આઝાદી

હજીતો ગઈકાલ રાતની જ વાત છે ૧૪ ઓગસ્ટ, ઘણા સમય પછી હું ખુશ હતો, ના.... ના..... આઝાદીનો દિવસ હતો એટલે નહી પણ રજા મળવાની હતી ને એટલે, પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનાર મ્હારા જેવા ઘણા લોકો પણ મ્હારા જેવી જ અનુભૂતિ કરતા હશે અને કદાચ વિચારતા પણ હશે કે દર મહીને એક આઝાદી દિવસ આવો જોઈએ. મસ્ત પથારી એ.સી. ની ઠંડી હવા અને કાનમાં ભૂંગળા ભરવી મોબાઈલનાં નાનકડા પડદા ઊપર મુવી જોવાની પૂરી તૈયારી થઇ ગઈ હતી, કારણ કાલે રજા હોવાના ઉમળકામાં જે રોજ જલ્દી આવી જતી હતી એ આજે આવવાની તો હતી જ નહી મોડી રાત સુધી ........... “ઊંઘ”.
હજી તો મુવીના નંબરીયા પડ્યા અને બાજુમાં કમ્પુટરમાં સાહિત્યિક કામ કરી રહેલા મારા પપ્પા મારી સામે જોઈ ને કઇક બોલ્યા પણ કાનમાં લાગેલા ભૂંગળાએ એમનો અવાજ મ્હારા સુધી પહોચવા ના દીધો,મુવી તો થોડી વાર પછી પણ જોવાશે એવું વિચારી પપ્પાની વાત સંભાળવા મેં કાન પરના ભૂંગળાને સરકાવી વાત શરુ કરી “શું કહ્યું પપ્પા” પપ્પા એ હસતાં હસતાં કહ્યું “આઝાદી મ્હારા કરતા માત્ર એક જ વર્ષ મોટી , હું ૧૯૪૮ માં અને એ ૧૯૪૭” હું જરાક હસી પડ્યો પપ્પાની વાત સાંભળીને, મ્હારો અને મ્હારા પપ્પા વચ્ચેનો સબંધ એક મિત્ર જેવો, હું એમને મ્હારા મનની બધી જ વાતો અચૂક કહું અને એ મને એક સાચા મિત્ર તરીકે સલાહ પણ આપે અને હું એને અનુસરું પણ ખરો, હા ઘણી વખત ખુબ લાંબી ચર્ચા પણ થઇ જાય કોક વાર શાંત ચર્ચા તો વળી કોક વાર ઉગ્ર ચર્ચા.
મને હસતો જોઈ પપ્પા એ પૂછ્યું “કેમ હસે છે ? આઝાદી કરતા હું નાનો છું એટલે ?” મેં કહ્યું “નાં નાં પપ્પા મને તો ખબર જ નથી આઝાદી એટલે શું ,ખાલી ચોપડીઓના મોટા મોટા લખાણોમાં જોઈ છે પણ વાસ્તવમાં ક્યારે પણ જોઈ કે અનુભવી નથી.” “અચ્છા તો મને એમ કહીશ કે કાલની રજા કયા પર્વ નીમીત્તેની છે” મને જરાક દેશભક્તિની સમજણ આપવાના મુડ માં હોય એવી રીતે બોલ્યા “જો પપ્પા હું કોઈ દેશ ભક્તિ વાળો માણસ છું નહી ખોટા ખોટા એક દિવસ માટે મ્હારો દેશ......,જયહિન્દ....આવા બધા ખોટા દેખાવો કરવામાં હું તો જરાય માનતો નથી અને વાત રહી રજા ની તો ઓફીસ વાળા આઝાદી દિવસ નાં નામની રજા આપે છે તો આપણે લઇ લઇએ છે....બાકી મને કોઈ આવા કામમાં રસ નથી” “તું બોલે છે આવું” નવાઈ ભરેલી નજરે બોલ્યા “યાદ છે તને જયારે સ્કુલમાં હતો ત્યારે તો સવારમાં વહેલો ઉઠીને ધ્વજવંદન કરવા જતો અને યાદ છે તું જયારે માત્ર ૩ વર્ષનો હતો ત્યારે વેશભૂષામાં નેતા બન્યો હતો,બસ હમણાં થોડાક વર્ષોમાં જ તું બદલવા લાગ્યો છે” “બાળક હતો પપ્પા ત્યારે, આ દુનિયાદારીને આ દેશને સમજી નહતો શકતો,જે લોકો કહે બસ એ જ સંભાળતો અને એ સઘળું સાચું જ છે એવું માંની લેતો હતો, પણ સમય પ્રમાણે દરેક વ્યક્તિમાં સાચી સમજણ આપોઆપ આવી જાય છે પછી તે સાચું શું અને ખોટું શું એનો ફરક સમજી શકતો હોય