નેહા રાવલ નાં સાહિત્ય પ્રત્યેનાં વિચારો

પ્રશ્નઃ આપનો પ્રથમ પરિચય, અભ્યાસ અને હાલ આપ વ્યવસાયિક ધોરણે શું કરો છો ?
નેહા રાવલ, જન્મ, અભ્યાસ અને લગ્ન – બધી જ મહત્વની ઘટનાઓ સુરતમાં. વાંચનનો શોખ ગળથૂથી માં થી જ મળ્યો.
અભ્યાસ:  -   B.Sc. with food science and nutrition, S.N.D.T University. 1998.
- Post graduate diploma in creative writing, Veer Narmad South Gujarat                      University, surat.2017

પ્રશ્નઃ શોખ એટલે તમારે મન શું ?
શોખ એટલે તમારી જાત સાથે જે પ્રવૃત્તિ તમને આનંદમાં રાખે એ. એ દિશામાં કેટલો પણ સમય આપવાનો થાક ન લાગે અને કશુક સભર થયાનો સંતોષ થાય એ શોખ.

પ્રશ્નઃ આપ કયા નામે લખવું પસંદ કરો છો? કોઈ ઉપનામ ખરું?
મારા પોતાના જ નામે. હજુ સુધી ઉપનામની જરૂર નથી પડી.


પ્રશ્નઃ લેખનકળામાં આપને સૌપ્રથમ ક્યારે પ્રેરણા થઈ? / એવી કઈ ઘટના બની કે આપ લખવા પ્રેરાયા ?
કોઈક એવી ઘટના જે સમાજના લોકોને અસર કરે..પોઝીટીવ કે નેગેટીવ...એ વિષે લખવાની ઈચ્છા થાય અથવા કોઈ એવી ઘટના જે સંવેદનાના સુક્ષ્મ સ્તરે અલગ રીતે અનુભવાય. ત્યારે લખવાની ઈચ્છા થાય. હા, સમાજના સ્થાપિત નિયમો વિષે બળવો કરવા પણ લખવાનું ખુબ ગમે. એ સાથેજ ક્યારેક એવા પોતીકા અનુભવો મળે, જે જાતને ઝંઝોડી નાખે, ત્યારે લખવું આવશ્યક બની જાય. એમાં હળવા અનુભવો પણ આવી શકે જેમકે ઘરમાં અચાનક ફૂટી નીકળેલી કીડીઓ ની હારમાળા.

પ્રશ્નઃ આપના પ્રકાશિત સાહિત્ય વિશે જણાવો.
જણાવવા જેટલું ખાસ કશું પ્રકાશિત નથી.
ફક્ત થોડી ટૂંકી વાર્તાઓ મમતામાં અને થોડા વેબપોર્ટલ – માતૃભારતી, પ્રતીલીપી અને સ્ટોરી મિરર પર.

પ્રશ્નઃ આગામી કોઈ ઇચ્છીત સાહિત્ય સાહસ ખરું ?
હા, એવી નવલકથા લખવી છે જે લોકોને રસપ્રદ ફિલ્મ તરીકે જોવી ગમે.

પ્રશ્નઃ આપ કોઈ સાહિત્યિક સંકુલ / ગૃપ્સ સાથે જોડાયેલાં છો ખરાં ? કઈ રીતે એની સાથે પ્રવૃત્ત છો જણાવશો.
ફેસબુક પર એક ગ્રુપ છે, વાર્તા રે વાર્તા નામનું. હું એમાં કાર્યરત છું. આ ગ્રુપના સુત્રધાર રાજુ પટેલ, જેઓ વાર્તા ના અભ્યાસુ અને ફિલ્મી પત્રકારત્વ અને ટેલીવિઝન લેખન ના અનુભવી છે તેઓ દર મહીને બેઠક યોજે છે. હાલ આ પ્રવૃત્તિમાં અમદાવાદના અને એની આસપાસના સભ્યો વધુ સક્રિય હોવાથી અમદાવાદમાં બેઠકો યોજાય છે. એ બેઠકમાં વાર્તા વિષે ચર્ચા થાય છે અને ત્યાર બાદ ફેસબુક પર હોમવર્ક મુકવામાં આવે છે, જે સભ્યો એ નિયત સમય મર્યાદામાં લખીને સુત્રધારને મોકલવાનું હોય છે. એ લેખન કાર્ય લખનારનું નામ ગોપિત રાખી ગ્રુપમાં પોસ્ટ થાય છે અને એના પર ગ્રુપના સભ્યો કોમેન્ટ ધ્વારા ચર્ચા અને ટીપ્પણીઓ કરે છે. આરીતે દરેકનું લેખન કાર્ય સભ્યો વાંચે અને સારાહે, વખોડે કે સલાહ સુચન આપે. એ લેખન બાદ આગામી બેઠકમાં કયા મુદાઓ વિષે ચર્ચા કરવી જરૂરી છે એ નક્કી કરી બેઠક યોજવામાં આવે. હું નિયમિત રીતે દર મહીને અપાતા અ હોમવર્ક કરતી રહી છું, જેનાથી મને મારી વાર્તાઓ વિષે અભિપ્રાય મળ્યા છે અને કોઈ ક્ષતિઓ હોય તો ગ્રુપના સભ્યોના સૂચનથી એ સુધારી શકી છું. આ ગ્રુપના હોમવર્ક માં લખાયેલી મારી વાર્તાઓ મમતામાં પ્રકાશિત થઇ છે અને કોઈ એક સ્પર્ધામાં નોંધપાત્ર કૃતિ માં પણ સ્થાન મેળવ્યું છે.

