Image

શંકા

સૃષ્ટિના સર્જનહારે પ્રેમ તો સર્જ્યો, પણ સાથે સાથે સત્યાનાશ વાળતી શંકા પણ સર્જી. આજે પ્રેમથી જેટલા લોકો સમૃદ્ધ છે, તેનાથી ચાર ગણા શંકાથી વિકૃત છે.

શંકાની તાકાત કેટલી કે, તેનું એક ટીપું પણ ઉંડા અને અગાધ સાગરને સર્જવાની ક્ષમતા રાખે છે. આ શંકાનો સાગર ખારો નહીં, પણ કડવો વખ જેવો હોય છે.અને વળી પોતાની આજુબાજુ સખત કાંટાળી વાડ ચણી લે છે. તેથી સ્નેહની સરિતા પણ અંદર આવી નથી શકતી.

" શંકા ભૂત ને મંછા ડાકણ." આ શંકાનું ભૂત સંબંધોને ઝટ વળગી પડે છે. જેમ કે પતિ-પત્નિ, નણંદ- ભોજાઈ, સાસુ-વહુ, કે પછી બે સગ્ગા ભાઈઓ કે બે બહેનો. આ શંકાનું ભૂત વળગ્યા પછી તાજે તાજું કાઢો તો કદાચ નિકળે, પણ સમય જતાં તો એવું પેધી જાય, કે નીકળવાનું નામ જ ન લે, ને ઉલટું વધારે ને વધારે ઉંડા ને પહોળા તેના પગ પસારે. એટલે શંકાનું નિવારણ તો તરત જ કરવું ઘટે.

હોકાયંત્રની જેમ આ શંકાને સોય પણ પાછી હોય છે. અગર વહુને કંઈ થાય તો તરત શંકાની સોય તેના પતિ પર કે સાસુ પર મંડરાવવા લાગતી હોય છે.

શંકા એટલે ધારણા. ફક્ત ને ફક્ત ધારણા. આ ધારણા એટલે હાથ, પગ ને માથા વગરનો કીડો. આ કીડો એકવાર મનમાં સળવળ્યો કે માણસનું સુખ, ચેન, નિંદર બધું છીનવી લે.

માટે જ શંકા પેદા થાય કે તરત તેનું નિરાકરણ કરી લેવું. શંકાને મનમાં સડવા ન દેવી. શંકા- વહેમ એ તો રાજરોગ છે. નાની અમથી શંકાના રોગને  જડમૂળ થી કાઢવા ઘણી બધી ચોખવટ, ને સમયનો વ્યય થાય છે.