એક મુલાકાત નવોદિત લેખિકા સુચિ ગજ્જર(સુકાવ્યા) સાથે :

StoryMirror Gujarati

StoryMirror Gujarati

17 July 2019 · 6 min read

(૧) આપનું પૂરું નામ જણાવશો: (કોઈ ઉપનામ ધરાવો છો?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

સુચિ ગોપાલ ગજ્જર

ઘરમાં લાડકું નામ "જીગા" 

મૂળ વતન પેટલાદ, આણંદ (ચરોતર) જીલ્લામાં આવેલુ એક સુંદર મજાનું મારી ઉંમર સાથે વધતી યાદોનું પ્રિય સ્થળ.

લગ્ન પછી પ્રિયેનું વતન અમદાવાદ.એટલે હાલ અમદાવાદમાં સ્થાયી છુ.


(૨) આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

મેં અભ્યાસ પેટલાદમાંજ "ન્યુ એજ્યુકેશન ગર્લ્સ હાઇસ્કુલ"માં કરેલો છે.

ત્યારબાદ આણંદમાં અંગ્રેજી માધ્યમમાં "આણંદ કોમર્સ કોલેજ ઓફ ઇન્સ્ટિટ્યુટ"માંથી "બેચલર ઓફ કોમ્પ્યુટર એપલીકેશન"નો અભ્યાસ પૂર્ણ કર્યો છે.


આમ કહું તો ખોટુ નથી કે હું પહેલેથી જ ભણવામાં થોડી કાચી એટલે સારા માર્કેસ લાવીને પાસ તો થઈ જતી. પણ, ઘરના સભ્યોને ટોકવુ પડે તે મારા માટે જરૂરી થઈ ગયું હતું. કેમ કે, પહેલેથી જ સ્વભાવની થોડી તોફાની અને રમૂજી. ભણ્યા કરતાં હંમેશા મારો રસ વધારે ચિત્રો દોરવામાં અને બધી સ્પર્ધામાં ભાગ લેવામાં વધારે. એટલે એટલું ધ્યાન મેં ડીગ્રી મેળવવામાં નથી આપ્યું. કેમ કે, જ્યારથી સમજ આવી ત્યારે મેં એમ માની લીધુ હતું કે "જિંદગી' એક વાર મળે છે" અને મારે કંઇક એવુ કરવું છેકે જેથી લોકો મને મારાં નામથી ઓળખે.મારે કંઇક ઓળખ પોતાના બળથી બનાવી હતી. 

વિગતવાર જો કહું તો હું આજે જે ભાષા થકી આગળ આવી છું તે જ ભાષામાં હું ઘણીવાર શાળામાં પાસ થવાના માર્કેસથી બચી ગઈ છુ. શાળામાં જ પપ્પા વાલી મંડળનાં પ્રમુખ સાથે મારી મોટી બહેન પણ મારી જ સાથે એક જ શાળામાં. બહેન અભ્યાસમાં મારા કરતાં હોશિયાર એટલે પપ્પાનું જે પદ હતું તે સચવાઈ જતું. અને હું વિવિધ સ્પ્રર્ધા થકી નામ બનાવી લેતી. આખરે અભ્યાસ પૂર્ણ કરીને પેટલાદ છોડીને આણંદ જવુ પડ્યું કેમ કે, ઉચ્ચ અભ્યાસ માટે પેટલાદ ગામ એટલુ વિકસિત નહી કે ત્યાં ભણી શકુ.મને યાદ છે બરાબર કે એ જમાનામાં કોમ્પ્યુટર ઘરે હોવુ એટલે બહુ મોટી વાત કહેવાય. આમ તો, ઘરે કોમ્પ્યુટરમોટી બહેનનાં ભણતર માટે લાવેલા. પરંતુ, સ્વભાવે નટખટ એવી હું દીદી કરતાં પહેલા જ તેની સામે બેસી જતી અને નવુ નવુ શીખી પણ લેતી. શીખવાની ઘગશ પહેલેથી જ બહું જબરદસ્ત મારામાં, અને આજે કહેતા ખુશી થાય છે કે દીદી એક નામાંકિત શાળામાં શિક્ષીકા છે અને હું મજાક મસ્તીમાં એ કોમ્પ્યુટરવાળી લાઇન માં આગળ વધી અને આજે એ જ માધ્યમ ધ્વારા સ્ટોરીમિરર જોડે જોડાયેલી છુ.


(૩)આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?

સાહિત્ય જોડાણની વાત કરૂ તો, મારા પપ્પા હાલ પેટલાદ સ્થાપિત "શ્રી સ્વામી સચ્ચિદાનંદ મહારાજ વિધ્યા સંકુલ" શાળા"ધ વેસ્ટ્રન ઇનગ્લિસ મિડિયમ સ્કુલ"માં હિસાબનીસની ફરજ બજાવે છે. એટલે સ્વામીજીને મળવાનું થાય સાથે સાથે સ્વામીજીની જે પણ નવી પુસ્તક પ્રકાશિત થાય એટલે પપ્પા પાસે આવી જાય. પપ્પા પણ પહેલેથી વાંચનના શોખીન અને ભૂતકાળમાં શિક્ષક પણ રહી ચૂકેલ.એટલે તેમને આધ્યાત્મિક પુસ્તકો તેમજ જીવનનાં સંઘર્ષોને લગતું લખાણ વધારે પસંદ.

