હું તો સાથી મારા સપનાનો વીર!

હું તો સાથી મારા સપનાનો વીર!
મને ગમતી આ દુનિયા રંગીન
આ ચાંદો, આ સૂરજ તો મારા છે સાથી
તેની છાયા, શીતળતામાં લીન
આ ટમટમતા તારલિયા સાદ દે છે મને
હું તો જોઉં તેને થઇ તલ્લીન
આ આભલા ને દેખી હું તો બન્યો પરવાનો
તેને ખૂંદી હું તો બન્યો ભડવીર
આ પુષ્પો, વનરાજી મારી માયામાં મસ્ત છે
હું તો ભૂલ્યો મારા શૈશવનું હીર

-નમ્રતા કંસારા

આપણે બધાં નાનપણથી જ અમુકતમુક સપનાઓ દેખતાં આવીએ છીએ. રંગીન સપનાઓ. કેટલાક વાસ્તવિક તો કેટલાક મહદ્અંશે પોકળ. તેમછતાં આપણા મનની જે નજીક હોય અને વાસ્તવિક રીતે આપણને જે અસર કરે તે સપનાઓને સાકાર કરવા માટે આપણે મચી પણ પડીએ છીએ. તે અંગે કશુંક કરીએ છીએ. અથવા તો કશું જ નથી કરતાં. પરંતુ, આપણે તે સપનાઓને જોવાનું બિલકુલ બંધ તો નથી જ કરતાં. ખરું કહ્યું ને? “હું મારા મનખાનો ચિતારો, લઈ રંગો ચિતરું મારા સપનાનું વિશ્વ, નથી હું ધુતારો!”

આપણને નાનપણથી જ આપણા સ્વપ્નની દુનિયા, વાસ્તવિક દુનિયા કરતાં અતિપ્રિય હોય છે. અને તે અનુસાર જ આપણા કોમળ મનને આસાનીથી કોઇ વસ્તુ ગમી જાય છે અથવા તો નથી ગમતી. જેની અસર આપણે આપણી રોજબરોજની જિંદગીમાં પણ જોઇએ છીએ. જેમકે,

હું જ્યારે નાની હતી ને ત્યારે મને ચોર-પોલીસ રમવાનું બહુ જ ગમતું. હંમેશા પોલીસ જ બનતી. કાર્ટુન્સ પણ એવા જ જોતી. સુપરહીરોઝના. અન્યાયથી ક્યારેય ડરવાનું નહિ અને તેનો ડટીને સામનો કરવાનો. અને આપણે ત્યાં આ બધી સત્તાઓ પોલીસને જ રહેતી. એટલે મને બનવું હતું પોલીસ! પછી થોડીક મોટી થઇ. ટીચર્સને જોયા. એમને મળતો માન-મરતબો જોયો.(પગાર નહિ) સર…સર…ટીચર…ટીચર…કરીને છોકરાઓ અને તેમના પેરેન્ટ્સને સર-ટીચરની આગળ-પાછળ ફરતા જોયા…એટલે મારું મન થયું ટીચર બનવાનું! પછી મોટા થતાં સુધીમાં મારી કંઇક બનવાની અભિલાષા પણ સમય, સંજોગ, દેખાદેખી, અફકોર્સ ગાડરિયા પ્રવાહ આધારિત બદલાવા લાગી. અને છેવટે ચોક્કસ સમજ આવી એટલે કંઇક બની પણ ખરી! (આભાર, વિશ્વની મર્યાદિત શોધો અને ટી.વી.ની ઓછી પ્રસ્થાપિત ચેનલો નો!) જોકે મેં પણ ટી.વી., વીડિયો ગેમ્સ, કે બીજું કંઇ ઘણુંય મચેડ્યું છે અને આ શોધો મોટાભાગે લાભકારી જ સાબિત થઇ પણ છે! પણ, આગળ જેમ કહ્યું તેમ લિમિટેડ શોધોના લીધે, બાળપણ ઇત્તર પ્રવૃત્તિઓ- રમતગમત, પુસ્તકો, છાપાંઓ, અને અફકોર્સ વડીલો, ભાઇ-બહેન અને મિત્રો સાથે પણ વીત્યું, અને સપનાઓને સમજણની પાંખો પણ આવી!

