેમ નથી ચાલતું ? કેમ કે એ બ્લુટૂથથી જોડાયેલું હોય છે. અને જ્યાં સુધી એની રેન્જમાં  આવે ટીવી ત્યાં સુધી જ એને કન્ટ્રોલ કરી શકે. એ જ રીતે જો ખરેખર કોઈને તમારાં કેન્ટ્રોલમાં રાખવાં હોય તો એની લાગણીઓના બ્લુટૂથથી જોડાઓ અને એની લાગણીઓ અને વિચારોની રેન્જમાં આવી જાવ. તો કદાચ એ વ્યક્તિ વગર રિમોટ કન્ટ્રોલે તમારાં કેન્ટ્રોલમાં જ રહેશે !