સાથી, અંતિમ-યાત્રાનો !

બસ બે દિવસ પહેલાં, સમય સવારના લગભગ છ વાગ્યાનો હતો અને શિયાળાની પાછલી પરોઢે હું પથારીમાં મીઠી નીંદરને માણી રહ્યો હતો, કે બાજુમાં પડેલ ફોન રણકી ઉઠ્યો.
"કોણ છે નવરું અત્યારે ફોન કરવા માટે?" -આવે વખતે ઊંઘમાંય ગુસ્સો આવી જાય.
પણ તરત જ તે ફિકરમાં પલટાય પણ જાય. કોઈક અમંગળ વિચાર મનને ઘેરી જ વળે.
.
"હલ્લો.." -આવી જ કોઈ કલ્પના કરતાં મેં ફોન રિસીવ કર્યો.
"હા, હલ્લો.." -સામે છેડે મારો પાડોશી ફ્રેન્ડ હતો- "કૃષ્ણકુંજ વાળા પેલા વસાણી કાકા ગયા."
"ઓહ.. ક્યારે કાઢી જવાના?" -રવિવારની સવાર બગડવાની ચિંતા મને તરત થઈ આવી.
"આઠે'ક વાગ્યે."
"આટલું વહેલું?" -સરકી ગયેલ બ્લેન્કેટને ફરી પાછી ઓઢતા ઓઢતા મેં પૂછ્યું.
"એ લોકોનું તો સર્કલ લિમિટેડ છે, ને દૂરથી કોઈ આવનાર નથી કે વાટ જોવી પડે, એટલે ખમવાનો કોઈ અર્થ નથી."
"તું જવાનો?"
"હા યાર, તેમનો દીકરી મારી વાઇફની ફ્રેન્ડ છે. તુંય આવીશ ને? તમારી તો કાસ્ટના હતા."
"હા, સાવ સામે ત્રીજા જ બીલ્ડીંગમાં રહે છે, ને પાછા અમારા લોહાણા જ છે. ન જાઉં તો ભૂંડું દેખાય.' -કોચવાતા મન સાથે મેં સહમતી બતાવી.
.
સવારની ચા અને નિત્યક્રમ પતાવી હું ત્યાં પહોંચ્યો. ખાસ કોઈ પબ્લિક કે ચહલપહલ નહોતી. આળસભરી ચાલે એક બે આંટા હજી માર્યા જ હતા કે એટલામાં જ દૂરથી મેં 'તેમને' આવતા દીઠા.
પણ મને કોઈ નવાઈ ન લાગી. 'તેઓ' તો હોય જ ને..! તેમની વિના તો ચાલે જ કેમ..!
અને તેમનાં આવતાની સાથે જ જાણે કે વાતાવરણ એક્ટિવ બની ગયું. શબને નવડાવવાથી માંડી ને નનામી બાંધવી,  હાજર આપ્તજનોને મૃતદેહની ફરતે પ્રદક્ષિણા કરાવવી, ને એવી બીજી બધી લૌકિક વિધિઓ ઝડપથી પુરી થવા લાગી, અને એનું કારણ એક જ કે આ બધું 'તેઓ' પોતે કરાવતા હતા.
હું આ બધું જ એક ખૂણે ઉભો રહીને જોતો રહ્યો. મારા માટે આ કઈં નવું નહોતું. આ પહેલાં અનેકવાર આનો શાક્ષી હું બન્યો જ હતો. પણ આ વખતે મને સાચે જ વિસ્મય થયો. અનેરો અહોભાવ થઈ આવ્યો કે કઈ માટીમાંથી આ માનવી બન્યો છે..?
મારે તો ભાગ્યે જ કોઈની અંતિમયાત્રામાં જવાનું થાય ને એમાંય પણ ઘણીવાર ફાવતું નથી, તો આ મહાશય તો દરેક આવી અંતિમયાત્રામાં હાજર જ હોય. તેમને આળસ નહીં આવતી હોય..? કંટાળો નહીં આવતો હોય? ગજબના માનવી છે 'આ' તો.
