Image


પૈસો

પૈસો મારો પરમેશ્વર, ને હું પૈસાનો દાસ.
તને ભજું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે................

કેટલું કડવું સત્ય છે આ. ઈશ્વરે આપણને બનાવ્યા, ને આપણે પૈસા બનાવવામાં એને જ ભૂલી ગયા. અત્યારે તો આ પૈસાની ભૂખ એક ઝનૂનમાં ફેરવાઈ ગઈ હોય એમ લાગે છે. મોજશોખ હવે જરૂરીયાત બની ગયા છે. અંત વગરની આ જરૂરીયાતો પૂરી કરવા જોઈએ છે, પૈસા, પૈસા, ને બસ પૈસા.
કેટલો બધો વિરોધાભાસ છે. પૈસા વગર જીવવું શક્ય નથી, તો પૈસા થી બધું ખરીદી નથી શકાતું.
પૈસા થી ખોરાક ખરીદાય ...................... ભૂખ નહી.
પૈસા થી દવા ખરીદાય ........................... તંદુરસ્તી નહી.
પૈસા થી ગાદલું ખરીદાય ......................... ઉંઘ નહી.
પૈસા થી પુસ્તક ખરીદાય ........................ જ્ઞાન નહી.
પૈસા થી મિત્ર ખરીદાય ........................... મિત્રતા નહી.

આપણે બધા સ્વીકારીએ છીએ, કે પૈસા થી કંઈ સુખ મળતું નથી, કે શાંતી પણ મળતી નથી. છતાં " માયા દેખી મુનિવર ચળે! " જેવો ઘાટ થાય જ છે.
માટે પૈસા જીવનમાં જરૂરી છે, તેથી કમાવવા. પણ નીતિથી કમાવવા અને સંતોષ રાખવો. સંતોષી નર સદા સુખી. પૈસાને એટલું બધું મહત્વ ન આપવું કે એના વજન હેઠળ આપણે કચડાઈ જઈએ.

પૈસા પણ પાછા બે રંગના. સફેદ નાણું અને કાળુ નાણું. પણ હવે તો બન્ને વચ્ચેની ભેદરેખા પણ ભૂસાઈ ગઈ છે. પૈસા એટલે પૈસા. ક્યાંથી આવ્યા? ને ક્યા માર્ગે જવાના? એના તરફ તો હવે કોઈનું લક્ષ્ય જ નથી. દરેક માણસ આંખો બંધ કરી પૈસા  પાછળ દોડી રહ્યો છે. કોઈ પણ રીતે, કોઈ પણ રસ્તે પૈસા મેળવવાની અને વાપરવાની ઘેલછા લાગી છે.
પૈસાનો દુરઉપયોગ થાય તો પૈસા ઝેર છે. અને સદ્ઉપયોગ થાય તો પૈસા અમૃત છે.

પૈસો આવે ત્યારે પીઠે લાત મારતા આવે છે. પીઠ અક્કડ ને ગરદન ઉપર થઈ જાય છે. ને પૈસા જાય ત્યારે પેટ પર લાત મારતા જાય છે. પેટ અંદર ને ગરદન ઝૂકી જાય છે. સમય અને પૈસા સમુદ્રની રેતી જેવા છે. બંધાતા બંધાય નહી, જાળવતા જળવાય નહી. ક્યારે હાથમાંથી સરકી જાય તે ખબર ન પડે.

" નાણા વગરનો નાથીયો, તે નાણે નાથાલાલ." પૈસા છે તો માન- પાન, નહીતર ન ઓળખાણ ન પિછાણ. પૈસા છે ત્યાં સુધી સંબંધો છે, મિત્રતા છે, આવ - ભગત ને આગતા સ્વાગતા છે. પૈસો જાય છે ત્યારે એ એકલો નથી જતો, પોતાની સાથે સંબંધો, મિત્રતા, માન - પાન, અરે નામ સુધ્ધાં લેતો જાય છે.

પૈસો છે તો થયેલી ભૂલ, ભૂલ ન રહેતા એક અલગ વિચાર સરણી, સ્ટાઈલ બની જાય છે. મોટો પૈસો, નાના પૈસાને ખેંચી જાય છે. પછી તો ભરતીમાં ભરતી.

પણ ખેર, આ બધું તો નગ્ન સત્ય જ છે. છતાં હકીકત એ છે કે- તમે પૈસાને પરમેશ્વરની જેમ પૂજો ત્યારે તે શેતાનની જેમ પરેશાન કરે છે. કોઈ વિદેશી મહાપુરુષે બહુ સરસ કહ્યું છે, " જ્યારે માણસ સુવર્ણને ભૂલી જશે ત્યારે જ સુવર્ણ યુગ આવશે. "