એક દર્દ થા
જો સિગરેટ કી તરહ
મૈને ચૂપચાપ પિયા હૈ
સિર્ફ કુછ નજ્મેં હૈ-
જો સિગરેટ સે મૈને
રાખ કી તરહ ઝાડી હૈ...'
આસમાનમાં ઊડતા કો' સ્વૈરવિહારી પંખી જેવા મુક્ત વિચારો ધરાવતી, હિંદી અને પંજાબી સાહિત્યની અત્યંત સંવેદનશીલ સાહિત્યકાર અમૃતા પ્રીતમનું નામ ભારતીય મહિલા સાહિત્યકારોની સૂચિમાં આજે પણ અગ્રિમ હરોળમાં લેવાય છે. જેટલી સુંદરતા ઈશ્વરે એમને બક્ષી હતી એનાથી અનેકગણા સુંદર અને ભાવપૂર્ણ હતા એના શબ્દો. કાચી ઉંમરે જ પોતાના મનોભાવોને, પોતાના સ્વપ્નોને કાવ્ય સ્વરૂપે રજૂ કરવાની કળા હસ્તગત કરી લેનાર અમૃતાને કાવ્ય લેખન એ પિતા તરફથી વારસામાં મળેલી આ અનન્ય ભેટ હતી. હાલ પાકિસ્તાનમાં આવેલા પંજાબના ગુજરાવાલાંમાં માતા રાજ બીબી અને પિતા શ્યામ સાધુને ત્યાં જન્મનાર અમૃતા ના પિતા પોતે પણ 'પિયૂષ' ઉપનામથી કવિતાઓ લખતાં હતા. ખૂબ જ નાની વયે માતાને ગુમાવી દેનાર અમ્રુતાનો ઈશ્વર ઉપરથી વિશ્વાસ ઊડી ગયેલો.
ધાર્મિક કવિતા લખતા પિતાની જાણબહાર તેમણે રોમેન્ટિક કવિતાઓ લખવાની શરૂ કરી દીધેલી. સોળ વર્ષની વયે તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ 'અમ્રૂત લહરેં' પ્રગટ થયો તે પછી તેમની સત્યાસી વર્ષની લાંબી જીવન સફર દરમિયાન તેમણે અઠ્ઠાવીસ જેટલી નવલકથાઓ, અઢાર કાવ્ય સંકલન, કેટલીયે લઘુકથાઓ, આત્મકથા અને જીવન સંસ્મરણો લખ્યાં. અમૃતા એવા પ્રથમ મહિલા હતાં કે જેમને સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. 1957માં તેમની કૃતિ 'સુનહરે' માટે તેમને આ ગૌરવ પ્રાપ્ત થયું. તો ૧૯૮૨માં 'કાગઝ કે કૈનવસ' માટે તેમને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો. તદ્દઉપરાંત 1961માં પદ્મશ્રી અને ૨૦૦૪માં પદ્મવિભૂષણ જેવા સન્માન વડે તેમને નવાજવામાં આવ્યાં. આ ઉપરાંત, શાંતિનિકેતન સહિત અન્ય કેટલીયે પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ દ્વારા તેમને ડી. લિટરેચરની માનદ્ ડીગ્રી પ્રાપ્ત થઈ!
આ બધા જ માન-સન્માન, ઈનામ અકરામથી પરે, અમૃતાજીની ભીતર એક બેહદ સંવેદનશીલ સ્ત્રી જીવતી હતી જે એક સ્ત્રીના મનોભાવોને બખૂબી સમજતી હતી, એટલું જ નહીં, તેને સુપેરે પોતાની કલમના સહારે પોતાની રચનાઓમાં વ્યકત કરી શકતી હતી.
વાત અમૃતા પ્રીતમની થાય અને સાહિર લુધિયાનવીનો ઉલ્લેખ ન થાય તે શક્ય નથી. પોતાના પતિ સરદાર પ્રીતમ સિંઘ સાથેના લગ્નથી બે સંતાનના માતા બનેલાં અમૃતાના લગ્ન જીવનમાં, સાહિરને મળ્યા અગાઉ જ તિરાડો પડી ચૂકી હતી. સાહિર લુધિયાનવી સાથેના તેમના પ્રેમસંબંધની શરૂઆત તેમની પ્રથમ મુલાકાત દરમિયાન જ થઈ ચૂકી હતી. જો કે, આ પ્રેમ કયારેય સંપૂર્ણ થવાનો ન હતો, જેના એંધાણ પણ અમૃતાજીને આ પહેલી મુલાકાતમાં જ મળી ચૂકયા હતા.
'જિંદગી ભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત....'