.
અને, 'આ' એટલે શ્રી લક્ષ્મીદાસ ગોકાણી, ઉર્ફે લખુભાઈ..!
અમારા થાણા શહેરના રહેવાસી, એવા ૭૩ વરસના લખુભાઈ..!
લખુભાઈ એક એવા વ્યક્તિ છે કે જે પોતાની ગમે એવી પરિસ્થિતિમાંય..રાતદિવસ જોયા વગર, કોઈ પણ સગપણ વિના, ફક્ત એક ફોન-કોલ આવતાં જ અંતિમયાત્રામાં પહોંચી જાય છે. પોતાના ઘરમાં કોઈ શુભ પ્રસંગ કે કોઈ  પર્સનલ કામની ફિકર કર્યા વિના..જેવો આ પ્રકારનો કોઈ ફોન આવે કે તરત જ, સખ્ત ગરમી કે વરસાદમાંય મરનારને ઘરે પોતાને જ ખર્ચે પહોંચી જાય.
આમ તો તેઓ મૂળ દ્વારકાના એવા, હાલાઈ લોહાણા છે, પણ અન્ય જાતિની સ્મશાનયાત્રામાં પણ પોતાની સેવા આપવા પહોંચી જાય છે. ભલે પોતે થાણામાં રહે પણ કાંદીવલી, બોરીવલી કલ્યાણ, કે કાલબાદેવી જેવા દુરના વિસ્તારમાં પણ અહીંથી કલાક-દોઢ કલાકનો પ્રવાસ કરીને ય પહોંચી જાય છે.  
તેમનાં મતાનુસાર આજની પેઢી એવી છે કે જેઓને મૃત્યુ પછીની વિધિઓ ઝાઝી ખબર નથી પડતી. ઘણીવાર લોકોને નનામી બાંધતા ય નથી ફાવતું અને જો સરખી રીતે બંધાઈ ન હોય તો અધવચ્ચે ડેડબોડી પડી જવાના ય બનાવો બને છે. ઉપરાંત જેના ઘરે મરણ થયું હોય, તેઓ મોટેભાગે વ્યથિત હોય, અને વિચલિત પણ ઘણા હોવાથી શું કરવું અને કેમ કરવું તેની તેમને સૂઝ ન પડતી હોય. આવે વખતે બહારની કોઈક અનુભવી વ્યક્તિ જો મદદે આવે તો ક્રિયાકર્મ સુપેરે પાર પડે.
લખુભાઈ અંતિમયાત્રાઓમાં માત્ર હાજર જ રહે છે એવું નથી, બલ્કે હિંદુ વિધિ અનુસાર ચોકો કરી મૃતદેહને સુવડાવવો, નવડાવવો, કપડાં પહેરાવવા, ગંગાજળ આપવું, મોમાં તુલસીપાન મુકવું, કંઠી પહેરાવવી, ચરણામૃત આપવું, લોકોને જવતલ આપી પ્રદક્ષિણા કરાવવી, વ્યવસ્થિત નનામી બાંધવી..વગેરે  આ બધી જ ક્રિયા, લખુભાઈ આવતાની સાથે પોતાને શિરે લઇ લ્યે છે. ફોન આવે એટલે પોતાનાં ઘરેથી તેમના ઘરે જતાં પહેલા અમુક એવી વસ્તુ જે લેવાની હોય તે લખુભાઈ પોતાના ખર્ચે લઈને જ જાય. સ્મશાનમાં ચિતા પર મૃતશરીરને શાસ્ત્ર-વિધિ પ્રમાણે અગ્નિદાહ આપવો, વ્યક્તિનું મરણ પંચક ગ્રહદશામાં થયું હોય તો દર્ભના પાંચ ઢીંગલા સાથે જ મૂકી તેને ય અગ્નિદાહ આપવો, અસ્થિ ભેગા કરી કુટુંબીજનોને સોંપવા.. આવા બધા અનેક માર્ગદર્શનો આપી આપીને લખુભાઈ, આવી અંતિમક્રિયાઓ વ્યસ્થિત રીતે સંપન્ન કરે છે. પોતે ખર્ચેલ પૈસા લખુભાઈ ક્યારેય સામેથી માંગે  જ નહીં, પણ લોકો ય જો કે યાદ કરીને તેમને ચૂકવી જ દેતા હોય છે.
