રાજેશ ખન્ના

એસે જીવન ભી હૈ જો જીયે હી નહીં...

(બ્લોક બસ્ટર, મિડ-ડે, ૨૪-૦૪-૨૦૨૧)

રાજેશ ખન્નાની ત્રણ નોંધપાત્ર ફિલ્મો સળંગ ત્રણ વર્ષમાં આવી, જેની લોકપ્રિયતાથી કાકામાં એવી માન્યતા દ્રઢ થઇ ગઈ કે જે ફિલ્મમાં તેનું મૃત્યુ થાય, તે અચૂક સફળ સાબિત થાય છે. આરાધના, સફર અને આનંદ અનુક્રમે ૧૯૬૯, ૧૯૭૦ અને ૧૯૭૧માં આવી. ત્રણેમાં તેના પાત્રનું મૃત્યુ થાય છે. હિન્દી ફિલ્મો પારિવારિક મનોરંજન હોવાથી સામાન્ય રીતે તે સકારાત્મક ભાવ સાથે પૂરી થાય છે. રાજેશ ખન્નાએ આ પરંપરા બદલી નાખી હતી. તેનો આગ્રહ રહેતો હતો કે ફિલ્મમાં તેના પાત્રનો કરુણ અંજામ આવે. અગાઉ માત્ર દિલીપકુમારના કરુણ પાત્રોએ દર્શકો પર આવી ઘેરી છાપ છોડી હતી. 

૧૯૭૩માં આવેલી 'નમક હરામ' ફિલ્મમાં અંતે અમિતાભ બચ્ચનના પાત્ર વિક્રમ મહારાજ ઉર્ફે વિકીનું મૃત્યુ થાય છે, પણ કાકાએ તેના સ્ટારપાવરનું ઉપયોગ કરીને તેના પાત્ર સોમનાથ ચંદર ચેટર્જી ઉર્ફે સોમુનું મૃત્યુ થાય તેવો ફેરફાર કરાવ્યો હતો. અમિતાભને તેનું બહુ માઠું લાગ્યું હતું, અને પછી તેણે ક્યારેય ખન્ના સાથે કામ ન કર્યું. યોગાનુયોગે, 'આનંદ' અને 'નમક હરામ'થી જ અમિતાભની કાકા સાથે કટ્ટર હરીફાઈ શરુ થઇ, જેમાં કાકાનો સુરજ આથમ્યો અને અમિતાભનો ચઢ્યો. 

અલબત્ત, 'આનંદ' ફિલ્મમાં કાકાની અસાધ્ય કેન્સર પીડિત આનંદ સહેગલની ભૂમિકા સિનેમાના ઈતિહાસમાં અવિસ્મરણીય છે, પણ એક વર્ષ પહેલાં આવેલી 'સફર'માં ય તેણે કેન્સર પીડિત અવિનાશની યાદગાર ભૂમિકા કરી હતી. કાકાનો કેન્સર પીડિત આનંદ અને અવિનાશ એક સ્વતંત્ર વિશ્લેષણનો વિષય છે. એકમાં એ હસતાં-રમતાં મૃત્યુને ગળે લગાવે છે, બીજામાં એ નિરાશ છે. આ બે અફલાતૂન ભૂમિકામાંથી જ કાકાને મરવાનો ચસ્કો લાગ્યો હતો.

‘રાજેશ ખન્ના: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઇન્ડિયા’ઝ ફર્સ્ટ સુપરસ્ટાર’ નામના પુસ્તકમાં લેખક યાસેર ઉસ્માન લખે છે કે ‘સફર’ ફિલ્મના ટ્રાયલ શોમાં દીકરાને મરતો જોઇને માતા લિલાવતી એ જ દિવસે બીમાર પડી ગયાં હતાં અને હોસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં હતાં. કહે છે કે એ ઘટના પછી કાકાએ તે જેમાં મરતો હોય કે ગંભીર બીમાર હોય તેવી ફિલ્મ માતાને જોવા પર મનાઈ ફરમાવી દીધી હતી. 

