એક મુલકાત સ્ટોરીમિરરના 'ઓથર ઓફ વીક'થી સન્માનિત લેખિકા શ્રી પારુલ ઠક્કર સાથે :

આવો આજે મુલાકાત કરીએ, અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખિકા શ્રી પારુલ ઠક્કર ‘યાદે’ સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 

                 

આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

- પારુલ કીર્તિકુમાર ઠક્કર 

- ઉપનામ "યાદે"

- ગામનું નામ :-ભાવનગરગુજરાત


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

પિયર મારું વડોદરા એટલે પ્રાથમિક શિક્ષણ તેમજ માધ્યમિક શિક્ષણ વડોદરામાં પૂર્ણ કરેલ વચ્ચે એક વર્ષ 10મુ ધોરણ રાજકોટ કર્યું હતુંબોર્ડની exam  હતી અને મારા મમ્મી-પપ્પા વધુ ભણેલા ન હોવાને કારણે મને રાજકોટ મારા મોસાળમાં મોકલી હતી જ્યાં મારા મામા અને માસી સારું એવું ભણેલા હતા. ત્યારબાદ ધોરણ 11-12 ફરી વડોદરામાં જ કર્યા. 

પપ્પા થોડા જુનવાણી વિચારના હોવાથી કોલેજનો અભ્યાસ ન થઈ શક્યો તેના બદલે અમારા જમાનામાં ચાલતો T.T.N.C નો ડિપ્લોમા કોર્સ કર્યો


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ? 

મારા જીવનમાં સાહિત્યનું જોડાણ આમ તો મેં 10મુ ધોરણ રાજકોટ કર્યું ત્યાંથી કહી શકાય. ત્યાં મને ગુજરાતી ભણાવતા "શ્રી મહેતાસહેબ"ની હું આજે પણ આભારી છુંજેમણે મને છંદઅલંકારહાઈકુ તેમજ અન્ય ગુજરાતી વ્યાકરણની ખૂબ જ સારી સમજણ આપી. 

નાની-નાની 2 લીટીની શાયરીઓ તેમજ હાઈકુ લખવાનો શોખ ત્યારથી શરૂ થયો. બહુ વધુ તો ના લખતી પણ ક્યારેક મનના વિચારોને શબ્દોનું રૂપ આપી દેતી. પણ આ બધું મારા પૂરતું જ સીમિત હતું. જાહેરમાં હું એ લાવી ન હતી


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

હજી તો પા પા પગલી જ કરી હતી ત્યાં ડિપ્લોમા બાદ લગ્ન થઈ ગયા. લગ્ન બાદ હું મારા સાસરે ભાવનગર આવી અને સાસરી અને ઘરની જવાબદારીમાં લખવાનું તો સાવ ભુલાઈ જ ગયું. બાળકોનો ઉછેર અને તેના ભણતર પાછળ સમય ક્યાં જતો રહ્યો તેની ખબર જ ન પડી. 

મારે 2 બાળકો છે દીકરો તેજસ અને દીકરી યોગી. 

તેજસ અમદાવાદમાં જોબની સાથે સાથે રંગમંચ સાથે પણ સંકળાયેલો છે. તે નાટકનું ડાઈરેક્શન પણ કરે છે અને નાટકમાં અભિનય પણ કરે છે. જ્યારે મારી દીકરી યોગી મારી જેમ જ સાહિત્યમાં રુચિ ધરાવે છે. ફરીથી મને લખવા માટે મારી દીકરી યોગી એ જ પ્રોત્સાહિત કરી છે અને વર્ષો પહેલા જે સફર મેં છોડી હતી એ જ સફર ઉપર મેં ફરીથી ડગલાં માંડ્યા છે. 


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

અત્યારના યુગના માતા-પિતા પોતાના સંતાનોને અભ્યાસ માટે અંગ્રેજી માધ્યમમાં બેસાડવાનું પસંદ કરે છે. શરૂઆતથી  જ અંગ્રેજી શીખતું બાળક એક રીતે માતૃભાષાથી દૂર થતું જાય છે. તો એ આવનારી યુવા પેઢી હાલના ગુજરાતી સાહિત્યથી વંચિત રહી જશે એમ મારું માનવું છે અને જે અત્યારનો યુવા વર્ગ છે તેમાંથી મોટા ભાગનો વર્ગ મોબાઈલમાં અલગ અલગ રમતો તેમજ બિનજરૂરી સાઇટ પર અર્થહીન વિડીઓ જોવામાં સમય પસાર કરે છે. 