સાહિર સાહેબનું લખેલું આ ગીત એક કવિની કલ્પનામાત્ર નહીં પણ અમૃતા સાથેની તેમની પ્રથમ મુલાકાતનું યાદગાર કાવ્યમય વર્ણન છે. ૧૯૪૪ની આસપાસ, લાહોર અને અમૃતસરની વચ્ચે આવેલા એક ગામ પ્રીત નગર મુકામે પંજાબી અને ઉર્દુ શાયરોનો એક મુશાયરો યોજાયો હતો, જેમાં ભાગ લેવા આવેલા સાહિરની શાયરી સાંભળીને અમૃતાને તેમના તરફ અદમ્ય આકર્ષણ થયું. આ મુલાકાત વિશે અમૃતાજીએ લખ્યું: 'મુઝે પતા નહીં, યહ ઉનકે શબ્દોં કા જાદૂ થા યા ફિર ઉનકી ખામોશ નજરોં કા, જો લગાતાર મુઝે દેખે ચલી જા રહી થીં... બાત ચાહે જો ભી હો... મૈં ઉન પર પૂરી તરહ સે મોહિત હો ચૂકી થી..'
અર્ધી રાત પાછી મુશાયરો સમાપ્ત થયો. સૌ માટે ત્યાં જ રાત્રિ રોકાણની વ્યવસ્થા કરાઈ હતી. બીજે દિવસે બાજુના એક નાનકડા ગામ લોપોકી સુધી સૌએ પગપાળા જવાનું હતું, જ્યાંથી લાહોર જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.
રાતભર વરસાદ વરસવાને લીધે લોપોકી જવા માટેનો કાચો રસ્તો કાદવકીચડ ભર્યો અને અત્યંત લપસણો થઈ ચૂકયો હતો. પણ અમૃતાજી ને મન તો આમા પણ દૈવનો કોઈ હાથ હોય એમ લાગતું હતું જે આ શબ્દ્સ્વરૂપે નિખરે છે: 'જબ જબ મૈં ઉસ રાત કે બારે મૈં સોચતી હૂં, તો મુઝે લગતા હૈ કિ તકદીર ને મેરે દિલ મૈં મોહબ્બત કે બીજ બો દિએ થે, જિનમેં બારિશ કે કારન કોંપલ નિકલ આઈ થી...!'
વરસાદને કારણે લપસણા થયેલા રસ્તા પર સૌ સંભાળી સંભાળીને ચાલી રહ્યાં હતા. આ ઘટનાને અમૃતાજી અત્યંત સુંદર રીતે વર્ણવી છે, 'સાહિર સે કુછ કદમ પીછે ચલતે હુએ મૈંને ગૌર કિયા કિ સડક પર સાહિર કા જો સાયા પડ રહા થા, મૈં પૂરી તરહ સે ઉસમેં ખોતી ચલી જા રહી થી.. ઉસ વક્ત નહીં જાનતી થી કિ બાદ કી જિંદગી કે કિતને હી તપતે હુએ સાલ મુઝે ઈસી સાયે મૈં ચલતે હુએ કાટને હોંગે યા કભી કભી થક કર અપને હી અક્ષરોં કી છાયા મૈં બૈઠના હોગા. સૈફ પાલનપુરીના શબ્દોમાં 'એને પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રીત હતી....'
જીવનભર એકમેકને ભરપૂર પ્રેમ કરવા છતાં, આજીવન તેમની વચ્ચે ચૂપકીદીની એક ઊંડી ખાઈ હંમેશા મોજૂદ રહી. આ ચૂપકીદીનો ઉલ્લેખ અમૃતાજીની કવિતાઓમાં પણ વારંવાર કળાય છે. તો પોતાની આત્મકથા 'રસીદી ટિકિટ'માં આ અજબ પ્રેમની ગજબ કહાણી વિશે લખતા અમૃતાજી કહે છે: 'જબ સાહિર મુઝસે લાહૌર મિલને આતે થે, તો મુઝે લગતા થા કિ મેરે પાસ વાલી કુર્સી પર મેરી હી ખામોશી બૈઠી હુઈ થી ઔર ફિર વો વહાં સે ચલી ગઈ!'
આ ખામોશ સંબંધને નિભાવતા સાહિર કારકિર્દીના અવ્વલ મુકામે પહોંચ્યા તો અમૃતાએ પણ પોતાની શ્રેષ્ઠતમ રચનાઓ આપી. પણ તેમના નસીબમાં મિલનનું સુખ કયારેય ન હતું. આ વિશે અમૃતાજી પોતાની એક રચનામાં કહે છે:
'આસમાન જબ ભી રાત કા
ઔર રૌશની કા રિશ્તા જોડતે હૈ
સિતારે મુબારકબાદ દેતે હૈં
ક્યોં સોચતી હૂં મૈં
અગર કહીં...
મૈં, જો તેરી કુછ નહીં લગતી...'