હવે વાત કરું અત્યારની….
“પપ્પા, મને બુલેટ જોઇએ, સ્કૂટી જોઇએ, મોબાઇલ જોઇએ, ના લેપટોપ….ટેબ્લેટ….” આ સામાન્ય માંગણીઓ છે, અત્યારના નાના છોકરાઓની કે મોટાઓની. પછી લાલચ મળે, “સ્કૂલમાં કે કોલેજમાં આટલા ટકા લઇ આવ તો તને મળી જશે” અને અથાગ મહેનત થાય, સફળતા મળે, વસ્તુ પણ મળે અને બીજી માંગણી તૈયાર…જોયું હશે તમે પણ.  કોઇકે કર્યું પણ હશે. પણ વિઘ્નસંતોષીઓની માંગણીઓનો ક્રમ જેમ નહિ ઘટે તેમ આ માંગણીઓનો ક્રમ પણ નહિ ઘટે! ( જોકે આ વાત દરેકની નથી, કેમકે ક્યારેક જરૂરિયાત જેન્યુઇન પણ હોય છે, એટલે તે પોષાય તો પણ વાંધો નથી.) ઇલેક્ટ્રિક ગેઝેટ્સ,  લેટેસ્ટ ટેકનોલોજીના તેમની પાસે હોવા જ જોઈએ. છોકરીઓ હશે તો તેને સ્ટાઇલ આઇકન બનવું હોય, “મમ્મી, મને આ નાયરા એ પહેર્યું છે ને એવું ગાઉન જોઇએ, મેકઅપ કીટ જોઇએ કે બીજું કંઇ પણ જોઇએ.” આ બધાંને આપણે અત્યારે સામાન્ય માંગણીઓ ગણાવીએ છીએ પણ તેઓ સમજ ના આવે ત્યાં સુધી એમાં જ રચ્યાપચ્યા રહે છે તે પણ એટલું જ સાચું છે. આ શોધો જ્યારે નહિ થઇ હતી ત્યારે પણ આ બધું હતું તો ખરું જ!

પરંતુ અત્યારના નાના છોકરાઓને જોવો ને, તો મોટાભાગે મોબાઇલ મચેડતા અથવા ટી.વી. જોતાં જોવા મળે. અને માતા-પિતા દ્વારા પણ બાળક તેમને હેરાન ના કરે એટલે આ બધું આપી પણ દેવાય જ છે. જો કંઇક શીખે તો કંઇ જ વાંધો નથી. અને કંઇક અંશે મનોરંજન પણ હોવું જ જોઇએ. અમે પણ કર્યું જ છે. પરંતુ કહેવાય છે ને કે ‘અતિ કરે દુર્ગતિ’, તેમ આપણને, આ બાબતની ગંભીરતા ત્યાં સુધી નથી સમજાતી જ્યાં સુધી પાણી માથાની ઉપર ન આવી જાય. અને આ નિયમભંગ કરવાની આપણને સમજ ન આવે અથવા તો  કંઈક ખોટું ન થાય.

