ચકલીબેન ચકી ચિનમીનનો પત્ર

વ્હાલા નરેન,

તારી વ્હાલી ચકી ચિનમીનની યાદ,

જો પહેલથી જ કહી દઉં છુ તને કે આ વખતે ફરી તું ૨૦ માર્ચના રોજ ચકલી દિવસ ઉજવવાનું ગતકડું ઉભું ન કરીશ. અરે મને ખબર છે કે તું અને તારા મિત્રો ખરેખર મનપૂર્વક એની ઉજવણી કરે છે પણ બધા થોડી એવા છે. એ તો ફોટો પડાવી નામના મેળવવાની જ મહેચ્છા ધરાવનારા હોય છે. મને ખબર છે કે ચકલી દિવસ ઉજવવાની તૈયારીમાં લાગી ગયો જ હોઈશ. પણ આ વખતે હું નથી આવવાની. અમે બધા એબ્રોડ જવાના છીએ. જો અમને કોઈ સારું સ્થળ જ્યાં સ્વાર્થ પ્રચુર લોકો નહી હોય, મોબાઈલના ટાવરો નહી હોય, ફક્ત ને ફક્ત અમો પક્ષીઓ અને જંગલના બંધુઓની જ વસ્તી હશે એવી જગ્યાએ કાયમ માટે સ્થાયી જવાનું વિચારી રહ્યા છે. આપણા બાળકોને ચકા ચકીની વાર્તા કરતા મોબાઈલની ગેમ્સમાં વધારે રૂચી લાગે છે. ધીરે ધીરે વારતાઓમાંથી પણ અમને તમે લોકો કાઢી નાખો એમ બને. અમને પણ અમારું સ્વમાન વ્હાલું છે તેથી કોઈ કાઢે એના કરતા જાતે જ સમજી વિચારીને નીકળી જવામાં જ સૌનું હિત છે.

તારી અમારા પક્ષીઓને પાણી પીવડાવવાની વ્યવસ્થા કરવા બદલ અમે તારા અને તારા મિત્રોના આભારી છીએ પણ ખરું કહું નરેન હવે નથી સહન થતું. આ તોતિંગ બિલ્ડીગો પર લાદેલા મોબાઈલ ટાવરોના ખતરનાક વેવ્સ અમને મારી નાખવા માટે પાછળ પડ્યા છે. અમારી સહન શક્તિ આ વિકરાળ ખતરનાક વેવ્સના રાક્ષસ સામે હારી ગયા છે.

હું આ માટે તને કે તમારા મિત્રોને જવાબદાર નથી ગણતી. પણ બધા થોડી સમજે છે ? એમને મન તો એમનો સ્વાર્થ જ સર્વસ્વ છે.

તારા વ્હાલા ચકા કાકા મને કહેતા હતા કે આપણે આવી રીતે કોઈને કહ્યા વગર જતા રહીશું તો નરેન અને એના મિત્રો ચિંતા કરશે માટે તું એને પત્ર લખી જણાવી દે કે હવે અમે વધુ અહી નથી રોકાવવાના.

આ ભારતની ભૂમિ સિવાય બીજે બધે પણ આવી જ સમસ્યાઓ છે તેથી અમને નવું રહેઠાણ માટે નવું સ્થળ શોધવાની ખૂબ તકલીફ પડવાની છે  એ પણ જાણીએ જ છીએ પણ શું કરીએ અમારા બાળ બચ્ચાઓના સારા ભવિષ્ય માટે અમે સ્થળાંતર કરવા માટે દિલગીર છીએ.

પણ તમે લોકો અમારી ૨૦ માર્ચે રાહ ન જોતા પણ બીજા પક્ષીઓ જે અહી જ છે અને કોઈ કારણસર અમારી સાથે આવી નથી શકવાના એમની માટે તમે તમારા પ્રયત્નો ચાલુ રાખજો. એમની સાથે અમે પણ સંમ્પર્કમાં રહેવાના જ છીએ તેથી તને જયારે મારી સાથે તારા વિચારો જણાવવાની ઈચ્છા થાય ત્યારે તું પત્ર લખી મોકલજે કોઈને કોઈ આવતા જતા અમને પહોચતો કરશે.

તારી જાણ ખાતર કે અમે લોકો હાલ સ્થળાંતરની પ્રકિયામાં વ્યસ્ત છીએ એટલે સૌનો સમ્પર્ક કરવામાં અમારો મોટાભાગનો સમય નીકળી જાય છે અને અમારું સરનામું પણ અનિશ્ચિત હશે માટે તું ટેલીપથીથી યાદ કરીશ એટલે હું ગમે ત્યાં હોઈશ તારી પાસે આવીને મળી જઈશ.

પત્ર છોડતી જાવ છું. મારો માળો થોડો જર્જરિત થઈ ગયો છે. એને તું તારી આવડતથી રીપેર કરી કોઈ પક્ષી મિત્ર માટે ઉપલબ્ધ કરાવી રાખીશ.

તમે લોકો બહુ યાદ આવશો. ખાસ કરીને તું કારણ કે તારા અને મારા તો એકમેક પ્રત્યેના ઋણાનુબંધ છે.

અમે બધા ઘણી બધી યાદો લઈને અમે ઉડી રહ્યા છીએ પણ મનોમન રડી રહ્યા છીએ.

બીજું એ વાતનું પણ દુઃખ છે કે ઘરોમાં નથી અમે માળા બાંધી શકતા કે નથી હવે કોઈ ઘરમાં પિતૃઓના ફ્રેમમાં મઢેલા ફોટા. નવો યુગ બધું જ ત્યજી રહ્યો છે. ફોટા ત્યજતા હતા ત્યાં સુધી તો સમજાયું કે નહી ગમતા હોય પણ હવે તો જીવતા જાગતા વડીલો પણ ત્યજાવવા માંડ્યા છે ત્યાં અમો પંખીઓની શી વિસાત !?

આમ પણ અમે ફક્ત માળો નથી બાંધતા પણ જે ઘરમાં અમે રહીએ છીએ એ ઘરના સભ્યો સાથે અમારી દોસ્તી પણ સારી એવી હતી. તારી જ વાત કરું તો તું કેવો વાટકીમાં ભાતના દાણા લઇ અમારા વડીલોને ચણ આપતો હતો. અમને બધું જ કહેતા અમારા વડીલો. સારું છે અમારે ઘરડા ઘર નથી.

ચાલ આવજે પ્રભુ સૌને સદબુદ્ધિ આપે.

લી, તારી ચકી ચિનમીન

નરેન કે સોનાર 'પંખી'

  Never miss a story from us, get weekly updates in your inbox.