યુદ્ધનાપડઘમ ચોમેર વાગતા લાગે;
ને ભયના ભણકારા ભાસે ત્યારે જાણે.
ચર્ચાશૂરાઓનેવીરચક્ર શું કામે લાગે?
ગજ ફુલે છાતી, જો કરી બતાવે આજે. - કુંજકલરવ
ચર્ચા પ્રેમી ફેસબુક લાલાઓ અને વ્હોટસેપ લીલીઓને સમર્પિત ઉપરોક્ત પંક્તિઓ. ચર્ચામંત્રાણાંની તરફેણમાં
સમયવેડફતી એક આખી પેઢી ઉછરી રહી છે આપણી સામે એવું નથી લાગતું? સવારે ઉઠીને છાપાં વાંચીએ કે
સતત બ્રેકિંગ ન્યુઝથી ધમધમતા ટી.વી.માં નજર કરીએ તો બધેજ અરાજકતા અને અફરાતફરીનો માહોલ
મધ્યાહ્ને પહોંચ્યો છે એવું લાગે છે. એવામાં શું પાનનો ગલ્લો કે શું ફેસબુકની વોલ કે પછી વ્હોટસેપનાં ગૃપ.
કોઈ નાનો સરખો વિચાર કોઈને ઝબૂક્યો નથી અને એને જગજાહેર કર્યો નથી.
અભિપ્રાયો અને પ્રતિભાવો આપવાની હોડમાં ઘડિકવારમાં ચર્ચાઓનો સપાટાભેર પૂર ઉમટી પડે. ચર્ચાનાં રવાડે
ચડીએ એટલે પત્યું. એકાગ્રતા તો સાવ તાળું વાસીને ડાબલીમાં પૂરી દેવાઈ હોય એમ અદ્રશ્ય જ રહે છે.
અને આત્મવિશ્વાસ પણ જાણે પારકી થાપણ હોય એમ બીજાનાં મંતવ્યોને આધારિત થઈ બેઠો હોય એવું લાગે.
જેનીઅસર કદાચ આખો દિવસ રહે અને નીંદરમાં પણ એજ બધું ઘૂમરાયા કરે. જેને લીધે યોગ્ય દિશાએ કામ કરવાની
શક્તિ અને અભિગમ ખોરવા ય છે. એક જોક ફરે છે ને – “રેફ્રિઝરેટર હોય કે વ્હોટસેપ ખબર જ છે એમાં કંઈ નવું
નથી છતાંય જરાતરા વારે ખોલીને જોઈ લેવાનું મન થાય.” તો, આપણે ચર્ચા વિશે ચર્ચા કરીએ તો, આ ચર્ચા કરવામાંય ઘણી
ચર્ચાઓ છે. ચર્ચાનાં પણ અસંખ્ય મુદ્દાઓ છે. ચર્ચા કરવા બેસવા કંઈ કોઈ મોટી સ્નાતકની ઉપાધિ થોડી જોઈએ છે? એતો
જરા કોઈ બાબત પર ઉપાધિ થાય એટલે ભરપેટ ચર્ચા કરી લેવાની. ઉકેલ મળે કે ન મળે પણ તમારા પેટમાં ફરફરતાં પંચાતિયા પતંગિયાંઓને તો રાહત મળે.
ચર્ચા કરવામાં એક દુઃખ ચર્ચા ક્યારેય એકલપંથે નથી થતી. ચર્ચા કરવામાં જેમ કુંડાળું મોટું એમ એની વધારે લિજ્જત મળે.
ચર્ચા કરવાનું સૌથી મોટું સુખ એક જ કે ચર્ચા કરવા માટે નિશ્ચિત વિષયની ક્યાં જરૂર પડે છે. નજીવી બાબત કે મુદ્દો લઈને
પણ મસમોટી ચર્ચાઓ કરી શકાય છે. બે જણાં કે જણી મળ્યાં કે મળી નથીને દુનિયાભરી ચર્ચાઓ કરવાનો અવકાશ આપની
સમક્ષ આળસ મરડીને સુષુપ્ત વિચારોને પ્રચંડ તાકાત સાથે પ્રોટિન, વિટામિન અને કાર્બોહાઈડ્રેડ પૌષ્ટિક ખોરાક ખાધેલ તંદુરત
જીવની જેમ શક્તિશાળી જોમ મળવા લાગે છે. કોણ જાણે ક્યાંથી આટલી તાકાત ભેગી થઈ જતી હશે ચર્ચાઓ કરવા લોકોને એજ પી.એચ.ડી. કરવાના વિષય જેવું છે.
ચર્ચા કરતી વખતે કોઈ તરફેણમાં મુદ્દો મૂકે તો કોઈ વિરોધ પ્રગટ કરે, આક્રોશ પણ ચર્ચાનાં ચક્રવાતમાં વેગથી ઉમટે. વળી, કોઈ
સહમતીનો સફેદ ઝંડો ફરકાવીને ચર્ચામાં ચકરડી મરડી રમે તો કોઈ લાલ કપડું બતાવીને ચર્ચાવીને વધુ ભડકાવે. ચાંપલુસીનો
ભરપૂર સ્કોપ અને અંદરખાને બધાં સાથે મળીને ઢોલકીઓ પણ વગાડી શકવાની મહામૂલી તક.
