એક મુલાકાત શાયરોની ભૂમિ પાલનપુરથી આવતા લેખક શ્રી વલીભાઈ મુસા સાથે :

આવો આજે મુલાકાત કરીએ, અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખક શ્રી વલીભાઈ મુસા 

સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 

                 

આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

વલીભાઈ મુસા 

કાણોદર, તા. પાલનપુર, જિ. બનાસકાંઠા પીન – ૩૮૫ ૫૨૦        


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

પ્રાથમિક શિક્ષણ વતન કાણોદરમાં, માધ્યમિક શિક્ષણ પાલનપુર સરકારી હાઈસ્કૂલમાં અને કોલેજ શિક્ષણ એમ. એન. કોલેજ, વીસનગરમાં મેળવેલ છે. એમ.એ. (Dropped) ગુજરાતી મુખ્ય અને અંગ્રેજી ગૌણ, જ્યારે બી.એ.માં મુખ્ય ગુજરાતી સાથે ગૌણ સમાજશાસ્ત્ર.


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ? 

મારા પ્રાથમિક શિક્ષક શ્રી મફતલાલ હીરાલાલ શ્રીમાળી સાહેબમાધ્યમિક શિક્ષક શ્રી હરકાંત વ્હોરા સાહેબ અને અનુસ્નાતક અભ્યાસકાળના મહાનુભાવ શ્રી જિતેન્દ્ર દવે સાહેબ મારા સાહિત્યસર્જનના પ્રેરણાસ્રોત રહ્યા છે. હાલમાં તો ઘરે અને ઘરે બાહિરે ઘણા/ઘણાં છે. જો કોઈ એક નામ આપું તો અન્યોને અન્યાય થઈ જાયછતાંય સર્વસામાન્યપણે કહું તો મારા વાચકો જ મારા માટે પ્રેરણામૂર્તિ સમાન છે. બિઝનસમેન હોઈ અનુકૂળતા અને મિજાજ પ્રમાણે વાર્તા લખવી સરળ રહેતી. હાલ સુધીમાં લગભગ સોએક વાર્તાઓ લખાઈ હશે. ઈ-બુક રૂપે ત્રણ વાર્તાસંગ્રહો પ્રસિદ્ધ થયા છે અને ચોથો સંગ્રહ બહાર પડવાની તૈયારીમાં છે. વાર્તાઓ ઉપરાંત હાઈકુપ્રયોગો, હાસ્યકાવ્યો, ગઝલો અને અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને રસદર્શન ઈ-બુક રૂપે પ્રસિદ્ધ થયેલ છે. અંગ્રેજી અને ગુજરાતીમાં નિબંધો અને લેખો પણ સર્જાયા છે. હાલ સુધીમાં ગુજરાતીમાં ૧૦ અને અંગ્રેજીમાં ૩ અને દ્વિભાષી ૨ એમ કુલ્લે  ૧૪ ઈ-બુક્સ પ્રસિદ્ધ થઈ છે. મુદ્રિત સ્વરૂપે એકેય પુસ્તક બહાર પડેલ નથી.  


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

સાહિત્યસર્જનની શરૂઆતથી જ એક નિર્ણય કરેલો કે એક જ બેઠકે લખી શકાય તેવા સાહિત્યપ્રકારને જ હાથ ધરવો. આમાં લગભગ નવલકથા, આત્મકથા કે જીવનચરિત્ર સિવાયનું સઘળું આવી જાય. મારા બહોળા કારોબારમાંની મારી વ્યસ્તતાના કારણે એ નિર્ણય મને ઉપકારક નીવડ્યો. સારાંશે કહું તો મારે સાહિત્ય સંબંધિત કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. હા, એટલું ખરું કે હું જ્યારે ઈ.સ. ૨૦૦૭માં બ્લોગજગતમાં પ્રવેશ્યો ત્યારે મને ખબર ન હતી કે ગુજરાતીમાં પણ લખી શકાય છે અને તેથી જ બેએક વર્ષ સુધી મેં અંગ્રેજીમાં સોએક આર્ટિકલ લખ્યા હતા. પછી તો જાણ થઈ કે ગુજરાતીમાં લખી શકાય છે અને પછી તો કીબોર્ડે એવી તો ગતિ પકડી કે પંદરેક ઈ-બુક જેટલી સામગ્રી બાર વર્ષના સમયગાળામાં તૈયાર થઈ ગઈ.   


