Image

પરમદિવસે 'પેડ-મેન' મુવી જોવાનો મોકો મળ્યો.
ગયા અઠવાડિયે સાત કિલોમીટરના 'પાવર-વૉક' નામના એક ઇવેન્ટમાં ભાગ લેવા હું ગયેલો ત્યારે અક્ષયકુમારે ત્યાં જાતે આવીને ત્યાં હાજર પબ્લિકને જનજાગૃતિ અર્થે આ મુવી ખાસ જોવાની ભલામણ કરેલ. આ તો જોકે મુવી પ્રોમોશનની એક શૈલી જ હોઈ શકે, પણ તે ઉપરાંતેય આ મુવીની બહુ જ ચર્ચા સાંભળેલી, એટલે જોવાની ઉત્સુકતા ઘણી જ હતી.
મુવીની માવજત જોકે થોડી મોળી લાગી, પણ એ તો કદાચ, અક્ષયકુમાર અભિનીત 'ટોયલેટ' સાથે અજાણતા જ સરખામણી થઈ જવાને કારણે એવી ફીલિંગ આવી હોય શકે, બાકી સ્ત્રીજાતિના માસિક-ધર્મ જેવો વણખેડેલો વિષય ઉપાડી લેવાની ફિલ્મ-નિર્માતાની હિંમત જ કાબિલેદાદ છે.
ટોયલેટ પણ એવો વિષય જ હતો. જોકે આને તો સરકારે ઉપાડેલ અભિયાનનો એક ભાગ પણ ગણી શકાય, એટલે બહુ તાજજુબ ન થવાય. જ્યારે આ સેનિટરી પેડ અને માસિકધર્મ વગેરે બાબતમાં જ્યારે સરકાર કે કોઈ એનજીઓ પણ ઝુંબેશ ચલાવવાનું વિચારતી નથી, ત્યારે તેની ઉપર એક મુવી બનાવવી એ સાચે, સમજસેવાનું જ એક કાર્ય ગણાય, કારણ નરજાગૃતિની ડિમાન્ડ કરતો આ એક સાચે જ ઉમદા વિચાર છે.
માસિકધર્મ એટલે કુદરતના ક્રમમાં સમગ્ર માદા જાતિને ભાગે આવેલ એક વિટંબણા જ છે, કે જે પ્રજોત્પાદન માટે અનિવાર્ય હોવાથી અનંત કાળથી તેની માથે મંડાયેલ છે.
આ ઋતુકાળ દરમ્યાન થતી પીડા, તણાવ અને માનસિક ઉથલપાથલ તો સ્ત્રીજાતિ જ સહન કરી જાણે. બાકી આજે જો મારુ માથું સખત દુઃખતું હોય ને મને કોઈ કહે કે આવતા અઠવાડિયે ચોક્ક્સ ફરીથી એ દુઃખશે જ, તો બાકીનું મારુ આખું અઠવાડિયું એ આવનારી આફતના અજંપમાં જ વીતે એની મને ખાતરી છે. પણ હકીકત એય છે કે નારીજાતિની આ નિયમિત તકલીફ પ્રત્યે સહાનુભૂતિ તો બાજુએ રહી, કોઈ ગંભીર વિચાર સુદ્ધા ય આજ સુધી નથી થયો.
અચરજની જ વાત આ છે, કે પથ્થર યુગથી નિયમિત રીતે માથે આવી પડતી આ સમસ્યા..આ પીડાનો, કોમ્પ્યુટરયુગ સુધી કોઈ સંતોષકારક નિવેડો નથી શોધવામાં આવ્યો. અને એથીય તાજજુબ પમાડે એવી વાત તો એ લાગે છે કે સંપૂર્ણપણે.. સોએ સો ટકા જે વસ્તુ કુદરતને આધીન છે, તેનો આટલો છોછ..આટલી ઘૃણા, આજ દિવસ સુધી શા માટે કરવામાં આવી..? ઈન ફેક્ટ..હજીયે કરવામાં આવે છે.

શું મહિને બે મહિને બધાંને શરદી નથી થતી? શું ત્યારે સૌના નાક નથી વહેતા? અને ત્યારે, જાહેરમાં શું આપણે બધાં રૂમાલથી નાક નથી કરતાં? એવા સમયે શું કોઈ જાતની હિણપત કે ગુનાહિત લાગણી ઉપજી આવે છે કોઈના મનમાં?
સ્ત્રી-પુરુષના નાકમાંથી થતો એક સ્ત્રાવ જ છે ને એ ચીકણો પદાર્થ પણ..બસ એવી જ રીતે, જેમ કે દર મહિને સ્ત્રીને થતો રક્તસ્ત્રાવ..!