એક ઇન્સિડન્ટ કહું, “ આ છોકરો છે ને…અહીંયાથી છૂપાઇ-છૂપાઇ ને આ છોકરીને જોય છે…ખબર છે કેમ…? કેમકે છે ને એ તેની સાથે લગ્ન કરવાનો છે.” આ વાક્ય ચાર વર્ષના બાળકનું છે. અને આ અર્થઘટન તેણે ઘડેલ સાહસિક બાળવાર્તાઓના કવર પેજનું છે. હવે તમે કહો, આંચકો લાગ્યો? કંઇ ફરક પડ્યો? મને તો બહુ ફરક પડ્યો. ગુસ્સો આવ્યો. તે બાળકનું ભવિષ્ય ધ્યાન નહિ આપો તો ગોરંભાયેલું જ દેખાયું. પણ સાચું કહું ને, તો અત્યારે મને એ સમજુ માતા-પિતાની અણસમજ પર રિતસર દયા આવે છે. કહેવાય છે કે બાળકોનો ગ્રાસ્પિંગ પાવર મોટાઓ કરતાં અનેક ગણો હોય છે. મોટાઓ ટી.વી. જોય, ચેનલો મચેડતા હોય, મોબાઇલ મચેડતા હોય અને તેમના બાળકો તેની નકલ કરતાંય જોવા મળે. અને બાળકોને પણ તેમને ગમતી પ્રવૃત્તિ અમુક બાધ સાથે જોવાની છૂટ આપી દેવાય છે. આપણને આ બધામાં જે બાબત સામાન્ય લાગતી હોય તે કૂમળા જીવના મન પર શું અસર કરે છે તે આપણે સમજી નથી શક્તાં. અફકોર્સ બધાંના મગજ , સમજશક્તિ અલગ હોય છે. પણ આ બાબત નેગેટીવલી ન લો તો પોઝીટીવલી પણ ન જ લેવાય. એક ટી.વી. શો હતો ‘પહેરેદાર પિયા કી’. તેમાં ઉંમરને બિલકુલ જ ધ્યાનમાં નહોતી લેવાઇ. એ તો સારું થયું કે તેનો વિરોધ થયો. અને તેના ટાઇમસ્લોટ અને સ્ટોરી બંનેમાં ફેરફાર પણ થયો. આટલી જાગૃતિ તો છે આપણામાં. પણ બધે જ પહોંચવું અશક્ય પણ થઇ પડે છે. અને ઉપર જણાવેલ પ્રમાણેના કિસ્સા પણ ઉદ્ભવે છે. તો, બાળકનું બાળપણ ક્યાં જશે! ઉપરાંત એ લોકોનું મગજ કઇ  દિશામાં ગતિ કરે છે તે બાબતમાં પણ આપણે એટલા જ બેફીકર અથવા તો ભોઠ સાબિત થઇએ  છીએ. આપણે કોઇ દિવસ આવી બધી બાબત પર ધ્યાન જ નથી આપતા.

બધાં સામાન્ય રીતે એવી વાત કરતાં હોય છે કે, અત્યારના બાળકો વધારે જલ્દી મોટા થઇ જાય છે. ઇનોસન્સ જેવું કંઇ દેખાતું જ નથી હોતું. અથવા મેચ્યોર્ડ છે કે સ્માર્ટ છે. બરાબર! પણ આ બધું કેવી રીતે થયું તેના પર તો ધ્યાન આપો! તમે જોયું હશે કે નાના બાળકોને આપણે કંઇક પણ રમાડતા હોઇએ કે કંઇક સારું મગજમાં નાખવાની કોશિશ પણ કરી જોઇએ ને તો તેઓ આ બાબતે નિરસ જ જોવા મળે. અને ધ્યાન, એ તો આમતેમ જ  ભટકતું હોય. ખબર નહિ કઇ દુનિયામાં ખોવાયેલા હોય.

