Image

સવારના નવની આસપાસનો સમય. કોલ્હાપુર-સાતારા હાઇવે પર ખાસ કોઈ ટ્રાફિક નહોતો. રોડનાં કિનારે એક યુવતી ઉભી હતી.
આ સંગીતા સુર્વે હતી. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં જોબ કરતી સંગીતાને ઓફિસે જવાની ઉતાવળ હતી, પણ એકેય રીક્ષા ન દેખાતા તે થોડી બેબાકળી થઈ ઉઠી. ઘડી'ક રસ્તા પર તો તરત પાછી પોતાની ઘડિયાળ પર તેની નજર ફરતી રહી. ત્યાં જ એક રીક્ષા તેની પાસે આવીને ઉભી રહી ને સંગીતાએ રાહતનો શ્વાસ લીધો.
"ઇન્કમટેક્સ ઓફીસ..!" -આનાંથી વધુ કઈં પણ બોલ્યા વગર, કે ભાવતાલ કર્યા વગર તે અંદર બેસી ગઈ, ને રીક્ષા ચાલી પડી.
સંગીતાએ રિક્ષામાં નજર ફેરવી. આજે સવારે જ સરખી ધોઈ હોય એવી સાફસુથરી રીક્ષા લાગતી હતી. ડેશબોર્ડ પર સાંઈબાબાની એક છબી હતી. તેની સાવ લગોલગ બીજી એક છબી હતી, જેમાં કોઈ વયસ્ક સ્ત્રી જણાતી હતી. બન્ને છબીની સામે એક એક ફૂલ મૂક્યું હતું.
રિક્ષામાં ખૂબ જ મંદ શરણાઈવાદનનો અવાજ પ્રસરી રહ્યો હતો. સંગીતાએ જોયું તો રિક્ષામાં મ્યુઝિક સિસ્ટમ નહોતી.
પછી બારીકાઈથી નજર કરી, તો ડેશબોર્ડ પર પડેલ મોબાઈલ ફોનમાંથી આ સૂર રેલાઈ રહ્યા હતા.
તેને એ પણ ખ્યાલ આવ્યો કે રિક્ષાના વાતાવરણમાં એક મીઠી સુગંધ પણ ભળેલી હતી. ડેશબોર્ડ પર અગરબત્તી ગેરહાજર હતી, એટલે રિક્ષામાં રૂમ-ફ્રેશનરનું સ્પ્રે કર્યું હોવું જોઈએ તેવો તેણે અંદાજ બાંધ્યો.
ને પછી વધુ કઈં જ ન બોલતા, આંખો બંધ કરીને તે વાતાવરણની આહલાદકતા માણવા લાગી.
બહારનો..રસ્તા પરનો..નહીંવત શોરબકોર, મધુર સંગીત અને મીઠી અજાણી સુગંધ.. આ બધું ભીતરના વાતાવરણને એક નાનકડી ભવ્યતા..કોઈક અદ્રશ્ય દિવ્યતા પ્રદાન કરી રહ્યું હતું. આમાં પ્રવાસ ક્યાં પૂરો થઈ ગયો તેની ખબર જ ન પડી, ને એક હળવા આંચકા સાથે રીક્ષા ઉભી રહી.
"કેટલા પૈસા..?" -કહીને સંગીતાએ પચાસની નોટ કાઢી ને રીક્ષાવાળા તરફ લંબાવી પણ રીક્ષાવાળાએ તે નોટ ન લેતા ફક્ત બે હાથ જોડ્યા.
"કઈં જ નહીં. ફ્રી ઑફ ચાર્જ..!"
"અરે..? બટ વાય? ક્યોં? કશાલા..? -આશ્ચર્યથી ચકિત સંગીતા એકસામટા ઈંગ્લીશ, હિન્દી ને મરાઠીમાં સવાલો કરી બેઠી.
"આજ મારી આઈનો વાઢદિવસ છે, એટલે આજે બધાં પ્રવાસીઓને મફત સેવા આપવાનો છું." -રીક્ષા ચાલક મંદ સ્મિત સાથે બોલ્યો.
"અરે, પણ એવું તે કઈં હોય. ભાડું તો લેવું જ જોઈએ ને..!" -સંગીતા મૂંઝવણમાં બીજું કઈં ન બોલી શકી.
"પ્લીઝ મેડમ..તમે એકલા જ નહીં. આખો દિવસ આવું જ કરવું છે. આમ જ આ દિવસ સેલિબ્રેટ કરવાની ઈચ્છા છે મારી."
"આ તમારી આઈ છે..?" -ડેશબોર્ડ પર સાંઈબાબાના ફોટાની બાજુવાળા ફોટા તરફ ઈશારો કરીને સંગીતાએ પૂછ્યું.
"હાજી મેડમ."
"તેમને મારા વતી હેપ્પી બર્થડે વિશ કરજો, પ્લીઝ..!"
"ચોક્ક્સ મેડમ.. હેવ એ નાઇસ ડે..!"
સ્નેહભરી એક નજર સંગીતાએ ફરી તે વૃધ્ધા પર નાખી, ને પછી એક નજર..તેના આ દીકરા પર. અને સ્મિતભર્યા વદને પછી તે પોતાને રસ્તે ચાલી નીકળી.
પણ આ ઘટના તેના મસ્તિષ્કમાં ઘર કરી ગઈ. કામમાંથી ફ્રી થતાં જ સૌ પ્રથમ તેણે આજનો આ અનુભવ ફેસબુક પર પોતાની વૉલ પર મુક્યો. પણ ઉતાવળમાં પેલા રિક્ષાવાળાનું નામ પૂછતાં ભૂલી ગઈ તેનો વસવસો તેને રહી ગયો, જે તેણે પોતાની પોસ્ટમાં વ્યક્ત પણ કર્યો.