‘સફર’ આસિત સેનની બીજી હિન્દી ફિલ્મ હતી. અગલા વર્ષે જ, ૧૯૬૯માં, તેમણે ‘ખામોશી’ બનાવી હતી. આ ફિલ્મમાં પણ રાજેશ ખન્નાની ભૂમિકા એક દર્દીની હતી, જેની સારવાર દરમિયાન નર્સ (વહીદા રેહેમાન) તેના પ્રેમમાં પડે છે. આ બંને ફિલ્મમાં આસિત સેને મેડિકલ વ્યવસાયમાં સ્ત્રીઓના મહત્વની ચર્ચા છેડી હતી. તેની સાથે જ જોડાયેલો પ્રશ્ન વ્યવસાયિક સંબંધો અને અંગત સંબંધોની ભેળસેળનો હતો.

આસિત સેને મહાત્મા ગાંધીની નોઆખલી (બંગાળ) અને પટનાની યાત્રાની દસ્તાવેજી ફિલ્મ સાથે આસામીઝ સિનેમામાં કારકિર્દી શરુ કરી હતી. ૧૯૫૬માં ‘ચલાચલ’ ફિલ્મથી તેમણે બંગાળી સિનેમામાં પદાર્પણ કર્યું હતું. ‘સફર’ આ જ ફિલ્મની હિન્દી રિમેક હતી. ૧૯૫૯માં, તેમણે સુચિત્રા સેનને લઈને ‘દીપ જ્વેલે જઈ’ ફિલ્મ બનાવી હતી, જેની હિન્દી રિમેક ‘ખામોશી’ હતી. 

‘આરાધના’ પછી રાજેશ-શર્મિલા ટાગોરની ‘સફર’ બીજી ફિલ્મ. એમાં રાજેશે ચિત્રકાર અવિનાશ અને શર્મિલાએ ડોક્ટર નીલાની ભૂમિકા કરી હતી. એક ત્રીજી મહત્વની ભૂમિકા ફિરોઝ ખાનની હતી, જેનું પાત્ર શેખર કપૂર નીલાના પ્રેમમાં પડે છે. અવિનાશ અને નીલા મેડીકલ કોલજના સમયથી દોસ્ત છે. નીલા પૈસા માટે પૈસાદાર શેખરના નાના ભાઈનું ટ્યુશન કરે છે. એમાં શેખર નીલાથી આકર્ષાય છે અને લગ્નનો પ્રસ્તાવ મુકે છે. અવિનાશ નીલાને લગ્ન કરવા માટે પ્રોત્સાહન આપે છે. નીલા દિલથી અવિનાશને ચાહતી હોય છે, પણ અવિનાશ ગરીબ છે, એટલે તે નીલાથી આઘો રહે છે અને વધારામાં તેને લોહીનું કેન્સર નીકળે છે. એટલે તે લગ્ન કરવા સક્ષમ નથી. 

લગ્ન પછી શેખરને એવું લાગ્યા કરે છે કે નીલા તેને નહીં, પણ અવિનાશને ચાહે છે. તેને નીલાના ચારિત્ર્ય પર શંકા જાય છે અને તે જાસુસી કરવા લાગે છે. સંયોગોથી તેની શંકાને બળ મળે છે અને એક દિવસ તે ઝેર પીને આત્મહત્યા કરી લે છે. શેખરની આત્મહત્યા બદલ પોલીસ નીલાની ધરપકડ કરે છે. આશ્ચર્યજનક રીતે, શેખરની માતા અદાલતમાં નીલાના સાફ ચારિત્ર્યની તરફેણમાં જુબાની આપે છે. નીલા નિર્દોષ છૂટે છે અને અવિનાશની તપાસ કરે છે, પરંતુ નીલાના લગ્ન જીવન પર આંચ ન આવે તે માટે અવિનાશ દુર જતો રહે છે. 

