Image

દરેક ડગલું મારું મને ક્યાંક પહોંચાડશે ખરૂં ,
મંજીલ મળે ન મળે, કાંઈક મળશે ખરૂં,
સારો કે નરસો, પણ અનુભવ મળશે ખરો..
ને જીંદગી સમજવાનો અવસર મળશે પૂરો


જીંદગીને આપણે અનેક ઉપમાઓ અને સુવાક્યોથી શાબ્દિક રીતે શણગારીએ છીએ. દરેક વ્યક્તિ પોતાના અનુભવ અને ગજા પ્રમાણે "જીંદગીને"નવાજે છે. વાત સાચી જ છે, આપણે આપણા ગજા પ્રમાણે જ એને નવાજવી જોઈએ. આમ, જોઈએ તો જીંદગી બે શ્વાસ વચ્ચેની સફર છે. પહેલા અને છેલ્લા ! આ સફરની મંજીલ નક્કી છે, પણ આપણે આપણી મંજીલ નક્કી કરી, એને અનૂરૂપ ડગલાં માંડીએ છીએ.  જોકે, જેને આપણે મંજીલ સમજીએ છીએ એ વાસ્તવમાં એક પડાવ છે! સમયની સાથે ચાલતાં રહેવા, ડગલાં ભરતાં રહીએ છીએ અને આમ જીંદગી જીવતાં રહીએ છીએ. આપણે આપણું  દરેક ડગલું નક્કી કરેલ મંજીલ સુધી પહોંચાડશે એવી આશા સાથ માંડીએ છીએ. પણ, અનિશ્ચિતતા નું પર્યાય એટલે "જીંદગી"!  જોકે, આ કહેવું પૂર્ણ સત્ય ન કહેવાય કારણકે જીંદગી એક નિશ્ચિત બીના છે, સફર છે ! અહીં બધું જ નિશ્ચિત છે પણ આના થી આપણે અજાણ છીએ માટે આપણા માટે એ અનિશ્ચિત છે.
અહીં વાત આપણે આપણને અનુલક્ષીને કરીએ છીએ માટે તે અનિશ્ચિત સફર છે, અનિશ્ચિત ઘટનાઓને પડાવોથી ભરેલી... આ અનિશ્ચિતતા જ જીંદગીને રોમાંચક અને દિલચસ્પ બનાવે છે.
આપણું દરેક ડગલું આપણને ક્યાંક પહોંચાડે છે. ક્યા  આપણે નક્કી કરેલ મંજીલ સુધી પહોંચીએ છીએ અથવા  તો જ્યાં પહોંચીએ છીએ એને જ મંજીલ ગણી લઈએ છીએ. જીવનમાં આદરેલું દરેક કામ પરિણામ જરૂર અપાવે છે. બીજી રીતે કહીએ તો જીવનમાં ભરેલું  પ્રત્યેક ડગલું આપણને કોઈ નિશ્ચિત પરિસ્થિતિમાં,   સ્થાને કે સ્થળે જરૂર પહોંચાડે છે. ડગલું, એટલે આપણે લીધેલા નિર્ણયો, કરેલાં સત્તકર્મો કે પછી આચરેલ કૃત્યો. આ સફરમાં ઘણાં સાથી મળે છે, સારાં-નરસાં  અનુભવ મળે છે ને બોધપાઠ મળે છે. આમ  જીંદગી પાસેથી  કંઈક ને કાંઈક મેળવતાં રહીએ છીએ.  આ ભાથું લઈ જીંદગીની સફર માં આગળ વધતાં રહીએ છીએ, જીંદગી ને સમજતાં રહીએ છીએ અને સંજોગોને અનૂરૂપ જીવતાં રહીએ છીએ. આમ, કરતાં કરતાં અંતિમ મંજીલ સુધી પહોંચી જઈએ છીએ.

પૂર્વી વ્યાસ મહેતા