હાલમાં નિવૃત્ત એવા લખુભાઈ, થાણા શહેરની કલેકટર ઓફિસમાં કેશિયર તરીકે કામ કરતા હતા. અહીં તેઓએ ૩૮ વર્ષની નોકરી કરી છે. તે વખતે પણ જોબ પર હોય, ને જો કોઈ મરણનો ફોન આવતો , તો તરત જ તેઓ ઓફિસેથી નીકળી જતા. તેમને જો ખુરશી પર ન જુએ, તો તેમના સહકર્મી સમજી જતા કે લખુભાઈ કોઈની અંતિમયાત્રામાં જ ગયા હશે. સામાજિક સેવા અને વ્યવસાય, બંનેને સરખું પ્રાધન્ય મળી રહે તે માટે, તેઓ ઓફિસે એક પણ દિવસ રજા ન રાખતા. આવી સમાજ-સેવાને કારણે અધૂરું રહેલું ઑફીસ-વર્ક, તેઓ દર શનિરવિ હાજરી આપીને પૂરું કરી નાખતા.
તેમની કામ પ્રત્યેની આવી વફાદારી જોઇને જ તેમના ઉપરીઓએ લખુભાઈની આવી સમાજસેવાઓ બાબત કોઈ વાંધો ઉઠાવ્યો નહોતોં. આમ બંને બાજુ સરખું બેલેન્સ ઝાળવીને તેઓએ પોતાનો સેવાકાળ વ્યવસ્થિત પૂરો કરી ને હાલ નિવૃત્ત થઇ સરકારી પેન્શન મેળવે છે.
લખુભાઈ છેલ્લા ૪૦ વર્ષથી સતત પોતાનું આ સેવાકાર્ય કરતા આવ્યા છે, પણ આ કામ પ્રત્યે તેમને કોઈ દિવસ થાક કે કંટાળો નથી ઉપજ્યો. સાંજે ૬ વાગ્યે કામેથી આવ્યા હોય ને ૮ વાગ્યે જો કોઈ એવો ફોન આવતો તો ય તેઓ સત્વરે નીકળી પડતા. અરે, કોઈક વાર તો એવું પણ બને કે એક અંતિમ યાત્રામાંથી ઘરે આવે ને તે જ દિવસે બીજો પણ આવો ફોન આવે. એ ત્યાં સુધી..કે દિવસમાં ચાર ચાર વખત પણ તેઓએ એક પછી એક જગ્યાએ હાજરી આપી પોતાની સેવા પ્રદાન કરી છે.
અત્યાર સુધી લગભગ બે હજાર અંતિમયાત્રામાં પોતાની આવી સેવા આપી ચૂકેલા લખુભાઈને તો એમ જ લાગે છે કે ઈશ્વરે આ મિશન માટે જ તેઓને સ્વસ્થ અને નીરોગી રાખ્યા છે. હા, તેમની આંખો એકદમ તેજવાન છે. વાંચવાના કે દુરના ચશ્માં નથી, મોતિયો ય નથી આવ્યો, ને દાંત પણ બધા સાબૂત છે, બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝ પણ આ સેવા-મૂર્તિથી દુર જ રહ્યા છે, ને કાને પણ બધું વ્યસ્થિત સંભળાય છે. જલારામબાપાનો પાડ માનતા તેઓ કહે છે કે બસ વધુ ને વધુ આવી સમાજ-સેવા કરી શકું, એટલા માટે જ બાપાએ મને બીજી કોઈ વ્યાધીઓથી દુર રાખ્યો છે. રોજ સવારે વીસ-પચીસ મિનીટ સુધી નિયમિત રીતે તેઓ હળવો વ્યાયામ કરે છે, જેમાં શીર્ષાસન અને સૂર્ય-નમસ્કાર જેવા યોગાસનો પણ શામેલ હોય છે.