આપણે એક મૂવી જોયેલું ‘તારે ઝમીં પર’, એમાં દર્શિલ સફારીનું પાત્ર હંમેશા તેના રંગીન સપનાઓની દુનિયામાં જ ખોવાયેલું રહેતું, ઓરલી ભણતરનું નોલેજ ખરું પણ નાચતા-કૂદતા અક્ષરોને સમજવામાં અસમર્થ! એટલે કોન્ફીડન્સ પણ ઓછો અને બધાની નજરમાં એક નબળો વિદ્યાર્થી. પણ તેની પાસે રંગોની રંગીન દુનિયા હતી. જેમાં તે હંમેશા જ રચ્યોપચ્યો પણ રહેતો. દુનિયાની ઘડી કઢાયેલ શાલીનતાથી બેખબર! પરંતુ અંતે તેને સમજનાર-મદદ કરનાર વ્યક્તિ (શિક્ષક) પણ મળ્યો અને તેનો સેલ્ફ કોન્ફીડન્સ પણ! (જો કે દરેક બાળકો આટલા લકી સાબિત નથી થતા) આ વાત થઇ રસરુચિ ધરાવતા વિષયમાં જ આગળ વધતાં વિદ્યાર્થીની! પણ અસલ જિંદગીમાં બાળકની રુચિ શેમાં છે તેનાથી બાળક પણ અજાણ હોય છે અને પેરેન્ટ્સ પણ. એનો પણ કંઇ વાંધો નથી. પરંતુ પછી ચાલુ થાય છે દેખાદેખી, આજુબાજુના બાળકો આપણા બાળકોથી આગળ ન નીકળી જાય એટલે ચાલુ થાય છે જાતજાતના ક્લાસિસોનો દોર. બાળક ભલે આ બધું મેનેજ કરવામાં અડધું-અડધું થઇ જાય અને ભણવા પ્રત્યે તેની રસરુચિ પણ ઓછી થઇ જાય. પણ આપણે તો તેને પણ પોરસવાનો અને આપણા ઇગોને પણ. અને આ બધાના અંતે તેના પરિણામને અસર થાય. પછી થાય ધોલધપાટ કે ચુસ્ત આગ્રહ ભણવા પર ધ્યાન આપવાનો. ટ્યુશન બેવડાય, શિસ્તનો હઠાગ્રહ થાય અને હળવાશથી ટાઇમ સ્પેન્ડ કરવાને કે રમતગમતને તો ધબાય નમઃ. સાચું કહ્યું ને! આમ, મૂળ બાળક ફ્રસ્ટેટેડ થાય અને તેની અસરકારક્તાને ઓછી કરવામાં  ખોટા રવાડે ચઢવાના ચાન્સિસ પણ વધી જાય. જોઇએ છીએ ને આપણે ન્યુઝ કે ભણવા બાબત મા-બાપના ઠપકાથી ત્રસ્ત બાળક ફરાર કે કોઇક માળ ઉપરથી મોતની છલાંગ કે બીજું કંઇ! હવે તો નાની-નાની બાબતોના ઝઘડા પણ ખૂન-ખરાબામાં પરિણમે છે. અને આ બધું આપણી નજર સમક્ષ આસપાસની દુનિયામાં જ પ્રવર્તે પણ છે. આપણે માહિતગાર પણ રહીએ છીએ.

અત્યારે આપણા દેશમાં એક મુદ્દાને લઈને ભારે હો હા થઇ. કઠુઆ, ઉન્નાવ ગેંગરેપ અને મર્ડર કેસની. ત્યારે જ સુરતમાં પણ આવો કેસ હતો. પરિણામ શું આવ્યું? બધાં જ કાયદાઓને ધ્યાન પર લીધા, સંસદમાં હોબાળો, રાજકારણ પોતાનો રોટલો શેકવામાં વ્યસ્ત, સોશિયલ મીડિયા પર વિરોધનો પ્રચાર, છાપાંઓમાં કે મીડિયામાં વાણી-અભિવ્યક્તિના અધિકારનો સદ્ઉપયોગ, પોસ્ટર રેલી, કેન્ડલ માર્ચ અને જન આક્રોશ. ફાંસીની માંગણી, આજીવન કેદની સજા, જુવેનાઇલની બરતરફી સુધાર કેન્દ્રમાં. અને પૂર્ણવિરામ. ફરી પાછું કોઇક નરાધમ દ્વારા આવું કોઇ કૃત્ય અને જૂના કેસિસને યાદ કરતું આ જ આપણી ડાહીડમરી વાતોનું ચક્ર ફરીથી ચાલુ! એવું જ હોય છે ને?

