પૂજ્ય ગાંધીબાપુને પત્ર. ૨૦૧૮

પૂજ્ય ગાંધીબાપુને પત્ર. ૨૦૧૮


પૂજ્ય બાપુ

સાદર પ્રણામ.  હા જન્મ ગુલામ ભારતમાં થયો હતો. કદાપી ગુલામી ભોગવી ન હતી. ખૂબ સારા સંસ્કાર પામી ઉછરી છું. માંડ ત્રણ વર્ષની હતી ત્યાં તમે વિદાય લીધી. બસ, ત્યારથી બાપુ તમારી ચાહક અને પૂજારી છું. અરે, બાપુ તમે તો શું ગયા, ભારતને ભૂલી જ ગયા!  માન્યું કે ગોડસેની ગોળીથી વિંધાયા, પણ તમે તો ઉદાર છો. સહુના ભૂલની માફી આપો છે. મને ખબર છે તમારા દિલમાં ગોડસે માટે કોઈ ખોટો વિચાર નથી.  તમે તેને પણ ખુલ્લા દિલે પ્રેમ કરો છો. તમારો સ્વભાવ, તમારી મુત્સદ્દીગીરી દાદ માગી લે તેવા છે.  હમેશા બોખલા મુખનું તમારું નિર્મળ હાસ્ય હૈયાને સ્પર્શ્યું છે. ભારત આઝાદ થયું ,ત્યારની તમારી તીવ્ર વેદના અસહ્ય હતી. આજે તો તેનાથી પણ બદતર હાલત છે.

હેં બાપુ,  કેમ આપણા ભારત દેશની પ્રજા આટલા બધા નીચા સ્તરે ઉતરી ગઈ છે. આપણા કેટલા દેશ્પ્રેમીઓએ જાન આપ્યા? કેટલી સ્ત્રીઓના સોહાગ ઉજડ્યા? કેટલા કુટુંબોના એકના એક દીકરાઓએ બલિદાન આપ્યા.? સ્ત્રીઓએ પણ આઝાદીની લડતમાં પોતાનો ફાળો નોંધાવ્યો છે. બાપુ આઝાદીની ઘણી મોટી કિંમત આપણે ચૂકવી હતી.

બાપુ આજે તમારી પુણ્યતિથિને દિવસે લોકો ભેગા થશે, તમને અંજલિ આપશે. તમારા ખૂબ મનગમતાં ભજન ,’રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સિતારામ અને વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે ગાશે’. બસ તમારી યાદ ખતમ. હજુ તો પ્રાર્થના સભાની બહાર નહી ગયા હોય ત્યાં દિમાગ કાવાદાવામાં મગ્ન. બાપુ, તમે હવે માત્ર યાદ કરવા માટે, તમારી ગાથા ગાવા પૂરતાં ભારતમાં વસો છો. તમારા ફોટા બધે છપાય છે.

બાપુ એક વાત કહું , વર્ષો પછી ભારત દેશને વફાદાર વડાપ્રધાન મળ્યા છે. જેમને ભારત માતા પ્રત્યે અનહદ પ્રેમ છે.  શ્રી નરેન્દ્ર મોદી. બાપુ તેમની વાણી, આચરણ અને કાર્ય દેશભક્તિથી ઉભરાય છે. પણ આપણી પ્રજા તેમને સહયોગ આપવાને બદલે તેમના ટાંટિયા ખેંચવામાં મશગુલ છે. તેઓ માનવી છે. કિંતુ તેમની ભાવના અને કર્તવ્ય તેમને ,”મુઠ્ઠી ઉંચેરા માનવી” બનાવે છે.

આ રાહુલ અને સોનિયા ભારતના ઈતિહાસમાં કલંક રૂપ છે. બાપુ જવાહરલાલને વડાપ્રધાન બનાવી દેશની બેહાલી કરી હતી. આજે પણ આપણો દેશ તેની સજા ભોગવી રહ્યો છે.

ભ્રષ્ટાચાર , લાંચરૂશ્વત આપણી પ્રજામાં પ્રાણવાયુની જેમ ફેલાયા છે. જેના વગર જીવનનું અસ્તિત્વ નથી ! બાપુ શું કહું અને શું લખું. આ જીવને ઉચાટ શમતો નથી. બાપુ જ્યારે જુવાની હતી ત્યારે બાળકોની જવાબદારી હતી. આજે દેશ માટે કરી છૂટવાની દાઝ છે ત્યારે ઘડપણને ઉંબરે આવીને ઉભી છું.

માત્ર કલમ દ્વારા કાર્ય જારી રાખ્યું છે. દેશની ધરતી માટે પ્યાર ,દેશવાસીઓ માટે સનમાન છલોછલ ભર્યા છે. ભારત જવાની કોઈ પણ તક ચૂક્તી નથી. આજે આપની પુણ્ય તિથિને દિવસે હૈયુ ઠાલવ્યું. તમારાથી અધિક ભારતને કોણે ચાહ્યું છે ?

બાપુ, આશા રાખું છું આ પત્ર તમે વાંચો કે ન વાંચો આપણી દેશવાસીઓ વાચશે અને જો તેમનામાં રામ વસે તો ???????????????

બાપુ લાખ લાખ વંદન

  Never miss a story from us, get weekly updates in your inbox.