છેલ્લે, નીલા ડો. ચંદ્ર (અશોક કુમાર)ની હોસ્પિટલમાં ડોકટર તરીકે જોડાય છે, ત્યાં તેનો ભેટો અવિનાશથી થાય છે, જે કેન્સરમાં થોડા દિવસનો મહેમાન છે. ઇન ફેક્ટ, નીલા અવિનાશને હોસ્પિટલમાં મળે છે, તે સીન ફિલ્મની શરૂઆતમાં આવે છે, અને પછી ફલેશબેકમાં તેમના કોલેજના દિવસો અને શેખર સાથેના લગ્નની વાત આવે છે. અવિનાશનું હોસ્પિટલમાં અવસાન થાય છે. નીલા નાસીપાસ થઇ જાય છે, પરંતુ ડો. ચંદ્રના સહારે પાછી ઉભી થાય છે, અને તેના દેવર (શેખરના નાના ભાઈ)ને ઉચ્ચ શિક્ષણ માટે પરદેશ મોકલીને ખુદ મેડીકલ સેવામાં સમર્પિત થઇ જાય છે. 

સપાટી પર એવું લાગે કે નીલા એક ડોકટર છે અને તેનું કામ દરદીની ‘નિસ્વાર્થ’ સારવાર કરવાનું છે. ડો. ચંદ્ર પણ એ જ રીતે નીલાને માર્ગદર્શન આપે છે, પરંતુ નિર્દેશક આસિત સેને બીજી બાજુ બતાવીને કહ્યું કે નીલા એક ડોકટર હોવા ઉપરાંત એક સ્ત્રી પણ છે. નીલાની એ કશ્મકશ એક ડોકટર અને એક સ્ત્રીની કશ્મકશ છે. પતિની ઈર્ષ્યા અને પ્રેમીના કેન્સરની બેવડી ટ્રેજેડીનો ભોગ બનેલી શર્મિલાના ભાગે એક્ટિંગનો શાનદાર અવસર આવ્યો હતો. એ તેના ઈર્ષ્યાળુ પતિને કહે છે, “સુઈયાં જબ રેકર્ડ પર અટક જાતી હૈ, તબ સંગીત નહીં, શોર નિકલતા હૈ.” એમાં તેના ભાગે લતાનું ખૂબસુરત ગીત આવ્યું હતું:

હૈ સભી કુછ જહાં મેં, દોસ્તી હૈ વફા હૈ

અપની યે કમનસીબી, હમકો ના કુછ ભી મિલા હૈ

હમ થે જીનકે સહારે, વો હુએ ના હમારે

ફિલ્મનું કોઈ દ્રશ્ય જો તમામ પાત્રોની બેબસીને બયાન કરતુ હોય, તો અવિનાશ અને ડો. ચંદ્રની મુલાકાતનું છે. આસિત સેને તે દ્રશ્યને માત્ર વિઝ્યુઅલ્સ મારફતે શૂટ કર્યું હતું. કશું બોલ્યા વગર પણ જે કહેવાનું જરૂરી હોય, તે કઈ રીતે કહેવાય, તેનું આ દ્રશ્ય ઉત્તમ ઉદાહરણ છે. એમાં અવિનાશ ડો. ચંદ્રને પૂછે છે કે તે લાંબુ જીવશે કે નહીં. ડોક્ટરને જવાબ ખબર છે, પણ કહેવું કેવી રીતે? એટલે તે જાણે બેધ્યાનપણે રેતીની ઘડિયાળને ટેબલ પર મૂકીને કહે છે, “કાશ મેં તુમ્હે જવાબ દે સકતા.” અવિનાશ શીશીમાં નીચે પડતી રેતીને તાકી રહે છે, અને પછી બોલે છે, “મુજે જવાબ મિલ ગયા, સર.” એવી જ રીતે અવિનાશ પોતાને કેન્સર હોવાનું જાહેર કરીને નીલાને શેખર સાથે લગ્ન કરી લેવાની સલાહ આપે છે, તે દ્રશ્ય પણ ઓછામાં ઓછા શબ્દોથી શૂટ કરવામાં આવ્યું હતું. 

