ખુશ હૈ જમાના આજ પહેલી તારીખ હૈ ! - પૂજા જે ચંદે, ભુજ

મોટા ભાગના લોકો પહેલી તારીખની કાગડોળે રાહ જોતાં હોય છે. ખાસ કરીને કર્મચારીઓ અને એમાં પણ મધ્યમ વર્ગનાં અને નીચલા વર્ગનાં લોકો, જેમને દર મહિને પગાર મળતો હોય છે. આપણે ત્યાં જનરલી એવી સિસ્ટમ છે કે પગાર મહિનો પૂરો થાય પછી આપવામાં આવે છે. એટલે આપણને કંઈક નવી વસ્તુ લેવી હોય કે કોઈક ને ચૂકવવાના હોય આપણે લોકોને કહેતાં હોઈએ છીએ કે પગાર થાય પછી વાત. કેટકેટલાં સપનાં કે ચૂકવણા પહેલી તારીખની રાહ જોઈને બેઠાં હોય છે. ત્યારે એમ થાય કે કેટલાં લોકોને એમનો પગાર પહેલી તારીખે જ મળી જાય છે ? લગભગ કોઈને નહિ અથવા નહિવત લોકોને કદાચ એમનો પગાર પહેલી તારીખે મળતો હશે !

પરંતુ જો આપણે બીજી બાજુ જોઈએ તો આપણે પણ ક્યાંક ને કયાંક ચુકવવા ના હોય છે. દૂધવાળાને, કરીયાણાના, કામવાળીને, સ્કૂલની ફી, ટ્યુશનની ફી, વીજળીના બિલ, મોબાઈલના બિલ, પાણીના, ગેસનાં અને બીજા ઘણાં. એમાંથી આપણે કેટલાને પહેલી જ તારીખે ચૂકવીએ છીએ ? એવો સવાલ પોતાની જાતને ક્યારેય પૂછ્યો છે ખરા ? અને કદાચ પૂછ્યો પણ હોય તો પણ આપણી પાસે આપણાં બચાવ માટે દલીલ તૈયાર જ હોય છે કે આપણો પગાર ન થાય ત્યાં સુધી કેમ આપી શકીએ. બીજાની તકલીફો માટે જજ બનનારા આપણે પોતાની વાત આવે ત્યારે પોતાનો કેસ લડનારા સૌથી મોટા વકીલ બની જઈએ છીએ ! અને એટલી હદે પોતાને સાચા ઠરાવવાનો પ્રયત્ન કરીએ છીએ જેમ એક ગુનેગાર કોર્ટમાં કેસ હારી જવાની બીકે બધા જ વકીલોને ખરીદીને પોતાના પક્ષે કરી લે ! કેમ આપણે એવું ન વિચારીએ કે ભલે મને પગાર નથી મળતો પહેલી તારીખે પણ હું જેટલાને આપી શકું એટલા લોકોને કેમ ન આપું પગાર પહેલી તારીખે ? 

આ સાઇકલ આપણે શરૂ કરીશું તો કદાચ એ ફરતી ફરતી આપણાં સુધી પણ આવે અને ખરેખર પહેલી તારીખે આખો જમાનો ખૂશ થઈ જાય !

  Never miss a story from us, get weekly updates in your inbox.