.
આ રિક્ષાવાળાનું નામ છે શંકર પાટોળે..! કોલ્હાપુરના આ રિક્ષાવાળાએ પોતાની માનો જન્મદિવસ કઈંક અનેરી ઢબથી ઉજવ્યો. આ પર્વ નિમિત્તે, દિવસ આખો તેણે રિકસામાં પ્રવાસીઓની વાહતુક સાવ મફત જ કરી.
સવારે આઠથી શરૂ કરેલો તેનો આ ઉપક્રમ રાત્રે આઠ વાગ્યે અટક્યો. અને આમ..મા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા, તેણે એક નવી જ પગદંડી અપનાવી.
.
શંકર છેલ્લા વીસ વરસથી રીક્ષા ચલાવે છે. સાવ દસ વરસનો હતો ત્યારે જ તે પોતાના પિતા ગુમાવી બેઠો હતો, ને તેની માએ ઘરેઘરે વાસણ-કપડાં ધોઈ ધોઈને તેને ઉછેર્યો. પોસ્ટઓફિસમાં કોન્ટ્રાકટ લઈને પણ તે સાફસફાઈના કામ  કરતી. માની આ બધી મહેનત અને સંઘર્ષ શંકર નજરે જોતો, એટલે હવે ઉતરતી વયે માએ કોઈ ભારે કામ ન કરવું પડે તેની તેણે ખાસ તકેદારી રાખી. તે સિવાય શંકરે માર્ક કર્યું કે, આઈ બીજા બધાનાં જન્મદિવસ યાદ રાખીને યથાશક્તિ ઉજવવાનો સતત પ્રયત્ન કરતી, પણ પોતાનો જન્મદિવસતો તેણે બધાથી છુપાવીને જ રાખ્યો હતો. થોડા દિવસો પહેલા આધાર કાર્ડ બનાવવા જુના કાગળિયા ઉથલાવ્યા તો ખબર પડી કે તેનો જન્મદિવસ ૨૩મી ઓગસ્ટ છે અને આ વખતના જન્મદિવસે તે ૬૫ વર્ષ પુરા કરશે. એટલે આ વર્ષે આ દિવસ ખાસ પદ્ધતિથી ઉજવવાનો શંકરે નિર્ણય કર્યો.
.
"આઈનો વાઢદિવસ હું બસો-પાંચસોની કેક લઈ આવીને ખૂબ સરળતાપૂર્વક ઉજવી શક્યો હોત, પણ મને યાદ છે કે આઈ કપડાં-વાસણ કરવા ઘેરઘેર જતી, ને ક્યાંય પણ જવા તે પગપાળા જ જતી, કારણ રીક્ષા ભાડું તેને પરવડતું નહોતું. એટલે આજના દિવસે કોઈના પણ ખિસ્સાને રીક્ષાભાડાનો માર ન પડે એવું મેં ઠેરવ્યું. હું ભાડું નથી લેવાનો એ સાંભળીને પ્રવાસીઓને આશ્ચર્યના આંચકા લાગતાં. ને પછી તેની પાછળનું કારણ જ્યારે હું તેમને કહેતો, ત્યારે તેમના ચહેરાના ભાવ, મારી આઈના જન્મદિવસનો ખરા અર્થમાં મને આનંદ આપી જતાં..!"
--શંકર પાટોળે
.
.
અને આ અનુસાર જ શંકરે તે દિવસે પોતાની રીક્ષા પાછળ એક બોર્ડ પણ લગાવી રાખ્યું, જેમાં તેની માનો ફોટો અને તેના બર્થડે નિમિત્તે મફત રીક્ષા-પ્રવાસની જાહેરાત કરી હતી.
અનેક જણ તો ખાસ આ બોર્ડ જોઈને જ અંદર બેઠા હતા. અમૂક તો પરાણે થોડું ભાડું આપીને જ રહ્યા. બાકી કેટલાયનું ભાડું શંકરે નમ્રપણે નકાર્યું. એક પ્રવાસીએ તો ફૂલની દુકાન પાસે રીક્ષા રોકાવી, ને એક બુકે ખરીદી લાવી શંકરને શુભેચ્છા સહ તે આપ્યો. તે ત્રણેક પ્રવાસીઓએ મીઠાઈના પૂડા લઈને શંકરને આપ્યા. અમૂકે શંકર સાથે સેલ્ફી સુદ્ધા ખેંચી. શંકર પાટોળેનો તેની માતા પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવાનો આ અભિનવ ઉપક્રમ, તેનાં શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો.
સોશિયલ મીડિયા પર પણ આ ઉપક્રમનું સ્વાગત થયું. તેની રિક્ષાનો ફોટો અનેક લોકોએ એકમેકને ફોરવર્ડ કર્યો. તો અનેકોએ આ ગરીબ પ્રેમાળ દીકરા અને તેની માતાને શુભેચ્છાઓ પાઠવી..!
.

.

જીના ઇસી કા નામ હૈ..!
અશ્વિન..