ઉશ્કેરાટ કરવો કે વિરોધ કરવો તેની ના નથી. કેમકે તેનાથી જ સિસ્ટમ પર પ્રેશર આવે અને આવા મુદ્દાઓની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીઓ પર તંજ કસાય. અને આવા ગુન્હાઓ પર અંકુશ આવે. પરંતુ આપણે જોઇએ ને તો આ બધાનો અટકાવ આપણને જોવા નથી મળતો. ૨૦૧૨ માં ચગેલો નિર્ભયા કેસ, જેમાં ગુનેગારોને ફાંસીની સજાનું ફરમાન થયું હતું. તે પણ ધાર્યુ પરિણામ ન લાવી શક્યું તે તાજેતરના મુદ્દાઓ પરથી ફલિત થાય જ છે. એ વાત સાચી કે આ બધાં ગુનેગારો ઓછા શિક્ષિત હતા. પરંતુ અભણ તો નહિ જ હતા ને! તેમછતાં આ બધાં માટે શિક્ષણના અભાવને ધ્યાન પર લેવાય છે. અને તે યોગ્ય પણ છે. કેમકે સમજ નથી હોતી આવા વ્યક્તિમાં ‘સાચું શું કે ખોટું શું’ તે સમજવાની. કાશ્મીરની એક યુવતીએ પોતાના સાયકોલોજીના ભણતર માટે આવા ૨૦૦ થી વધારે ગુનેગારોની માનસિકતા સમજવા માટે એક સર્વે હાથ ધર્યો હતો. અને અંતે તે એ તારણ પર આવી કે, “આ ગુનેગારોને જોઇને મને એ લોકો પર બિલકુલ પણ ઘૃણા કે ચીડ નહિ ચઢી. બલકે મને એ લોકો પર દયા આવી. કેમકે તેમણે જે કૃત્ય કર્યું હતું તે ગુનો ગણાય તેવી તેમનામાં સમજ જ નહિ હતી. કેટલાક તેની ગંભીરતાથી માહિતગાર થયા એટલે પછ્તાતા હતા. તો કેટલાક નિષ્ઠુર જેને કોઇ અસર જ નહિ હતી આ બધું કરવા પાછળ.”  એટલે એમ કહી શકાય કે કાયદો સજા દ્વારા ભય ઉપજાવી સુધારનો મોકો આપે છે. પરંતુ અમુક પથ્થર પર પાણી જેવા ગુનેગાર પણ હોય જ છે. જેનામાં કોઇ પણ જાતનો સુધારો અશક્ય જ છે.