ગુજરાતી સાહિત્ય ઘણું વિશાલ છે પણ તેને જોઈએ એવો વાંચન વર્ગ મળતો નથી. પસંદગીકાર પણ મળતા નથી.


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

હા ચોક્કસ આ વાત સાથે હું સહમત છું. મારી લેખનની ફરી થયેલી શરૂઆત પણ સોશિયલ મીડિયા દ્વારા જ થઈ છે. જેમાં yourquote, માતૃભારતી તેમજ સ્ટોરીમીરરનો ખૂબ જ ફાળો રહ્યો છે. 

આમાં મને નવા લેખકોની રચનાઓ વાંચવાનો અવસર મળ્યો છે. સોશિયલ મીડિયાની આ બધી app મારા જેવા નાના લેખકો માટે વરદાન સમાન છે.


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

yourquoteમાં તેમજ ઇન્સ્ટાગ્રામના " yaade_1" માં નાની નાની શાયરીઓથી શરૂઆત કરી. ત્યારબાદ સૌ પહેલા મારી દીકરીના જન્મદિવસ નિમિતે મેં એક નાનકડી સ્પીચ તૈયાર કરી અને તેને વિડીઓનું રૂપ આપીને અમારી youtube ચેનલ "words of heart" માં તેને રજૂ કરી. 

આ ચેનલમાં મારી દીકરીએ અલગ અલગ વિષય પર રજૂ કરેલ તેના પોતાના મંતવ્યો પણ છે. મારી આ જ સ્પીચ ત્યારબાદ મેં અહીં સ્ટોરીમીરરમાં તેમજ માતૃભારતીમાં "મારી દીકરી... મારી ખુશી" શીર્ષક હેઠળ વાર્તા સ્વરૂપે રજૂ કરી. ત્યારબાર મારા દીકરાના જન્મદિવસ નિમિતે પણ મેં એક સ્પીચ તૈયાર કરી જેને ઉપર મુજબ પહેલા યુટ્યુબમાં વિડીઓ સ્વરૂપે અને ત્યારબાદ સ્ટોરીમીરર અને માતૃભારતીમાં "મારા સ્નેહનું સરનામું" શીર્ષક હેઠળ વાર્તા સ્વરૂપે રજૂ કરી.

અત્યારે સ્ટોરીમીરરમાં 52 સપ્તાહ પ્રતિયોગીતામાં ભાગ લીધો છે અને તેમાં એક ધારાવાહિક નવલકથા શરૂ કરી રહી છું "નસીબ ના ખેલ" વાંચવાનું ન ચૂકશો અને આપના અભિપ્રાય પણ જણાવશો.

આ જ ધારાવાહિક "નસીબ ના ખેલ" માતૃભારતી પર શરૂ થઈ ચુકી છે. જેનું બીજું પ્રકરણ તારીખ 15/3 ના રોજ પ્રકાશિત થશે.


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

મારી પ્રથમ રચના "મારી દીકરી... મારી ખુશી" સ્ટોરીમીરરમાં પ્રકાશિત થઈ હતી.


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

સ્ટોરીમીરર તરફથી મને author of the week  નું સન્માન મળ્યું છે.


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

મારી ગણતરીએ જેટલું વધુ વાંચીએ છીએ એટલું લખવા માટે પ્રોત્સાહન પૂરું પડે છે. તો કંઈક નવું લખવા માટે વાંચતા રહેવું જરૂરી છે.


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

બીજી સોશિયલ સાઇટ કરતા સ્ટોરીમીરરનો અનુભવ ખૂબ જ સારો અને સુખદ રહ્યો છે. અહીં જે મજા આવે છે તે અન્ય કોઈ સાઇટ પર નથી આવી.


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

સ્ટોરી મિરર આજે ગુજરાતી ભાષાનુ એક લોક્પસંદ પ્લેટફોર્મ બન્યું છે. તે એક દિવસ ચોક્કસ ગુજરાતી ભાષાને એક મુકામ પર લઈ જશે.


તો મિત્રો આ હતી એક મુલાકાત લેખિકા શ્રી પારુલ ઠક્કર ‘યાદે’ સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.

  Never miss a story from us, get weekly updates in your inbox.