માતૃશક્તિના અવતરણનું પર્વ -દિપાવલી

પરમપિતા પરમાત્માએ નિજાનંદ કાજે સૃષ્ટિનું સર્જન કર્યું. સૂર્ય-ચંદ્ર, તારલાં રૂપે તેજ પ્રગટાવ્યું. મહાસાગર અને મેઘ દ્વારા જળ જન્માવ્યું. મહોદધિને પણ ધારણ કરનાર પૃથ્વીતત્વ પેદા કર્યું. ઉષ્મા અને ઊર્જા કાજે અગ્નિતત્વનો ઉદભવ કર્યો. અને આ સમગ્ર સૃષ્ટિ - સંરચનાને જીવંત રાખવા પ્રાણ તત્વ - વાયુ - ને વહાવ્યો.

વૈવિધ્યથી સભર સૃષ્ટિના સર્જન પછી પરમેશ્વરે એના પર વનસ્પતિ ઉપરાંત જળચર નભચર અને ભૂચર એવી ચોર્યાસી લાખ જીવ-જાતિઓ સર્જી દીધી. પ્રભુએ સૃષ્ટિ રચી, સૃષ્ટિ પર જીવન સરજ્યું પણ એનો સર્જક તો પોતે એક જ હતો. એટલે પ્રભુએ વિચાર્યું કે આ તો ચિત્રવત્ બની ગયું!!  સૃષ્ટિ આમ અવિચળ અને સ્થિર રહે અને જીવ - જગત અમર જ રહે, તો પછી નવીનતા શું રહે?  બધું જ એકાંગી, યંત્રવત્ અને જડ બની રહે ! પ્રભુને તો જીવંતતા જોઈતી હતી! બ્રહ્મને, બ્રહ્મ દ્વારા, બ્રહ્મ પર જ લટકા કરવા હતા !! - અને એ માટે સર્જન સાથે વિસર્જનની પ્રક્રિયા અનિવાર્ય હતી.  સર્જક તો પોતે એક જ હતા.વિસર્જન પછીના નવસર્જનનો ઉપાય શો?

પરમાત્માએ આખરે પોતાના પરનો સર્જન ભાર ઘટાડવા માટે એક અનન્ય આકૃતિનું સર્જન કર્યું. એમણે સ્વયંની સર્જનશક્તિ લીધી, સૂર્યનું તેજ, ચંદ્રની શીતળતા, જળની નિર્મળતા, વાયુની સુગંધ, ધરતીની ધીરજ અને સહનશીલતા, અગ્નિની ઉષ્મા અને ઊર્જા, આકાશની વિશાળતા અને અગમ્યતા - એમ પાંચે ય તત્ત્વની શ્રેષ્ઠતા લીધી. આ તમામ શ્રેષ્ઠતાઓનો સમન્વય કરીને નારી દેહરૂપ એમણે પોતાની જ વિભૂતિનું નિર્માણ કર્યું !! નારીનું સર્જન કર્યા પછી પરમાત્મા અતિ પ્રસન્ન થયા. આટલા શ્રેષ્ઠ અને સુંદર સર્જન પછી સંતુષ્ટ થઈને સૃષ્ટિ પર નારી જાતિનો પ્રાદુર્ભાવ જે દિવસે થયો, તે દિવસે અનંત બ્રહ્માંડના સ્વામિએ સચરાચરની સાથે ઉત્સવ ઉજવ્યો. એ દિવ્ય દિવસ એટલે દીપાવલિ!!

આ દિવસે પરમાત્માની વિભૂતિ સ્વરૂપા - માતૃશક્તિ - નું સર્જન થયું  જગતને બર્બરતા અને અંધારામાંથી ઉગારવાનો માર્ગ મળ્યો, એના પ્રતિકરૂપે દિપાવલીના દિવસે સૃષ્ટિ આખી દીપ-જ્યોતિકાઓથી ઝળહળી ઊઠી.

ખરેખર માતૃ શરીર એટલું મહિમાવંત છે! પુરુષ અને પ્રકૃતિનું સાયુજ્ય જ સૃષ્ટિનું સર્જન કરે છે, પાલન કરે છે અને અશુભનું ઉચ્છેદન કરે છે. દિપાવલીના પર્વ પર આપણે મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી - આ ત્રણ માતૃ ચેતનાઓનું પૂજન - અર્ચન કરીએ છીએ. મહાલક્ષ્મી એ જ ગૃહલક્ષ્મી છે, ગૃહિણી છે, પુરુષની અર્ધાંગિની છે. એના થકી જ ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે, તેથી તે લક્ષ્મી સ્વરૂપા છે.

