મરિયમ હાસમ ધુપલી નાં સાહિત્ય પ્રત્યેનાં વિચારો

પ્રશ્નઃ આપનો પ્રથમ પરિચય, અભ્યાસ અને હાલ આપ વ્યવસાયિક ધોરણે શું કરો છો ?

નામ : મરિયમ હાસમ ધુપલી

જન્મસ્થળ : મુંબઈ 

ઉછેર અને અભ્યાસ : સુરત 

અભ્યાસ : શાળા (એમ  એમ પી હાઈસ્કૂલ ,રાંદેર )

:બી એ બી એડ ( એમ ટી બી  આર્ટ્સ કોલેજ ,સુરત )

વ્યવસાય  :  શિક્ષિકા તરીકે સુરતમાં ત્રણ  વર્ષ સેવા  . હાલ મોરિશિયસ ખાતેરહેવાસ . ફેમેલી બિઝનેસ માં કાર્યરત .

પ્રશ્નઃ શોખ એટલે તમારે મન શું ?

જે પ્રવૃત્તિ માનવીને કાર્ય કરતા યંત્રોથી જુદા  પાડે અને એમનીઆત્માને જીવંત હોવાનો અનુભવ કરાવે એ જ એમના શોખ , 

રસ કે રુચિ કહેવાય. પોતાના શોખને જે વ્યવસાયમાં ઢાળી શક્યા છે એ માનવીઓ સાચેજ જીવનની દરેક ક્ષણ સાચી રીતે માણી રહ્યા છે.


પ્રશ્નઃ આપ કયા નામે લખવું પસંદ કરો છો? કોઈ ઉપનામ ખરું?

હું મરિયમ ધુપલી નામેજ લખું છું . મારા પિતાજી આદરણીય હાસમ ધુપલી નું નામ મારા નામ જોડે પ્રયોજાય એનો 

આગ્રહ હમેશા રાખું છું જેમણે મારા જીવન બાગમાં આત્મવિશ્વાસ , આત્મસન્માન અને શ્રદ્ધાનું અડગ સિંચન કર્યું છે .


પ્રશ્નઃ લેખનકળામાં આપને સૌપ્રથમ ક્યારે પ્રેરણા થઈ? / એવી કઈ ઘટના બની કે આપ લખવા પ્રેરાયા ?

બાળપણમાં આદરણીય આર કે નારાયણજી લિખિત માલગુડીડેઝ દૂરદર્શન પર અચૂક નિહાળતી હતી. વાર્તા વિશ્વ્ 

તરફ એ મારુ સૌપ્રથમ આકર્ષણ હતું. ત્યારબાદ 

પુસ્તકો તરફ નો મોહ દિવસે દિવસે વધતો ગયો. પરંતુ કોલેજકાળ દરમ્યાન મારા ગુરુ સન્માનીય ડૉ શરીફા 

વીજળીવાળા એ એમના અતુલ્ય  સાહિત્ય જ્ઞાન થકી મને સાચા અર્થમાં સાહિત્યના પ્રેમમાં રંગી નાખી.

પ્રશ્નઃ આપના પ્રકાશિત સાહિત્ય વિશે જણાવો.

સાહિત્ય દરેક સ્વરૂપે વાંચવું ગમે છે . પણ મોટેભાગે મને ટૂંકી વાર્તાઓ અને માઈક્રોફિકશન લખવું ગમે છે . 

થોડામાં ઘણું કહી જતું દરેક પ્રકારનું સાહિત્ય મને ખુબજ આકર્ષે છે . 

મારી ટૂંકી વાર્તાઓ અને માઈક્રોફિક્શન 'સ્ટોરી મીરર'ના વિશાળ સાહિત્ય મંચના એક સૂક્ષ્મ ભાગ સ્વરૂપે ઉપલબ્ધ છે .

 અન્ય કેટલીક વેબસાઈટ ઉપર પણ મારી વાર્તાઓ પ્રકાશિત થતી રહે છે .

 મારી કેટલીક ટૂંકી વાર્તાઓ દિવ્યભાસ્કર સમાચારપત્રમાં પણ પ્રકાશિત થઇ છે . 

આ ઉપરાંત સ્ટોરીમીરર દ્વારા મારી માઈક્રોફિકશન રચનાઓની ઈ -બુક 'એક નાનકડો અરીસો ' શીર્ષક હેઠળ પ્રકાશિત થઇ છે .


પ્રશ્નઃ આગામી કોઈ ઇચ્છીત સાહિત્ય સાહસ ખરું ?

મારા માટે મારી દરેક નવી વાર્તા સાહિત્ય સાહસજ હોય છે.


પ્રશ્નઃ આપ કોઈ સાહિત્યિક સંકુલ / ગૃપ્સ સાથે જોડાયેલાં છો ખરાં ? કઈ રીતે એની સાથે પ્રવૃત્ત છો જણાવશો.