તો પછી તે શરદીગ્રસ્ત દર્દીને નાક વાટેનો સ્ત્રાવ બંધ ન થાય ત્યાં સુધી અછૂતની જેમ ટ્રીટ કરવામાં કેમ નથી આવતો? શું એટલા માટે કે શરદીસ્ત્રાવ નાક જેવા જાહેર અંગ વાટે થાય છે જ્યારે રક્તસ્ત્રાવ ગુપ્તાંગ વાટે થાય છે? પણ તો તો પછી પેશાબ નામનો સ્ત્રાવ પણ એ જ ગુપ્તાંગ વાટે થાય જ છે ને..!
બટ વેઇટ.. !
આ પેશાબ અને શરદી ફક્ત સ્ત્રીઓને નથી થતાં.. પુરુષોના અંગો વાટે પણ આ બંને એટલા જ ફ્રિકવેન્ટલી વહે છે, જ્યારે રક્તસ્ત્રાવ ફક્ત અને ફક્ત સ્ત્રીઓને જ થાય છે..અને કદાચ એટલે જ આટલો ભેદભાવ રખાયો છે તે માસિક-ક્રિયાની સહજીકતા સ્વીકારવામાં.
તે સ્રાવને જાહેરમાં રોકવાની ક્રિયાઓ પ્રત્યે ઘૃણા, સૂગ અને પાબંદીઓ એટલા માટે છે, કારણ પુરુષોને તે પળોજણ પાળવી જ નથી પડતી.
વહેતા નાકવાળા શરદીગ્રસ્ત પંડિતજી પૂજા કરી કે કરાવી ન શકે, અરે મંદિરમાં પ્રવેશ પણ ન કરી શકે, એવી કલ્પનામાત્રથી તે વખતના બ્રાહ્મણો, મૌલવીઓ અને પાદરીઓ કંપી ઉઠ્યા હશે કદાચ..!
આવી સામાજિક રૂઢિઓ પણ તેઓએ જ બનાવી છે ને..! જાતે જ સુધારાવધારા કરેલ શાસ્ત્રોને તે વખતની અભણ અબુધ પ્રજાના માથે તેઓએ જ થોપ્યા હશે ને..!
જાજરૂએ જઈ આવ્યા બાદ નહાઈને દેહશુદ્ધિ બાદ જો તરત જ મંદિરમાં જઈ શકાતું હોય, તો માસિક રક્તસ્ત્રાવ સાફ કરીને સંપૂર્ણ તન શુદ્ધ કર્યા બાદ પણ મન્દિરમાં કેમ ન જવાય તેનો કોઈ જ તર્કબદ્ધ જવાબ કોઈ પાસે નથી. બસ એક જ વાત..કે ઈશ્વર અભડાઈ જાય.!
પણ પ્રભુ તો પોતે જ એક પારસમણી છે. પતિતને પાવન કરે છે એ તો. જેના સ્પર્શમાત્રથી કથીર સમાન જન અને મન કંચન બની જતું હોય, તે પોતે કઈ રીતે અભડાઈ શકે?
પણ આવા સવાલોના જવાબ મળવાને બદલે એનાથીયે તર્ક-અસંગત રિવાજોની જાણ થાય ત્યારે મન વિચલિત થયા વિના ના રહી શકે.
આપણે શિયાળામાં વસાણા તરીકે ઉપયોગમાં લેવાતો ગુંદર, ભગવાનની સામગ્રીમાં એટલા માટે નથી વપરાતો કારણ કે એ કોઈ એક ઝાડનો રસ છે...એક સ્ત્રાવ છે, કે જે સ્ત્રીના માસિકસ્ત્રાવ જેટલો જ હીન છે. અને માટે તે પ્રભુને ના ધરી શકાય.. !
બોલો..!
સૈકાઓથી પુરુષ-પ્રધાન રહેલ સમાજમાં આવા કારણો અપાય તેમાં એટલી નવાઈ ન લાગવી જોઈએ જેટલી એ વાતથી કે, સ્ત્રીઓ આ બધું ખૂબ જ સરળતાથી માની લઈને જાતે જ પોતાને અને પોતાના દેહમંદિરને હીન કક્ષામાં મૂકતી આવી છે, ને હજુયે મૂકી રહી છે.
આવે વખતે પેડમેન હોય કે સુપરમેન.. કોણ કેટલું આ બધું બદલવામાં સફળ થશે, એ તો તેમનો સહેલાઈથી અભડાઈ જતો ઈશ્વર જ જાણે..!
.
.
અશ્વિન.. :)