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

બિઝનસમેન હોવાના કારણે મારું વર્તમાનકાલીન વાંચન બહુ જ સીમિત રહ્યું છે એટલે સાંપ્રત સાહિત્ય અંગે હું મારું કોઈ મંતવ્ય નહિ આપી શકું. 


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

હા,ચોક્કસ; પરંતુ જે તે વેબસાઈટો કે પોતાના જ બ્લોગ ઉપર પોતાના લખાણને જાતે જ પ્રકાશિત કરી શકવાની સુવિધાના કારણે ત્રાહિત વ્યક્તિ દ્વારા પ્રૂફરીડીંગ કે મૂલ્યાંકન થવા પામતું નથી. આના કારણે સર્જન તો ટનબંધ થવા માંડ્યું, પણ તેની ગુણવત્તા કથળી છે. અંગ્રેજીના જેવું સરળ સ્પેલચેકર ગુજરાતીમાં ઉપલબ્ધ થવું જરૂરી છે. આમ છતાંય ખોટી વાકયરચનાઓ, વ્યાકરણના લગતી ભૂલો અને વિરામચિહ્નોના યોગ્ય ઉપયોગની સમસ્યાઓ તો ઊભી જ રહેવાની, જે માટે પ્રૂફરીડરની સેવાઓ તો લેવી જ પડશે.     


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

મારી રચનાઓ વિષે ઉપર જણાવી દીધું છે અને મારાં ઈ-પુસ્તકોની યાદી નીચે આપું છું. 

(પ્રકાશિત  - પુસ્તકોની યાદી)

English : -

(1)  In Changing Moods – Essay/Article
(2)  In Light Mood – Essay/Article
(3)  In Thoughtful Mood – Essay/Article

ગુજરાતી :

(4)  હળવા મિજાજે – નિબંધ/લેખ
(5)  જલસમાધિ – વાર્તા
(6)  મારી કાન્તા – વાર્તા
(7)  મમ કવિતડાં – કાવ્ય
(8)  પરિવર્તિત મિજાજે– નિબંધ/લેખ
(9)  પ્રસન્ન મિજાજે નિબંધ/લેખ
(10) સમભાવી મિજાજે – નિબંધ/લેખ/વિવેચન
(11) વલદાનો વાર્તાવૈભવ – વાર્તા
(12)  વિચારશીલ મિજાજે – નિબંધ/લેખ
(13) વલદાની વાસરિકા  - પ્રકીર્ણ લેખો
(14) કાવ્યાનુવાદન – રસાસ્વાદન – અનુવાદિત કાવ્યોનાં રસદર્શન

(૮)આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

૧૯૬૫માં એ સમયે મુંબઈથી પ્રસિદ્ધ થતા વાર્તા-સામયિક ‘સવિતા’માં મારી પ્રથમ વાર્તા  ‘જળસમાધિ’ પ્રસિદ્ધ થઈ હતી.


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

માતૃભારતી’ આદિ તરફથી પુરસ્કારો મળ્યા છે ખરા, પણ યાદી સચવાઈ નથી, ‘સ્ટોરીમિરર’ અંગે કંઈ સ્મરણમાં નથી.      


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

નવોદિત લેખકોને મારી ભલામણ છે કે, નવોદિત લેખકોએ ભાષાશુદ્ધિ જાળવવી જરૂરી છે. 


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

સ્ટોરીમિરર ઉપર લખવાનો અનુભવ સારો રહ્યો છે. પ્રકાશન કાર્ય સરળ છે. 


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

સ્ટોરીમિરર’ એ સરસ મજાનું પ્લેટફોર્મ છે, જે થકી વધુ ને વધુ વાચકો સુધી સર્જકની રચનાઓ પહોંચે છે. આશા રાખું છે કે ‘સ્ટોરીમિરર’ વધુ ને વધુ ફૂલે અને ફાલે.   


તો મિત્રો આ હતી એક મુલાકાત લેખક શ્રી વલીભાઈ મુસા સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.


  Never miss a story from us, get weekly updates in your inbox.