થાણા શહેરથી પંદરેક કિલોમીટર દુર ઘાટકોપરમાં એકવાર તેમના સાળાના દીકરાની સગાઇ હતી, ને ત્યારે જ આવો એક ફોન આવ્યો, તો કોઈને ય જાણ કર્યા વગર તેઓ સગાઇ-હોલ પરથી નીકળીને ત્યાં પહોંચી ગયા હતા. તેમના પોતાના દીકરાના લગ્નને છ દિવસ આડે હતા, ત્યારે ય આવો કોઈ ફોન આવતા તેઓ અંતિમયાત્રામાં શામેલ થયા જ હતા, બાકી આપણામાં એવી માન્યતા છે, કે ઘરે લગન લીધા હોય ને એકવાર કંકોત્રી લખાઈ જાય, પછી સ્મશાને કે ઉઠમણામાં..બેસણામાં જવાય નહીં, આ અપશુકન ગણાય. પણ લખુભાઈ એવી કોઈ જ અંધશ્રદ્ધામાં વિશ્વાસ નથી ધરાવતા. પોતાના દીકરાના લગ્ન વખતે ય તેઓએ ઘરમાં કહી જ રાખ્યું હતું, કે લગ્નને દિવસે ય જો જવું પડશે તો જઈશ જ. જો કે તે દિવસે એવો કોઈ પ્રસંગ ન બન્યો, અથવા તો તેમના ઘરનાં લગ્નપ્રસંગની જાણ ધરાવતા લોકોએ જાણી જોઇને તેમને ફોન નહીં કર્યો હોય. તે જે પણ હોય, પણ તેમના દીકરાનો લગ્ન-પ્રસંગ સુખરૂપ પાર પડી ગયો.
લખુભાઈના પત્ની ચંદ્રિકાબહેન તેમના પતિના આ સેવા-યજ્ઞમાં સંપૂર્ણ સહયોગ આપે છે. તે ઉપરાંત તેમના દીકરાએ પણ નિશ્ચય કર્યો છે, કે તે પોતે પણ પિતાનું આ કાર્ય આમ જ ઉપાડી લેશે, અને આગળ ચાલુ જ રાખશે.
લખુભાઈના પિતા પણ થાણા શહેરના લોહાણા સમાજમાં આવી જ સેવા આપતા હતા, ને એનાથી તેમને પણ ખુબ જ સંતોષ પ્રાપ્ત થતો. તેમનાં જ પગલે લખુભાઈએ આ કાર્ય ઉપાડી લીધું હતું. ફરક એટલો, કે તેમના ફાધર ફક્ત લોહાણા-સમાજમાં જ આવી સેવા આપતા, જયારે લખુભાઈએ પોતાનો સેવા-વિસ્તાર બીજી જ્ઞાતિઓમાં ય કર્યો છે. હાલમાં, સરકારી નોકરીમાંથી નિવૃત એવા લખુભાઈ, થાણાની મહાજનવાડીની ઓફિસમાં સવાર-સાંજ હાજરી આપી પોતાની વિવિધ સેવાઓ આપે છે. અહીંના મહાજને તેમને પંદરેક હજાર રૂપિયા આપી જ રાખ્યા છે, કે કોઈકવાર અંતિમયાત્રાનો સમાન લઈને ગયા પછી કોઈકની નબળી આર્થીક સ્થિતિને કારણે જો પૈસા ન આવે, તો લખુભાઈને આર્થીક નુકસાન તો ન થાય, બાકી તેમની શારીરિક સેવાઓનું વળતર તો સમાજ આપી જ નથી શકવાનો..!

નિકલા હૈ જનાઝા, કહ દો કોઈ ઉનકો ભી
શામિલ ના હોંગે વો, મુમકીન હી યે નહીં.
.

.
અશ્વિન..

  Never miss a story from us, get weekly updates in your inbox.