Image



સહનશીલતા


સહનશીલતાના પાટા પર, રોજ દોડતા હૈયું, હાથ ને પગ,
રાહ જોવાતી ક્યારે આવે સ્ટેશન, શુભ, મંગળ ને લાભ.

આ સહનશીલતા એટલે બધું સહન કરવું, પચાવી લેવું, ને જેમ છે તેમ સ્વીકારી લેવું.  मुण्डे मुण्डे मतिर्भिन्ना । દરેકની અલગ અલગ આદત અને જુદા જુદા સ્વભાવને અનુકુળ થવું. સહન તો શરીરના દરેક અંગોએ કરવું પડે છે. હાથ- બીજાનું કામ કરી સહન કરે છે. આંખ- પોતા માટે બીજાની આંખમાં તિરસ્કાર જુવે તો પણ આંખ આડા કાન કરી સહન કરે છે. કાન- કટુ વેણ સાંભળીને પણ ગુસ્સો ગળી જઈ સહન કરે છે. તો વાણી- મુંગી થઈ સહન કરે છે. મન અને હૈયું તો ક્ષણે ક્ષણે કપાઈને સહન કર્યા જ કરે છે.

જે માણસ અત્યંત સહનશીલ હોય એ માણસ દેખાવડો ન હોય તો ય દેખાવડો લાગવા માંડે છે. અને તડ ને ફડ કરવા વાળો માણસ રૂપાળો હોય તોય કદરૂપો લાગવા માંડે છે.

સહનશીલતા એ ફક્ત સ્ત્રીઓનો જ ઇજારો નથી, પરુષ પણ સહનશીલ હોવો જ જોઈએ. (? )
શરૂઆતમાં સહનશીલતા પર લોકો દાદાગીરી જરૂર કરે છે, પણ લાંબે ગાળે તો તેને પ્રેમ અને સરાહના મળે જ છે. ઘરની એકાદ વ્યક્તિની સહનશીલતા પર તો આખું ઘર ટકેલું હોય છે. શરૂઆતમાં ગરીબ ને બિચારીનું લેબલ મેળવેલી સહનશીલતાને ભવિષ્યમાં આદર્શ ને ડાહીનું બિરુદ જરૂર મળે છે. સહનશીલતા એ કાયરતા તો નથી જ.
" સુંદર સ્ત્રીનો વટ પડે છે, પરંતુ સહનશીલ સ્ત્રીનો પ્રભાવ પડે છે. "

Sincerity is beauty within. દરેક કામમાં પૂરી નિષ્ઠા, કામની ધગશ અને ચીવટ પૂર્વક સમયસર કાર્ય પૂર્ણ કરવાની કર્મઠતા, બીજા પર હુકમ કર્યા વગર મુંગે મોઢે,  હસતા રહી, પોતે જ કરવાની મહેચ્છાનું જ બીજું નામ સહનશીલતા.

સહનશીલતાનો મુખ્ય ગુણ છે, " હશે " કરવાની વૃત્તિ. પછી ભલે સમાજમાં હોય કે કુટુંબમાં.
સહનશીલતાનું ખૂબ સુંદર ઉદાહરણ છે, વાંસળી. વાંસ વીંધાઈને, છેદાઈને, ખૂબ સહન કરે છે, ત્યારે જ તો પ્રભુના હાથોમાં ને મુખ પર રહે છે હમેશાં.


Thanks,
Alpa Vasa