આ બધાં કિસ્સાઓ મોટા ભાગે, નિરક્ષર દ્વારા કે બાળપણમાં જેને પ્રેમ કે સ્નેહ ન મળ્યો હોય અને ધ્યાન ન આપવાથી અવળે રસ્તે જતા રહ્યા હોય, ત્યાં આ બાબત ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. પરંતુ આપણે સાક્ષરને જોઇએ તો તેના દ્વારા પણ આવા જઘન્ય અપરાધ થાય જ છે. અને તેની માનસિકતા સમજવી વધારે કઠીન થઇ પડે છે. છેલ્લા કેટલાક સમયથી રેપ કેસનો આંકડો ભયાવહ રીતે વધી રહ્યો છે. જ્યારે મોબાઇલ ફોનનું એટલું ચલણ નહિ હતું ત્યારે પણ આ ગુનાઓની ફરિયાદો રહેતી. તો હવે તો ફોન ગણો કે ઇન્ટરનેટ કિફાયતી પણ થયા છે અને હાથવગા પણ. તો આ ગુનાઓ તો માઝા મૂકશે જ. મોટા જુવો કે નાના, ગરીબ જુવો કે તવંગર બધાંના હાથમાં તેમની હેસિયત પ્રમાણેના ફોન જોવા મળે છે. અને ખાલી ડબલું તો કંઇ કામનું નહિ એટલે તેમાં ઇન્ટરનેટ પણ હોય જ છે. ડીઝીટલ ઇન્ડિયા! બધો જ વહીવટ ફોન પર! હું એમ નથી કહેતી કે આ બધું વ્યર્થ છે. આનાથી આપણે કોઈ પણ વ્યવહાર સરળતાથી ઓછા સમયમાં કરી શકીએ છીએ અને આપણા શારીરિક અને માનસિક ત્રાસને ઓછો પણ કરી જ શકીએ છીએ. પણ આ બધાં કામ થઇ ગયા પછી શું? કાયમ તો આપણને ફોનનું એટલું કામ રહેતું નથી. એટલે જ લોકો સાથે ટચમાં રહેવા જાતજાતના એકાઉન્ટ્સ ખોલીને બેસી જઇએ છીએ. અને આપણા ઓનલાઈન કબીલામાં વ્યસ્ત રહીએ છીએ. સાચું ને? પણ કહેવાય છે ને કે ‘અતિ સર્વત્ર વર્જયેત્’. આપણને કોઇ પણ બાબતમાં સંતોષ થતો જ નથી. એટલે જાતજાતનું કંઇ પણ શોધી કાઢીએ છીએ. નાના બાળકોની જેમ જ. આપણે જોઇએ છીએ નાના બાળકોને ઝડપથી મોબાઇલ કે કોમ્પ્યુટર ઓપરેટ કરતાં. એક તો તેમનો ગ્રાસ્પિંગ પાવર અને ક્યુરિયોસિટીનો લેવલ એટલો હાઇ કે ફટફટ બધું કરવા લાગે. અને તેમને ઝડપથી ટેકનોલોજીમાં ઢળતા જોઈ તેમના માતા-પિતા પણ હરખાય. ગેમ્સ રમ-રમ કરે એટલે વડીલો ચિડાય અને હાથમાંથી મોબાઇલ ઝૂટવી લે પણ પછી પોતે તેમાં રચ્યાપચ્યા રહે. આ બાળકો જોય. અને મગજમાં ઉતારે પણ. બાળકો જો એકબીજાને  મળે ને તો પણ મોબાઇલ લઈને જ પોતાના ગેમ ઝોનના રેકોર્ડ્સની આપ-લે કરે. અને પાછા તેમાં મંડી પણ પડે. જો આપણને મળે અને આપણા હાથમાં ફોન જોય તો, “તમારા ફોનમાં ઇન્ટરનેટ છે? કયું છે? તમે ડોંગલ લઈ લો! અમારે પણ એ જ છે! કઇ કંપનીનું છે થી કઇ કંપનીનું સારું પડે!” આ બધું જ નર્સરીમાં બેસેલા ટેણિયાઓ આપણને પોતાની અવળ વાણીમાં શીખવે. અને આપણો મોબાઇલ હકથી લઈને બેસી જાય. થયું હશે ને તમારી સાથે પણ આવું? પછી વડીલ લડે એટલે મોટો ભેંકડો ચાલુ જે ફોન હાથમાં લેવાથી જ બંધ પણ થાય. અને મોબાઇલ યુઝ કરવાની ફાવટ પણ એટલી કે તમે છુપાઇને પાસવર્ડ નાંખીને આપો ને એટલે ફટફટ મનગમતી ગેમ રમવા લાગે અથવા યુ ટ્યુબ પર પોતાના મનપસંદ કાર્ટુન્સના વીડિયો જોવા લાગે. અને એ પોતાની ઇન્ટરનેટની દુનિયામાં બાહરી દુનિયા કરતાં પણ વધારે વ્યસ્ત અને મસ્ત! આ બચ્ચા પાર્ટીને આવી રીતે મોબાઇલ સાથે મઝા કરતાં દેખો ને એટલે આપણને લાગી આવે. અને ખરેખર થાય કે કાશ અમે નાના હતા ત્યારે આવા સ્માર્ટફોન હોત! તો અમેય આવી જ મઝા કરત! આવું જ બધું આવડત! પણ અસલમાં વિચારો તો એમ કહી શકાય કે સારું થયું કે અમારા નાનપણમાં ડબલા ફોન હતો અને કમ્પ્યુટર પણ નેટ વગરનું. અમે બચી ગયા. આવી મેચ્યોરીટી અને આવડત નહિ હતી તે જ સારું હતું. આવી ગતાગમ પડતી નહિ એટલે અબુધ હતા અને ઇનોસન્સ મોઢા પર ઝલકતી તો સહી! અને અમારી દુનિયા પણ બીજી રીતે રંગીન તો હતી જ!