છે” ચર્ચાનું સ્વરૂપ ગંભીર બનાવતા મેં કહ્યું “સારું પપ્પા હું આદર કરું છું આપણા દેશનો પણ મને માત્ર તમે એક વાત સમજાવો આઝાદી એટલે શું ?” “આજથી ૭૨ વર્ષ પહેલા આપણો દેશ આ દિવસે અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયો હતો” “એકદમ સાચી વાત પપ્પા” મેં પપ્પાની વાતને અધવચ્ચે અટકાવી “આપણે આ દિવસે આજથી ૭૨ વર્ષ પહેલા માત્ર અંગ્રેજોની ગુલામી માંથી જ આઝાદ થયા હતા,બાકી હજી પણ આપણે ગુલામ જ છે ભ્રષ્ટાચાર,કૌભાંડો,લુંટ,કોમી રમખાણો,આતંકવાદ જેવી માનસિકતામાં માનતા લોકોના અને આજ કાલ તો નવું આવ્યું છે ‘સાહેબની’ ક્રાંતિ પછી “સાઈબર ક્રાઈમ”,
“જો ત્હારે જે બોલવું હોય એ બોલ પણ ‘સાહેબ’ વિષે એક પણ ખોટું વાક્ય મ્હારી સામે નાં બોલીશ” ‘સાહેબનાં’ ઉપાસક ઉગ્ર અવાજમાં બોલ્યા “અરે પપ્પા હું ‘સાહેબનો’ વિરોધી નથી હું તો બસ આ દેશની જે કટાઈ ગયેલી કડીઓ છે ને જે સરકારની મદદને ગરીબો સુધી કે જનતા સુધી પહોચવા નથી દેતી એનો વિરોધી છું,આખી દુનિયાને બતાવવા માત્ર એક દિવસ માટે ટીવી ઉપર જય હિન્દ, જય ભારત, શહીદો અમર રહો ,અને બીજા અનેક જાત નાં પ્રવચનો આપશે અને પછી બીજા દિવસ થી હું કોણ ને દેશ કોણ બસ પોત પોતા નાં કામ માં લાગી જશે, પપ્પા ગાલ પર તિરંગો દોરી ને દેશ ભક્તિના એક બે ગીતો ગાવાથી દેશ ભક્તિ સાબિત કરવાનો આ રસ્તો બહુ સહેલો છે,આપણે માત્ર અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયા છે પણ આ બધી ગુલામી માંથી આઝાદ થવું હશે ને તો એમાં માત્ર જવાનો કઈ નહી કરી શકે કારણ કે એ દેશ બહાર નાં દુશ્મનો સામે લઢે છે પણ દેશની અંદર રહેલા દુશ્મનો નો સામનો કરવો હશે અને એની ગુલામી માંથી જો મુક્ત થવું હશે ને તો એતો આપણે બધા એ જ ભેગાં થઇ ને કરવું પડશે એના વગર તો આપણો દેશ ક્યારે પણ આઝાદ નહી થાય” બે મિનીટ નીરવ શાંતી રહી મને લાગ્યું કે મ્હારે આટલું બધું નહોતું બોલવું જોઈતું,મ્હારી સામે જોઈ હળવા સ્મિત સાથે પાપા બોલ્યા “વાત સાચી છે,જ્યાં સુધી લોકો નહી સમજે ત્યાં સુધી દેશ આઝાદ નહી જ થઇ શકે ,પણ હાલમાં જ જોયું આપણે રસ્તાઓ અને દબાણનાં કામમાં આપણા શહેરની પોલીસને લોકોનો જે સહકાર મળ્યો છે અને એને કારણે જે ટ્રાફિકની સમસ્યામાં જે મોટા ફેરફારો જોવા મળ્યા છે એ નજર અંદાજ નાં જ કરી શકાય” “બહુ સાચી વાત સાચે ખુબજ આનંદ થયો કે આપણા લોકોનો સખત સહકાર મળ્યો,મને જરાક વહેલી સમજણ પડી ગઈ સાચા ખોટાની અને આપણા લોકો ને હવે પડે છે ધીમે ધીમે પણ જરૂર આપણે આઝાદ થઈશું ક્યારે એ કહેવું અઘરું છે પણ લોકો આવો જ સહકાર આપશે તો બહુ જલ્દી આઝાદ થઈશું” “સારું ચલ હવે સુઈ જા કાલે સવારે સોસાયટીમાં ધ્વજવંદન માટે જવાનું છે” બન્નેના મોઢાં પર એક સરખું આનંદિત સ્મિત છવાઈ ગયું.

- માનાર્થ રક્ષિત દવે
- ૧૫-૦૮-૨૦૧૮

  Never miss a story from us, get weekly updates in your inbox.