પ્રકાશના પર્વ પર પ્રસન્ન પુરુષોત્તમ પૂજ્ય બાપુને પ્રેમ પ્રણામ

પુરુષોમાંશ્રેષ્ઠ હોય તેને આપણે પુરુષ શ્રેષ્ઠ કહીએ છીએ- પુરૂષોત્તમ કહીએ છીએ.પુરુષોત્તમ એટલે માત્ર 'ભગવાન' એવો જ અર્થ નથી. ઉત્તમપુરુષના અર્થમાં જો આપણે જોઇએ તો એમ કહી શકાય કે પૂજ્ય મોરારીબાપુ પ્રસન્ન પુરુષોત્તમ છે. આવા પ્રસન્ન પુરુષોત્તમ ભક્તિ માર્ગના પ્રવાસી છે.પરંતુ ભક્તિ માર્ગ દ્વારા પણ ભગવાન પતંજલિકથિત અષ્ટાંગ યોગના આઠે સોપાન -યમ,નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ-  તેમનામાં સિદ્ધ થયા જણાય છે.

પ્રથમ સોપાન 'યમ' ના પાંચ ઘટકો છે. સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ.

એ રીતે અષ્ટાંગ યોગ માર્ગની યાત્રા સત્યથી શરૂ થઇને સમાધિ સુધીની  છે. પૂજ્ય બાપુના જીવન-દર્શનમાં,તેમની અધ્યાત્મ- યાત્રામાં અને તેમના આચરણ- વિચરણમાં, સત્યથી સમાધિ સુધીની યાત્રા સંપન્ન થયેલી જણાય છે.

યમનું પ્રથમ અંગ સત્ય છે. બાપુના જીવનમાં કેવળ સત્યનું દર્શન થાય છે. બાપુએ પોતે એક કથામાં આત્મ- નિવેદન કરતાં જણાવેલું કે પોતે તલગાજરડામાં જન્મ થયો ત્યારથી માંડીને આજ સુધીમાં કદી અસત્યનો આશ્રય લીધો નથી, કદી અસત્ય બોલ્યા નથી. જગત જાણે છે કે 

તેમના વિચારોમાં સત્ય છે, તેમના ઉચ્ચારમાં સત્ય છે અને તેમના આચારમાં પણ સત્ય છે.

      યમનું બીજું સોપાન છે- અહિંસા. મન, વચન અને કર્મથી કોઈને દુભાવવા નહીં એટલે અહિંસા. સહુ જાણે છે કે બાપુ  એટલા સંવેદનશીલ છે કે તેઓ- પોતે  સહન કરી લઈને પણ- કદી બીજાની લાગણી દુભાય એવું એવું કશું ન થાય તેની સાવધાની રાખે છે. બાપુએ તો અહિંસાને જગદંબા સમકક્ષ દરજ્જો આપીને ચોટીલા ખાતેની 'માનસ ચામુંડા' માં કહ્યું કે-

"યા દેવી સર્વભૂતેષુ અહિંસા રૂપેણ સંસ્થિતા ।

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।" 

        યમનું ત્રીજું સોપાન છે અસ્તેય-ચોરી ન કરવી. અરે સાહેબ, જે પોતે જ લુંટાવા બેઠા છે, એ બીજાનું શું લઇ લેવાના? 

           બીજા કોઈનું કંઈ ચોરવાની તો વાત જ નથી. ઉલ્ટું બાપુના વિચાર, વાણી અને વર્તનની બીજા ચોરી કરે છે- નકલ કરે છે- અનુકરણ કરે છે!! ચોથું સોપાન છે- બ્રહ્મચર્ય.બ્રહ્મચર્યનો તથાકથિત અર્થ"સ્ત્રી સંગનો ત્યાગ" એવો કરવામાં આવે છે. પરંતુ ખરેખર તો "બ્રહ્મની સાથે રહેવું"- બ્રહ્મના સાહચર્યમાં રહેવું- એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મ એટલે સત્ય. બ્રહ્મ એટલે પ્રેમ.બાપુ સદાય સત્ય અને પ્રેમમય જીવન જીવે છે.