સંબંધો માંડ સ્થપાયા હોય પડોસી સાથે અને કચરાપેટી અને એઠવાડ ક્યાં નાખવો એવી ચર્ચા થાય. ગઝલનાં ગૃપમાં જોક્સ ન મૂકો એવા
વિષય પર ઘમાસાણ થાય. અને નવીસવી સગાઈ થયેલ યુગલ વચ્ચે તે પ્રોફાઈલ ફોટોમાં લાઈક કેમ ન કર્યું એવા મનામણાં રિસામણાં થાય.
મને કોઈ ટેગ ન કરજો; મારી પોસ્ટ શેર કેમ ન કરી? એવી સાવ નજીવી કચકચ ઓનલાઈનની દુનિયામાં ક્ષણીક મોજની અવસ્થામાંય
ભંગ કરે. ભાઈઓનાં પાનનાં ગલ્લા કે બાઈક પરિષદ અને બહેનોનાં ઓટલા બેઠકોમાં એવી નીતનવીન ચર્ચાઓ થતી હોય કે થાય કે
આ ચર્ચાકારોને તો રાષ્ટ્રિય નહિ બલ્કે વૈશ્વિક સ્તરે મોકલીએ તો ખરેખએ ઉદ્ધાર થઈ જાય જીવનનો.
ચર્ચાઓને અંતે સચોટ, સુખદ સરળ નિર્ણય ઉપજે તો એ સમય આપવો લેખે પણ લાગે. પણ નિવેડા વિનાનાં હવાતિયાં માર્યા કરવા
અને સતત મુદ્દાઓને ઉખેડ્યા કરીને મન, મગજ અને ‘મની’ વ્યર્થ કરવાનું કેટલી હદે યોગ્ય? સ્કુલ – કોલેજમાં વકૃત્વ કે ડિબેટમાં
ભાગ લીધો હોય કે સાંભળ્યું હોય તો યાદ કરો કે વિષયવસ્તુનાં સારાનરસાં પાસાંનું વિવરણ કરવાનું
અને પોતાનો વિચાર કહી બેસી જવાનું હોય એ પણ સમય મર્યાદામાં જ. આ ગુણ વિદ્યાર્થી જીવનમાં એટલે કેળવવાનો હોય છે કે એનાંથી
પોતાનાં વિચારો દુનિયા સમક્ષ રજુ કરવાનો મહાવરો થાય. પરંતુ સામાન્યત થાય એવું છે કે પ્રસંગો પાત મેળાવડો હોય કે જાહેર સોશિયલ
મિડિયા લોકો પોતાની બુદ્ધિમતાનું પ્રદર્શન કરવા પણ ચર્ચાનું હથિયાર હાથવગું રાખતા થઈ ગયા છે. અંતે, એ વ્યક્તિ પ્રત્યે અણગમો થતો જાય,
સંબંધો વણસે પણ ખરાં. બીજું, ખરેખર સંવેદનશીલ બાબત હોય તોય કંટાળો આવે. વૈવિધ્યપૂર્ણ ચડસાચડસી સભર વિષય વધુ
‘કોમ્પ્લેક્ષ’ બને અને નિજાનંદ કે મૈત્રીપૂર્ણ વાતાવરણ માણવાનો સમય વધુ ‘કોઝી’ બને. જેમને ખરેખર કઈંક કરી દેખાડવાની
ધગશ છે એ ચર્ચામાં નથી પડતા અને જેવો ચર્ચા કરવાનું ટાળે છે એમને ચર્ચાવીરો એમનાં સંકુલમાંથી બહાર કરે છે, રદબાતલ કરી
હંકારી કાઢે છે. અલબત્ત, એને ચર્ચાનાં ચક્રવૃહમાંથી કાઢી મૂકવો કે કેમ એવું નક્કી કરવા પણ કેટલીય ચર્ચાવિચારણાઓ થાય છે.
અંતે, લેફ ગૃપ કે બ્લોક થવાનો કે કરવાનો વારો આવે. આડકતરી રીતે સંબંધોમાં કચવાટ થાય.
તટસ્થ વલણ રાખીને મનને ચર્ચાઓને ટલ્લે ન ચડવા દે એવું કવચ દાનવીર કર્ણ પાસે પણ નહોતું કદાચ એવું હાલની પરિસ્થિતિઓનો
તાગ જોઈને લાગે છે. ક્યારેક ચર્ચાનું પ્લેગ્રાઉન્ડ ઘેરાતું હોય ત્યારે ‘સીધી બાત, નો બકવાસ’નો ફંડા અપનાવી લેવો પડે અને માણખમાંથી
જેમ સહેલાઈથી વાળ કાઢી લેવાય એમ જરાય કલ પડ્યા વિના અણગમતા ચર્ચાવૃંદોમાંથી બાકાત થતાં શીખી લેવું પડે છે.
સંવાદ આડે જાય તો ચર્ચા વધે. ચર્ચા દલિલોને રવાડે ચડે. દલિલોથી મતભેદ જાગે. એથી આગળ વણસે તો મનભેદ લાગે.ચર્ચાને ચગડોળે ચડવુંજ શાને?
દિલ્લગીઃચર્ચા કહે મારું કામ, સુખે નહિ ભજવા દઉં જય શ્રી રામ.
કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’