આ બાળકોને જોઇએ ને તો એ લોકો ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ ની વાતો કરતાં હોય, તેમના ૧૩ વર્ષની ઉંમર પાર ન કરી હોય છતાં ફેક ડિટેઇલ્સ નાખી એક થી વધુ એફ્.બી.  એકાઉન્ટ્સ હોય અને પોતાની નાહક ક્યુરિયોસિટીને પોષતા હોય. તેમના હાથમાં રહેલા રમકડામાં જો આપણે સેટીંગ્સમાં જઇને પ્રાઇવસી સેટ અપ ના કરો ને તો પોર્નોગ્રાફીના કે ચાઇલ્ડ અબ્યુઝના શિકાર પણ બને. ભણવા કરતાં એક્સટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં રચ્યાપચ્યા રહે. અને આ સુવ્યવસ્થિત એક્ટિવિટઝના નશામાં એવી ડૂબકી લગાવે કે પોતાના અહમમાં કોઇને ગાંઠે પણ નહિ. કંઇક ખોટું કરી બેસે, ભાન આવે અને ગિલ્ટી મહેસૂસ કરે એટલે આ પછડાટ સહન ન થાય અને ચીડિયાવેડામાં ડિપ્રેશનનો શિકાર બને. અને યોગ્ય સારવાર ન કરાવો તો કોઇક ખોટું પગલું પણ ભરે. અને પોતાની સપનાઓની દુનિયાને પકડવાથી પણ ડરે!

અને જો નાના બાળકોને ચાર વર્ષની ઉંમરમાં લગ્નની ખબર પડતી હોય તો સાત વર્ષ સુધીમાં તો તેને કેટલી ખબર પડે! અને તે પણ ભણતર દ્વારા તેને કોઇ સમજ મળે તે પહેલાં જ. ભારતીય ફોજદારી ધારાની કલમ-૮૨-૮૩ અનુસાર સાત વર્ષના બાળકને doli incapax- ‘ગુનાને સમજી શકવામાં અસમર્થ’ એવો લેટિન શબ્દનો અર્થ ઘટાવી સજામાંથી બાકાત ગણવામાં આવે છે. અને ૭ વર્ષ થી વધુ અને ૧૨ કે તેથી ઓછી ઉંમરના બાળક ગુનો કરે તો તે પોતાની અણસમજના આધારે સજાથી બચી જાય છે. અને જુવેનાઇલન જસ્ટિસ એક્ટ ગણો કે POCSO એક્ટ, છૂટછાટ તો અપાય જ છે. પણ આ છૂટછાટની અસર બાળકના ભવિષ્ય પર પણ દેખાય જ છે. જોકે કોઇ ગુનો થાય પણ તો તેને વડીલો દ્વારા તેના ગુનાને દબાવવા માટે પૈસા, ધાક-ધમકી, દયા કે મસલતનો સહારો લઈ કોર્ટ કેસ વગર જ સમાધાન પણ થાય જ છે.