એટલે જ્યારે પણ પપ્પા કોઇ પુસ્તક વાંચે અને કોઇ પુસ્તકનો દ્રષ્ટાંત સારો લાગે એટલે મને કહી સમજાવે, અને ત્યારથી મારો પણ એક વાંચનનો શોખ જાગેલો. ત્યારબાદ પપ્પાની શાળામાં એવા કેટલાય કાર્યક્રમ થતાં જેમાં પ્રેરણાત્મક હસ્તીઓને બોલાવામાં આવે, તેવા જ એક પ્રસંગે હું "કાજલ ઓઝા વૈધ"ને મળી અને તેમની સાથે ઘણી વાતચિત પણ થઈ. ગુજરાતી ભાષાની જો વાત કરૂ તો હું સૌ પ્રથમ જેમને સોશિયલ મિડીયાથી ઓળખતી થઈ તેમાનાં પહેલા એ કાજલ ઓઝા વૈધ હતા. વાતચિત દરમ્યાન તેમણે મારી રચનાં વિશે પણ પૂછ્યું અને આજ સુધીને જે રચનાઓ મેં લખેલી હતી તે પુસ્તકની કાચી નકલ પણ લઈ ગયાં. સાથે સાથે મને એક સુંદર વાક્ય પણ કહેતા ગયાં, જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવશે લખતી વેળાએ પણ લખવાનું ના છોડજે. તે દિવસ અને આજનો દિવસ હું તેમના એ શબ્દોથી પ્રેરિત થઈ બસ જે વિચારુ છુ તે કાગળ પર ઢાળી દઉ છું.

સાથે સાથે હું એમનું પણ નામ દઈશ કે જેમણે લગ્ન પછી પણ મને સાથ સહકાર આપીને મારી જે પણ લખવાની કે વાંચનની ખુબીને વળગાળી છે. તેવા મારા જીવનનાં માર્ગદર્શન એટલે સફળતાનો "સંકેત" આપતો રસ્તો. મારા પ્રિયે.જે મારી સૌથી મોટી પ્રેરણા છે.


(૪) સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો?

સૌથી પહેલા તો મારે ગુજરાતી ભાષાનો જ સામનો કરવો પડ્યો. ગુજરાતી જેટલી બોલવામાં સહેલી અને મિઠી છે તેટલી લખવામાં અને ખાસ કરીને જ્યારે તમે અંતરઆત્માનાં વિચારસહ કંઇક લખતા હોવ તો બહુ કઠીન છે. એક ગુજરાતી ભાષા જ એવી છે કે જેમા તમે પ્રેમ, લાગણી, દુ:ખ, સુખ, હતાશા દરેકને દર્શાવવા માટે અઢળક શબ્દકોષની જરૂર પડતી હોય છે. જેનો મારે સામનો કરવો પડ્યો. પણ જેમ જેમ પુસ્તક નું વાંચન વધતુ ગયું તેમ તેમ શબ્દભંડાર પણ મનમાં વસ્તો ગયો.સાથે સાથે એવા લોકોનો પણ સામનો કર્યો છે જેમને કંઇક અંશે હું લખુ કે આગળ વધુ તે પસંદ નથી. પરંતુ, તેવા દરેક વ્યક્તિ કે વિચારસરણીવાળા લોકોને ભૂલીને એક ધ્યેય સાથે આગળ વધી છુ. તે મારો મોટો સામનો છે.


(૫) આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો?

આજનું સાહિત્ય બહુ સરળ અને સહેલું છે. કોઇ રોકટોક વગર કોઇપણ વ્યક્તિ તેના વિચારો દુનિયા સમક્ષ મૂકી શકે છે. ખાસ કરીને જે ગૃહિણી છે અને તેને વાંચન કે લેખનનો શોખ છે તો તેના માટે આવા સભામંચ ખુબ જ ફળદાયક છે.


(૬) આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે?

હા, કેમ નહી. આજે ડિજીટલ અને સોશિયલ મિડિયા દ્વારા દરેક તેમના વિચારોને કોઇ પણ રીતે મૂકી શકે છે. પોતાની વેબસાઈટ બનાવી કે પછી ફેસબુક દ્વારા તેમની રચનાઓ અને સુવિચારોને લોકો સામે રાખે છે. સાથે પોતાની એક નવી ઓળખ પણ ઉભી કરી શકે છે.