પાંચમું ઘટક છે- અપરિગ્રહ.બાપુ પૂર્ણ રૂપે અપરિગ્રહી છે. બાપુ ની જો કાંઈ અસ્કયામત હોય તો તે બે જ છે-

"પાદુકા અને પોથી". 

સદગુરુ પૂજ્ય દાદાજીની પાદુકા અને રામચરિત માનસ એટલે કે પોથી એ બે એમના જીવનની મહામૂલી મૂડી છે. એ સિવાય બાપુ પાસે પોતાની કહી શકાય એવી કોઇ મૂડી નથી.

યમના પાંચ સોપાનો જોયા પછી, પાંચ નિયમો તરફ જઈએ- તો પ્રથમ નિયમ છે- શૌચ, એટલે કે શુદ્ધિ. બાપુના જીવનમાં સિદ્ધિ કરતાંય શુદ્ધિનું જ વિશેષ મહત્વ છે. સાધનાની એક ઊંચાઈએ પહોંચ્યા પછી સિદ્ધિ તો આપોઆપ મળે છે.પણ શુદ્ધિ માટે તો સંતને પણ સતત સજાગ અને સાવધાન રહેવું પડે છે.બાપુ માને છે કે શુભકર્મ એ સારી બાબત છે, પણ શુદ્ધ કર્મ ઉત્તમ છે. શુદ્ધતા વિના સાધુતા ટકી શકતી નથી. સહુ જાણે છે કે બાપુ આંતરબાહ્ય શુદ્ધિના આગ્રહી છે.

બીજો નિયમ છે- સંતોષ.જેને કોઈની પાસેથી કશું મેળવવું જ નથી, સાહેબ! એ સદા સંતોષી જ હોય! બાપુની આંતર્ સમૃદ્ધિ એટલી બધી છે, હરિનામનું સામર્થ્ય એટલું છે કે બાપુને કશાય નો ખપ નથી. એટલે તો તે વહેંચવા બેઠા છે. પોતાની પાસે જે કાંઈ પ્રાપ્તિ છે, એને વહેંચવું એ જ બાપુનો આનંદ છે. અધુરાને અસંતોષ હોય, પૂર્ણ હોય એને તો સંતોષ જ હોય! 

ત્રીજો નિયમ સ્વાધ્યાય છે.એટલે કે "સ્વનું અધ્યયન". રમણ મહર્ષિ કહે છે તેમ, પ્રત્યેક સાધકે "હું કોણ છું?" - નો જવાબ મેળવવો એ જ સાધના છે. ઉપરાંત શાસ્ત્રોનું અધ્યયન પણ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય પછીનું સોપાન છે - ઇશ્વર પ્રણિધાન. સંપૂર્ણ શરણાગતિ એટલે ઇશ્વર પ્રણિધાન.બાપુ માટે ભરોસો એ જ ભજન છે, ભરોસો એ જ ભક્તિ છે, ભરોસો એ જ અધ્યાત્મ છે.અશ્રુ અને આશ્રય એ બે જ ભક્તના ઉપકરણો છે.બાપુનું સંપૂર્ણ જીવન પરમાત્માને- પરમ તત્વને સમર્પિત છે.અને પાંચમું સોપાન છે તપ.સાધુ તો સદાય તપસ્વી જ હોય.સાધુનો ધૂણો અખંડ હોય છે અને સાધુને ધુણા પાસે જ રહેવાનું હોય છે એટલે કે સતત તપવાનું હોય છે.  બાપુ કહે છે કે "વ્યાસપીઠ એ અગ્નિપીઠ છે."

બાપુ જગ- કલ્યાણ માટે, જનકલ્યાણ માટે અને જીવ કલ્યાણ માટે તપે છે.એ પણ કેવળ કરુણાને કારણે! 