પ્રશ્નઃ પ્રવર્તમાન સાહિત્ય વિશે આપનો શું અભિપ્રાય છે? / ઓનલાઈન પ્રકાશિત થતું સાહિત્ય અને કાગળમાં છપાતાં સાહિત્ય વચ્ચે આપ શું ફરક કરો છો? આપને કયું વધારે ગમે છે?
સાહિત્ય! અત્યારે બહુધા લોકો સાહિત્યથી વિમુખ છે. એનું કારણ વચગાળાના સાહિત્યકારોએ સાહિત્યની જે ઘોર ખોદી છે એ છે. એ મહાન સાહિત્યકારોએ સાહિત્યના નામે એવું લખાણ આપ્યું છે કે  સામાન્ય જનતા માટે સાહિત્ય એટલે ‘ન સમજાય એવું’ – એ પરિભાષા બની ગઈ છે. જે સમજાય જ નહિ એમાં રસ કઈ રીતે પડે? એ સાથે જે વાર્તા સ્પર્ધાઓ યોજાય છે એમાં ક્યા તો ખુબ ઘટનાપ્રધાન કે પછી કે પછી તદ્દન લાગણીઓમાં પલળેલી વાર્તાઓને જ પ્રાધાન્ય મળે છે. અથવાતો એટલી સંકુલ વાર્તા હોય કે સરેરાશ વાચક સમજી ન શકે. કોઈ નવતર પ્રયોગ કે નવી કલ્પનાઓને આવકારતું દેખાતું નથી. સાહિત્યમાં સરળતા ને અવગણવા માં આવે છે. અને કદાચ એટલેજ લોકો સાહિત્યથી દુર થઇ રહ્યા છે.
ઓનલાઈન જે પ્રકાશિત થાય છે, એમાંથી મેં જેટલું પણ વાંચ્યું છે એમાં સાહિત્ય નથી દેખાતું. જો કે આજકાલ છાપાઓ અને સામાન્ય સામયિકોમાં પણ જે વાર્તાઓ આવે છે એ તદ્દન હલકી કક્ષાની હોય છે. હા, ક્યારેક સો માં એક સારી હોય છે. સાહિત્યલક્ષી  સામયિકોમાં વાર્તાઓ સારી હોય છે. હું ટૂંકી વાર્તા લખું છું એટલે જાણ્યે અજાણ્યે એ વિષે જ વધુ નોંધ થાય છે. હા, નવલકથાઓ વિષે એટલું કહીશ, એમાં ભાષા, પરિવેશ અને પાત્રોએ સમય સાથે ખુબ ગતિ કરી છે, જે ટૂંકી વાર્તામાં ઓછું દેખાય છે.


પ્રશ્નઃ વાચક વર્ગ સાથે આપ શું સંવાદ કરવા ઇચ્છશો ?
વાંચો. સારું વાંચો. અને એટલું સારું વાંચો કે ખોટી રીતે અપાતા ઇનામોનો વિરોધ કરી શકો. ન સમજાતું લખાણ સાહિત્યના નામે ચઢી બેસે એનો વિરોધ કરી શકો. લેખકોને પ્રતિક્રિયા આપો, જેથી એમના લખાણ ની ક્યાં કેટલી અસર પહોંચે છે એ વિષે સભાના થાય. નબળું લખતા લેખકોને સોઈ ઝાટકીને કહો કે આ નબળું છે. પણ એ માટે નબળા- સબળાનો ભેદ સમજવા વાંચન વિસ્તારો.

પ્રશ્નઃ કોઈ એક પ્રેરણાત્મક રચના કે વાક્ય કે સંદેશ લખી આપશો.
Hard work wins, if talent does not work hard.


પ્રશ્નઃ આપની વિગત જણાવવા વિનંતી. આપનું નામ સરનામું મોબાઈલ નંબર કોઈ પુસ્તક પ્રકાશિત થયા હોય તો તે વિષે અને સાહિત્ય માટે કોઈ કાર્ય કરી રહ્યા હોય તો તે વિષે જાણકારી આપશો.


નેહા રાવલ.
૧૬૬, દિવાળીબાગ સોસાયટી, ગેટ -૩,
smc કોમ્યુનીટી હોલ ની સામે, ઋષભ ટાવર પાસે,
રાંદેર રોડ,
સુરત ૩૯૫૦૦૯.
હાલમાં હું એક બંગાળી નવલકથા નો ગુજરાતી અનુવાદ કરી રહી છું.

  Never miss a story from us, get weekly updates in your inbox.