આ બાબતો અહીં કહેવી એટલે જરૂરી છે, કેમકે બાળક બાળપણ ભૂલશે તો નજીકના ભવિષ્યમાં આપણે તેમના આભાસી વિશ્વની પરિસ્થિતિઓનો ચિતાર મેળવવામાં પણ એટલા જ વામણા સાબિત થઇશું. એ ગુનો પણ કરશે તો તેનો મુંઝારો તેને અંદરુની યુદ્ધથી જ કદાચ ખોખલો પણ કરે!

આ તો આપણે ત્યાં આવા ગુનાઓ માટે ખોટી ધારણાઓ કે ડરના લીધે ન્યાયનો સહારો બહુ જ ઓછો લેવામાં આવે છે. અને કાયદાઓની કલમ અને ઉંમરના વિતરણના જોરે સગીરના નામ પર અમુક છૂટી પણ જાય છે. એટલે જો કેસ જ ન કરવામાં આવે તો સુધારકેન્દ્રનો કે સાયકોલોજીસ્ટનો સહારો લેવાનો તો કોઇ પ્રશ્ન જ નથી આવતો. તેમ છતાં, પછીથી તેની સાથે પરિવાર દ્વારા મારઝૂડ કરી કડકાઇ આદરવામાં આવે અથવા તેને છોડી દેવામાં આવે છે. મારઝૂડ કે રોકકળ જો એક વખતની હોય, તો વાંધો નહિ, પરંતુ તે પણ બાળકની મનઃસ્થિતિ પર જ આધાર રાખે. અને જો છોડી દેવામાં આવે તો ચિંતાનો વિષય. એને એમ જ નહિ છોડી શકાય. તેણે જો કંઇ ખોટું કર્યું હોય, તો તેને તે બાબત ખોટી છે તેની ગંભીરતા સમજાવવી પણ એટલી જ જરૂરી થઇ પડે. જેથી ગિલ્ટથી તે પોતાની વર્તણુકમાં સુધાર કરી શકે. અને તેને સુધાર માટે ડોક્ટર ઉપરાંત પરિવારની ધીરજની પણ એટલી જ જરૂર રહે.  કેમકે, ગુટખા, બીડી, સિગરેટ, તમાકુ કે દારૂના સેવનની લત જલ્દી નથી છૂટતી. ઘણાંય સુધાર કેન્દ્ર ચલાવાય છે, જાતજાતના ચિંગમ કે ચૂર્ણના નુસખા અપાય છે. પણ વ્યક્તિ પોતાના આપ્તજનના સહકારથી જ આ બધાથી અને પોતાની જાત સાથે પણ લડી શકે છે. જેથી તે પોતાની સપનાઓની દુનિયાનો ફરીથી વીર બની શકે.

માટે નાના બાળકોની રંગીન દુનિયામાં આપણે પણ આપણા સપોર્ટનો, સમજનો સ્ટ્રોક મારી તેની રંગીન દુનિયામાં પગરણ કરવા તેને સજ્જ કરીએ તે આપણી જવાબદારી બની જ રહે છે. જેથી બાળક આભાસી દુનિયાની જગ્યાએ પોતાના સપનાની દુનિયામાં મહાલી શકે. અંતે, તેને પોતાની  હિંમત અને આપખુદ જુસ્સા માટે બૂટ પોલિશ મૂવીના ગીતની કેટલીક પંક્તિઓ..

નન્હે મુન્ને બચ્ચે તેરી મુટ્ઠી મેં ક્યા હૈ
નન્હે મુન્ને બચ્ચે તેરી મુટ્ઠી મેં ક્યા હૈ
મુટ્ઠી મેં હૈ તક઼દીર હમારી
હમ ને કિસ્મત કો બસ મેં કિયા હૈ…

( લેખન : નમ્રતા કંસારા )


  Never miss a story from us, get weekly updates in your inbox.