હજી સુધી નહીં


પ્રશ્નઃ પ્રવર્તમાન સાહિત્ય વિશે આપનો શું અભિપ્રાય છે? / ઓનલાઈન પ્રકાશિત થતું સાહિત્ય અને કાગળમાં છપાતાં સાહિત્ય 

વચ્ચે આપ શું ફરક કરો છો? આપને કયું વધારે ગમે છે?

સાહિત્ય વાંચવું એ શ્રેષ્ઠ મિત્ર જોડે ગોષ્ઠી કરવા સમું છે. એ ગોષ્ઠી રૂબરૂ હોય કે ઓનલાઇન ચેટિંગ સ્વરૂપે આનંદ એકસમાન જ આપે છે. 

મને બન્ને ગમે છે . ગુણવત્તાની દ્રષ્ટિએ કાગળમાં છપાતા સાહિત્ય કે ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ ઈ -સાહિત્ય 

બન્નેમાં જ સમૃદ્ધ સાહિત્ય શોધવાથી મળીજ શકે . 

ખાસ કરીને આજના અતિયાંત્રિક ઝડપી વિશ્વમાં જ્યાં પુસ્તકાલયના રસ્તાઓ ભુલાઈ રહ્યા છે ત્યાં ઇન્ટરનેટ

 ઉપર ઉપલબ્ધ ગુણવત્તા યુક્ત સાહિત્ય વાંચન-જગત માટે નવી આશાની કીરણ સમું છે. 

સ્ટોરી મિરર ઉપર એક તરફ નવા ઊભરતા લેખકોને  પોતાની લેખનશૈલી વિકસાવવાની અને હજારો વાચકો 

સામે મુકવાની તક મળે છે તો બીજી તરફ વાચકોને નવા સાહિત્ય જોડે પ્રખ્યાત અને ગુણવત્તા સભર 'ક્લાસિક' સાહિત્ય 

સહેલાઈથી ઘરે બેઠા મોબાઈલના એક સ્પર્શે મળી રહે છે . આજે દરેક વાંચન પ્રેમી પોતાના મોબાઈલમાં આખી 

લાઈબ્રેરી સાથે રાખી શકે છે અને પોતાના સમય અને સગવડ અનુસાર પોતાની ગમતી શ્રેણીનું , 

પોતાના પ્રિય લેખકનું પુસ્તક નિરાંતે વાંચી શકે છે . 

એટલુંજ નહીં વાચકો પોતાના ગમતા લેખકોને 'ફોલો' કરી એમની દરેક નવી પ્રકાશિત રચનાઓની નોટિફિકેશન 

મેળવવાથી લઇ એમની  રચનાઓ ઉપર પોતાના અભિપ્રાયો આપી વિવેચન શૈલી પણ વિકસાવી શકે છે . 

વાંચન જગત આજે લાઇબ્રેરીમાંથી નીકળી ઘરે ઘરે પહોંચી ચૂક્યું છે .

 હા , ફક્ત એનો પરિપક્વ રીતે ઉપયોગ કરવો અને સાહિત્યની ગુણવત્તાને ટેકો આપવો એ સંપૂર્ણ પણે વાચકોના હાથમાં છે .


પ્રશ્નઃ વાચક વર્ગ સાથે આપ શું સંવાદ કરવા ઇચ્છશો ?

લેખકની રચના એના વાચકોથીજ સાર્થક બને છે . એક સાચો વાચક જ એક સાચો વિવેચક હોય છે . 

એના તટસ્થ અભિપ્રાયો લેખકને પોતાના લેખનની ગુણવત્તા વધુ નિખારવા , લેખનની ક્ષતિઓ સુધારવા અને લેખન શૈલીને ધારયુક્ત કરવા પ્રોત્સાહિત કરે છે . આપ પણ આપના ગમતા લેખકોને પ્રોત્સાહિત કરી , આપના કિંમતી અભિપ્રાયો દ્વારા એમની કલમને બળ પૂરું પાડતા રહેશો એજ આશા .


પ્રશ્નઃ કોઈ એક પ્રેરણાત્મક રચના કે વાક્ય કે સંદેશ લખી આપશો.

ઉડવાની ધગશ હોય તો ધૂળ પણ ડમરી બની ઉઠે છે નહીંતર ,
પાંખો સંકેલી જમીન ઉપર લપાયેલા પંખીઓ પણ જોયા છે .

પ્રશ્નઃ આપની વિગત જણાવવા વિનંતી. આપનું નામ સરનામું મોબાઈલ નંબર કોઈ પુસ્તક પ્રકાશિત થયા હોય તો તે વિષે અને સાહિત્ય માટે કોઈ કાર્ય કરી રહ્યા હોય તો તે વિષે જાણકારી આપશો.

મરિયમ હાસમ ધુપલી 

પૉર્ટલૂઇસ , 

મોરિશિયસ .

email : mariyamdhupli@gmail.com

  Never miss a story from us, get weekly updates in your inbox.