પાતંજલ યોગસૂત્રના અષ્ટાંગ યોગનું ત્રીજું પગથિયું છે - આસન. આસન એટલે શરીરની સ્થિરતા.જેમ પાત્ર સ્થિર હોય, તો જ અંદરનું પ્રવાહી સ્થિર રહી શકે, તેમ દેહ સ્થિર હોય તો જ મન સ્થિર રહી શકે.આસનનો એક અર્થ છે- દ્રઢતા. બાપુ વ્યાસપીઠ ઉપર કલાકો સુધી બેસે છે તે એમની આસનસિદ્ધિ છે.પરંતુ આસન સિદ્ધિની સાથોસાથ મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકારની પણ સ્થિરતા બાપુના વ્યક્તિત્વના દેખાય છે. આપણી મનોવૃત્તિ ચંચળ છે. મન ઉધામા કર્યા કરે , એ પ્રમાણે આપણી વૃત્તિ- પ્રવૃત્તિ ઘડાય છે. બુદ્ધિ વ્યભિચારિણી છે અને અનિર્ણયાત્મક છે, તેથી આપણા વિચારો હાલકડોલક રહે છે.આપણું ચિત્ત શાંત નથી. એની ચંચળતા આપણામાં ક્લેશ- વિકૃતિ જન્માવે છે. અને આપણા અહંકારનું તો પૂછવું જ શું? પાત્રતા ન હોવા છતાં કર્તૃત્વનો અહંકાર લઈને આપણે ફરીએ છીએ.પૂજ્ય બાપુનું મન શાંત છે.બુદ્ધિ નિર્ણયાત્મક છે.ચિત્ત સ્થિર છે અને અહંતા સમતામાં પરિવર્તિત છે.તેથી તેમનું આસન સ્થિર છે.

યોગસૂત્ર નું ચોથું અંગ છે -  પ્રાણાયામ. પ્રાણાયામનો અર્થ આમ તો "પ્રાણનું નિયમન" - એવો થાય. એક અર્થમાં પ્રાણાયામ એટલે પ્રાણનું અવલોકન- અને પ્રાણનું અવલંબન.વિપશ્યના અને પ્રેક્ષા જેવી ધ્યાન પદ્ધતિઓમાં પ્રાણનું અવલોકન છે. જેના શ્વાસ - પ્રશ્વાસમાં રામનું રટણ હોય, એ પ્રાણનું સતત અવલોકન ગણાય.અને પ્રાણ એટલે હનુમંત તત્વ.બાપુને હનુમંત તત્વનું સતત અવલંબન છે.

પાંચમું સોપાન છે-પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે 'પાછું ખેંચવું'. ઈન્દ્રિયોને સંકોરવી - વૃત્તિઓ અને પ્રવૃત્તિઓને સંકોરી લેવી- એ પ્રત્યાહાર છે.સાધુની કોઈપણ સમાજલક્ષી પ્રવૃત્તિપરોપકાર માટે હોય છે. તેમાં સત્વશીલતાજ હોય છે. બાપુ અનેકવિધ સામાજિક સાંસ્કૃતિક ઉપક્રમો સાથે સંકળાયેલા રહ્યા છે. આ બધા જ કાર્યક્રમમાં સત્વશીલતાના દર્શન થાય છે. તેમ છતાં જ્યારે પ્રવૃત્તિ સમાજલક્ષી હોય ત્યારે તેમાં રજસ્ નું તત્વ આવે જ છે. અને તેનાથી ઘણીવાર ગેરસમજણો પેદા થતી હોય છે. તેથી એક તબક્કે સાધુપુરુષ સમાજલક્ષી અને પરોપકારલક્ષી એવી પ્રવૃત્તિઓને પણ ત્યજીને કેવળ નિજાનંદમાં અને કેવળ હરિનામનાં સ્મરણમાં જ મસ્ત રહે છે.પૂજ્ય બાપુ ધીરે ધીરે એ દિશામાં પ્રવૃત હોવાનું  જણાય છે.