ઉદાસ રહેવાને બદલે જીવનની હકીકતોનો સામનો કરવો એ ‘સફર’નો કેન્દ્રીય સુર છે. ગીતકાર ઇન્દીવરે આ ભાવને ખુબસુરત રીતે ‘ઓ નદિયા ચલે ચલે રે ધારા...’માં વ્યક્ત કર્યો હતો:

પાર હુઆ વો રહા વો સફર મેં

જો ભી રૂકા ફિર ગયા વો ભંવર મેં

નાવ તો ક્યા બહ જાયે કિનારા

બડી હી તેજ સમય કી ધારા

તુજ કો ચલના હોગા, તુજ કો ચલના હોગા

કલ્યાણજી-આણંદજીના બહેતરીન સંગીતમાંથી એક ‘સફર’નું સંગીત છે. ફિલ્મમાં મુકેશ, મન્ના-ડે, લતા અને કિશોરનો અવાજ હતો. ફિરોઝ ખાનના ભાગે લોંગ ડ્રાઈવ પર જતી મોટર કારના હોર્ન સાથે વાગતું ‘જો તુમકો હો પસંદ વહી બાત કરેંગે’ આવ્યું હતું. ઇન ફેક્ટ, ફિરોઝ ખાનની ઈર્ષ્યાળુ પતિની ભૂમિકા ઘણી તાકાતવાળી હતી. તેને લોકોએ બહુ પસંદ કર્યો હતો, અને કાકાને એ ગમ્યું ન હતું. ‘સફર’ ફિલ્મથી જ ફિરોઝને તેનો સિક્કો જમાવાનો મોકો મળ્યો હતો, અને છોગામાં મુકેશનો અવાજ મળ્યો. એક વર્ષ પછી કિશોર કુમાર પણ રાજેશ ખન્નાનો કાયમી અવાજ બની જવાનો હતો. 

‘સફર’માં કિશોરનાં બે યાદગાર ગીતો હતાં; ‘જીવન સે ભરી તેરી આંખે’ અને ‘ જીંદગી કા સફર હૈ યે કૈસા સફર.’ પહેલું ગીત પહેલાં આવે છે, જેમાં અવિનાશ નીલાનું ચિત્ર બનાવતો હોય છે. ગીત બહુ સરળ હતું, પણ તેની અંદરની લાગણી બહુ સમૃદ્ધ હતી, અને કિશોર કુમારે અત્યંત મીઠાશથી તેને વ્યક્ત કરી હતી; એક ધડકન હૈ તું દિલ કે લિયે, એક જાન હૈ તું જીને કે લિયે. 

બીજું ગીત છેલ્લે આવે છે, જયારે અવિનાશને કેન્સર જાહેર થાય છે. પહેલું ગીત આશાથી ભરપુર હતું, તો બીજું નિરાશાથી છલોછલ છે. ‘સફર’ ની પૂરી કહાનીનો આત્મા આ ગીત છે. ‘સફર;નું નામ ‘આશા-નિરાશા’ હોત તો પણ ઉચિત હોત, કારણ કે અવિનાશનું જીવન એ બે શબ્દોમાં સમાઈ જાય છે:

એસે જીવન ભી હૈ જો જીયે હી નહીં

જિનકો જીને સે પહેલે હી મૌત આ ગઈ

ફૂલ ઐસે ભી હૈ જો ખીલે હૈ નહીં

જિનકો ખિલને સે પહલે ફિજાં ખા ગઈ

— રાજ ગોસ્વામી 

  Never miss a story from us, get weekly updates in your inbox.