(૭) આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

મારી રચનાઓ કોઇ શબ્દોને આધારીત કે સમય કાઢીને લખેલી હોતી નથી. ખાસ કરીને હું કોઇ એવા વ્યકતિ કે કોઇની ખરાબ પરીસ્થિતિ કે ખરાબ સમય કે પછી જે સંઘર્ષ કરીને, જિંદગીથી હારીને પણ જીવવાની ઇચ્છા ધરાવે છે અને બીજાને તેમની કહાનીથી પ્રેરિત કરે છે તેના પર વધુ હોય છે. હું સંક્ષિપ્ત રીતે જે પણ આંખો સમક્ષ જોવુ છુ તેનું શબ્દોમાં ગંઠબંધન કરી દઉ છુ. મારી રચનાઓ ખાસ કરીને કટાક્ષ અને જૂની વિચારસરણી પર વધારે હોય છે. સાથે સાથે થોડી કાલ્પનીક અને સર્જનાત્મક હોય છે. મારી પોતાની વેબસાઈટ છે જેનાં પર હાલ હું કામ કરી રહુ છુ અને મારી દરેક રચના ત્યાં જ હું પ્રકાશિત કરુ છુ. ત્યારબાદ સ્ટોરીમિરરનાં સંપર્ક માં આવતા હવે મારી રચનાઓ અહી પણ પ્રકાશિત કરુ છુ. હાલ, પુસ્તકની ચર્ચા વિચારણા ચાલી રહી છે.


(૮) આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

મારી પ્રથમ રચના "આજે હું મોટી થઈ ગઈ" જે મેં મારા લગ્ન પર લખેલ હતી જે મેં લગ્ન ચાલુ હતા ને જ ત્યાં આવેલા દરેક મહેમાનો સાથે પ્રકાશિત કરી હતી. બાકીની "શરૂ થઈ જીંદગી આજના આ દિવસમાં" તે લગ્ન બાદ લખી, ત્યારબાદ, કાલાપાની, તારી અપેક્ષા, કોશિશના કર, મૌનની અભિવ્યક્તિ, એક સપનું મારુ પણ હતું, પ્રેમનો દરિયો ને લાગણીની હોડી, રીસાણું સપનું, તેવી ઘણી બધી રચનાઓ લખી. જે મેં મારા "સુકાવ્યા" બ્લોગ પર જ પ્રકાશિત કરી.


(૯) સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથી ?સ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

ગુજરાતી સાહિત્યની વાત કરુ તો ફિલ્મમાં કામ કરવા માટેની તક પણ મળેલી છે જે મેં કારણોસહિત નકારી છે. સાથે મોડલીગમાં પણ થોડો ભાગ ભજવેલો છે. જ્યાં મારાં ચિત્ર (પિક્ચર) એક-બે સામયિકમાં આવી ચૂકેલા છે. પરંતુ, ભાષા સહિત જો લખાણની વાત થાય તો આ મારો પહેલો અને ક્ષુબ્ધ અનુભવ છે કે જ્યાં મને મારી માર્તૃભાષામાં સન્માનિત કરીને આ લેખિત મુલાકાત લીધી છે. અને તે બદલ હું સ્ટોરીમિરર ગુજરાતીની ખુબ ખુબ આભારદર્શક છુ. 

સ્ટોરીમિરર ગુજરાતી તરફથી મને ઓથર ઓફ ધ વીક એપ્રીલમાં વાર્તાલેખન પર પુરસ્કાર મળેલ છે. તેમજ અક્ષરજ્ઞાન બ્રિગીડ્યર માટે સન્માનિત કરેલ છે.


(૧૦)નવોદિતલેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો ?

નવોદિત લેખકો માટે બસ એક જ સંદેશો કે વાંચતા રહો અને વાંચન જો પસંદ નાં હોય તો જે મનમાં વિચારો છો તેનેલોકો સામે શબ્દો થી વેરતા રહો. તેના માટે સ્ટોરીમિરર એક સર્વોત્તમ માધ્યમ છે જ્યાં તમને દરેક ભાષા સાથે મુલાકાત તો થશે સાથે કવિતા, લેખ તેમજ સુવિચારો ની પણ સમજ થશે. અને ઘણા ઉચ્ચ અને નામાંકિત લેખકો સાથે ઓળખ પણ થશે.



(૧૧) સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે?

મનગમતી ભાષા, તેમજ મનગમતા ભાષાલેખન માટે નું એક ઉત્કૃષ્ટ માધ્યમ છે જેમા મારો અનુભવ સુંદર રહ્યો. વાંચન માટે તેમજ લેખન માટે વિષય મળી રહે છે તે મારો શ્રેષ્ઠ અનુભવ છે.


(૧૨) સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો 

સ્ટોરીમિરર એક એવુ માધ્યમ છે જ્યાં તમને વિચારોની સાથે સાથે નામ પણ મળે છે. અને નવોદિત લેખક માટે તેમજ જેને પોતાના ખ્યાલને શબ્દોમાં ઢાળવા છે તેવા લોકો માટે આ સુંદર પદ છે અને કવિ લેખનમાં આગળ વધવાની એક સફળતાની તક છે. જે તમને સાચો માર્ગ સૂચવે છે. સાથે સ્ટોરીમિરરમાં કઈ રીતે લખવુ તેની વ્યવસ્થા અને સંચાલન પણ સરળ છે. સાથે માહિતગાર તેવા વિષ્ણુભાઇનો સહકાર પ્રોત્સાહિત કરવાવાળો છે.

  Never miss a story from us, get weekly updates in your inbox.