પ્રત્યાહાર પછીનુ પગથિયુ છે ધારણા.ધારણાનો એક અર્થ છે- એકાગ્રતા. કોઈ એક બિંદુ પર એકાગ્ર થવું.આપણે જાણીએ છીએ કે બાપુનું કોઇ પણ કાર્ય એકાગ્રતાપૂર્વકનું હોય છે. તેમનું દર્શન, શ્રવણ, મનન તથા કથાગાન- આ બધામાં  એકાગ્રતા જોવા મળે છે. એકાગ્રતા હોય તો જ ધ્યાન કરી શકાય છે અને ધ્યાન રાખી પણ શકાય છે !! બાપુની ધારણા અદભૂત છે.

ત્યાર પછીનું સોપાન ધ્યાન છે.ધ્યાન એટલે પરમ સાથેનું અનુસંધાન. કેવળ અને કેવળ પરમતત્ત્વ સાથેની એકરૂપતા એટલે ધ્યાન. બાપુના રોમરોમમાં રામ વસે છે. હાથના ટેરવે ફરતા માળાના મણકામાં રામ છે. જીભના ટેરવે રમતા રામ છે.તેમના હૈયામાં વસતા રામ છે.

બાપુ કહે છે કે જ્યારે કથા ગાનનો આરંભ થાય, ત્યારે બાપુ બંધ નેત્રે ભગવાનની સ્તુતિનું ગાન કરે છે, એ ધ્યાન છે. માતા ગમે તે કામ કરતી હોય, છતાં તેનું ધ્યાન તો આસપાસમાં રમતા તેના બચ્ચા તરફ જ હોય છે. એ રીતે બાપુ ગમે તે પ્રવૃત્તિ કરે,  તેમના અંતર્ મન- અંતર્ ચક્ષુ સમક્ષ કેવળ રામનું ધ્યાન હોય છે.

અને અંતિમ સોપાન છે- સમાધિ. યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર અનુસાર સમાધિનો ઘણો ઊંડો અર્થ હોઈ શકે. પરંતુ બહુ સરળ ભાષામાં કહેવું હોય, તો જેની બુદ્ધિ સમ છે, બુદ્ધિમાં સમતા છે, એ સમાધિસ્થ મહાપુરુષ છે.તમામ પ્રકારની ઉપાધિઓમાંથી મુક્તિ એટલે સમાધિ.રામકથા બધા જ પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિનું ઔષધ છે. એ ઔષધ જેની પાસે છે, એ સમાધિસ્થ મહાપુરુષ છે.અને એથી વિશેષ કહું, તો જેને સમાધિમાંથી પ્રકટ થતી સુગંધની અનુભૂતિ થાય છે,તે મહાપુરુષ પણ સદા સમાધિસ્થ છે.આ બધા અર્થમાં બાપુ સમાધીને પ્રાપ્ત થયેલા છે.

આપણા સૌ માટે બાપુનું દર્શન કરવું એ દર્શન સમાધિ છે. બાપુના વચનામૃતનું શ્રવણ કરવું એ શ્રવણ સમાધિ છે.બાપુની જેમ કોઇના ય તરફ રોષ, દ્વેષ, પૂર્વગ્રહ કે પક્ષપાત રાખ્યા વિના પ્રેમ કરવો એ સહજ સમાધિ છે! 

સત્યથી સમાધિ સુધીની સફળ યાત્રા દ્વારા આપણને સહુને સત્ય  પ્રેમ અને કરુણાના ત્રિવેણી તીર્થમાં સ્નાન કરાવતા પૂજ્ય મોરારી બાપુના શ્રીચરણોમાં નવલા વર્ષના પ્રારંભે કોટી કોટી વંદન. જય સીયારામ

  Never miss a story from us, get weekly updates in your inbox.