માતા સરસ્વતી એ પરિવારની પુત્રી છે. વિદ્યા, વાણી અને બુદ્ધિ રૂપે જે સ્થિત છે, તે પુત્રીને પરિવારમાં પ્રેમ-વાત્સલ્ય મળે તે, ઘરમાં આનંદ ઉલ્લાસ રહે છે.

મહાકાલી એ ગૃહમાતા છે. માતા મહાશક્તિ છે. પરિવારનું ક્યારેય અશુભ ન થવા દે, આસુરી વિચાર કે વૃત્તિને નિર્મૂળ કરી નાખે અને સદૈવ સંતાનનું શુભ ઇચ્છે - તે મા છે.

દિપાવલીનો તહેવાર આ રીતે નારીશક્તિની મહત્તાનું પર્વ છે.


જગતમાં સર્જક કેવળ માતૃશરીર છે. નારીનું મમતામયી સ્વરૂપ માતા છે. પરમેશ્વરને પ્રગટ થવા માટે માની કૂખ પસંદ કરવી પડે છે. માતા પરમાત્મા કરતાંય પ્રથમ પ્રણામને યોગ્ય છે. તેથી માતા તરીકે નારી પ્રથમ પૂજ્ય છે.


માતૃશરીરનું બીજું સ્વરૂપ પ્રેમમય છે. પુરુષની પૂરક અને ઘરસંસારની વ્યવહાર- ધુરા વહન કરનાર પત્ની તરીકેનું સ્ત્રીનું બીજું રૂપ છે. પરમ વૈરાગી, યોગી, ધ્યાની, ભગવાન ભોળાનાથે પણ પાર્વતીજીને પોતાના પ્રધાન અંગ તરીકે પ્રતિષ્ઠિત કર્યા છે. વાસ્તવમાં જ્યાં સુધી કોઈ પણ પરણિત પુરુષ જ્યાં સુધી સ્ત્રીને પોતાના જ પૂરક તરીકે આવકારે, સ્વીકારે અને ઉપાસે નહીં, ત્યાં સુધી તે અધૂરો છે! પૂર્ણ થવા માટે પ્રત્યેક પરણિત પુરુષે અર્ધનારીશ્વર બનવું જ પડે છે.

માતૃશરીરનું ત્રીજું વાત્સલ્ય સ્વરૂપ દિકરી છે. દીકરી પરિવારનો તુલસી ક્યારો છે. પિતાના અંતિમ શ્વાસ સુધીનો સહારો છે. જે ઘરની ધરતી પર  દિકરીના કોમળ પગલાં પડ્યાં નથી, તે ઘર તેજ હીન હોય છે. પુત્રી પપ્પાનો પ્રાણ છે, મમ્મીની મિત્ર છે, દાદા-દાદીની દુલારી છે, ભાઈની ભેરુ છે અને પરિવારની પ્રસન્નતા છે! 

નારી નારાયણી છે! નારી ભોગ્યા નથી, આરાધ્યા છે. નારી ઉપભોગનું સાધન નથી, પરમ યોગ સુધી પહોંચાડવાનું માધ્યમ છે.  રામ, કૃષ્ણ, બુદ્ધ, જીસસ, મોહમ્મદ, નાનક, શિવાજી પ્રતાપ, વિવેકાનંદ કે કોઈપણ યુગપુરુષનું પ્રાગટ્ય નારી જ કરી શકે છે. એટલે તે જગત્ઉદ્ધારિણી છે.

દીપોત્સવી ના આ પાવન પર્વ પર આપણે મહિમાવંત માતૃશરીરા નારીશક્તિને મહિમામંડિત કરીએ.યુગ પ્રભાવથી, વૈજ્ઞાનિક ઉપકરણોના દુરુપયોગથી અને સ્ત્રીની માસુમિયત, ભોળપણ, વિશ્વાસ અને પ્રેમનો ગેરલાભ લેનારા આસુરી વૃત્તિને નાથીએ અને સ્ત્રીને તેના સ્થાન મુજબ પ્રેમાદર આપીએ.


  Never miss a story from us, get weekly updates in your inbox.