Image

હિન્દી સિનેજગતમાં પ્રાણ ખલનાયક હોવા છતાં એનું મહત્ત્વ એટલું હતું કે ફિલ્મના ટાઈટલમાં બધા નામ આવી ગયા પછી આવતું ‘…એન્ડ અબોવ ઓલ…. પ્રાણ!’ પ્રાણનો ખલનાયક તરીકેનો અભિનય એટલો જોરદાર હતો કે લોકો કોઈ હોટેલ કે રેસ્ટોરાંમાં પ્રાણને જોઈ લે તો પોતાની બહેન-દીકરી કે પત્નીને એનાથી દૂર લઈ જતા! એ પ્રાણના અભિનયનીકમાલ હતી.  વાસ્તવમાં પ્રાણ સિકંદ ખૂબ જ સજ્જન અને ભલાં માણસ હતા.

બરોબર ૯૯ વર્ષ પહેલાં તા.૧૨/૨/૧૯૨૦ ના રોજ પ્રાણનો જન્મ જૂની દિલ્હીના બલ્લીમારાન વિસ્તારમાં થયો હતો. સાચું નામ હતું પ્રાણકૃષ્ણ સિકંદ. પ્રાણના પિતા સરકારી સિવિલ કોન્ટ્રાક્ટર હતા. પ્રાણનું બાળપણ દિલ્હી ઉપરાંત કપૂરથલા (પંજાબ), મેરઠ, યુ.પી. અને દહેરાદૂન (ઉત્તરાખંડ) માં વીત્યું હતું. સ્કૂલનું ભણતર પૂરું કર્યા બાદ પ્રાણે મુખ્ય શોખ ફોટોગ્રાફીમાં ઝંપલાવ્યું હતું. દિલ્હીની દાસ એન્ડ કંપનીમાં માસિક ૨૦૦ રૂપિયાના પગારે પ્રથમ નોકરી ચાલુ કરી હતી. પ્રાણની ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રીની વાત પણ રસપ્રદ છે. ૧૯૪૦ની સાલ હતી. વીસ વર્ષના યુવાન પ્રાણની પાનના ગલ્લે તે સમયના જાણીતા લેખક મોહમ્મદ વલી સાથે ઓળખાણ થઇ હતી. પ્રાણની પર્સનાલિટી જોઇને મોહમ્મદ વલીએ પંજાબી ફ્લ્મિ “યમલા જટ” માં પ્રાણને હીરોનો રોલ અપાવ્યો હતો. તે જમાનામાં મહિને દોઢસો રૂપિયાના ઓછા વેતનની નોકરી સ્વીકારીને પ્રાણે ફ્લ્મિોમાં પદાર્પણ કર્યું હતું. ૧૯૪૨થી ૧૯૪૭ દરમિયાન પ્રાણે લાહોર ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીમાં બાવીસ ફ્લ્મિોમાં અભિનય કર્યો હતો. ૧૯૪૨માં રિલીઝ થયેલી ફ્લ્મિ “ખાનદાન”માં પ્રાણની સામે નુરજહાં નાયિકા હતી.


દેશના વિભાજનના બરોબર એક દિવસ પહેલાં જ પ્રાણે ખૂબ જ આશા સાથે મુંબઈમાં પગ મૂક્યો હતો કે અહીં લાહોરના અનુભવને કારણે આસાનીથી ફ્લ્મિોમાં કામ મળી જશે. જો કે પ્રાણની તે આશા ઠગારી નીવડી હતી.

મુંબઈમાં આકરા સંઘર્ષના દિવસો ચાલુ થયા હતા માત્ર એટલું જ નહિ પણ ફરી થી એકડો ઘૂંટવાનો વારો આવ્યો હતો. સ્ટુડિયોના અઢળક ચક્કરો કાપ્યા બાદ માંડ માંડ એક ફ્લ્મિ મળી હતી. નામ હતું “જીદ્દી”. દેવ આનંદને હીરો અને કામિની કૌશલને હિરોઈન તરીકે ચમકાવતી તે ફ્લ્મિમાં પ્રાણને વિલનની ભૂમિકા મળી હતી. આમ હિન્દી ફ્લ્મિોમાં પ્રાણની વિલન તરીકેની કરિયરની શરૂઆત સાચા અર્થમાં અહીંથી થઇ હતી. તે જમાનામાં જ વિલન તરીકે પ્રાણનો સિક્કો એવો ચાલી ગયો કે હીરો ગમે તે હોય પણ વિલન તો પ્રાણ જ હોય. દિલીપકુમાર, દેવ આનંદ અને રાજ કપૂરની અતિ સફ્ળ ફ્લ્મિોની યાદી જોઈએ તો દરેક ફ્લ્મિમાં પ્રાણનો અભિનય શાનદાર અને જાનદાર જ રહ્યો છે. દેવદાસ, મધુમતી, દિલ દિયા દર્દ લિયા, રામ ર શ્યામ, આદમી, મુનીમજી, અમરદીપ, જોની મેરા નામ અને જિસ દેશ મેં ગંગા બહેતી હૈ ફ્લ્મિોમાં પ્રાણે નકારાત્મક પાત્રમાં પ્રાણ પૂરી દીધો હતો. શમ્મી કપૂર સામે ઢગલાબંધ ફ્લ્મિોમાં વિલન તરીકે પ્રાણે યાદગાર અભિનય કર્યો હતો. પ્રાણની સિગારેટ પીવાની સ્ટાઈલ નિરાળી હતી.

“બરખુરદાર” શબ્દ પ્રાણના ડાયલોગનો એક ભાગ હતો. પ્રાણે એક ખાસ અંદાજ વડે કેટલીય ફ્લ્મિોમાં તે શબ્દ બોલીને દર્શકોને ખુશ કરી દીધા હતા. લગભગ ચારસો જેટલી ફ્લ્મિોમાં અભિનય કરનાર પ્રાણને આમ તો રાજ કપૂરે “આહ” માં ડોક્ટરનો પોઝિટિવ રોલ આપ્યો હતો, પણ પ્રાણને વિલનની ઈમેજમાંથી મુક્ત કરવાનું શ્રેય મનોજ કુમારને મળ્યું હતું. “ઉપકાર” માં પ્રાણે જાણે કે મંગલ ચાચાની ભૂમિકામાં પરકાયા પ્રવેશ કરીને રોલને આત્મસાત કર્યો હતો. જો કે તે અગાઉ પ્રાણે કિશોર કુમાર સાથે “હાફ ટિકિટ” માં કોમેડી પણ કરી હતી. અશોક કુમાર સાથે પણ “વિક્ટોરિયા ૨૦૩” જેવી કેટલીય ફ્લ્મિોમાં પ્રાણની જોડી સારી જામી હતી.

પ્રાણને અભિનય કર્યા બાદ પોતાની ફ્લ્મિ જોવાનું ખાસ પસંદ નહોતું. “ઝંઝીર” રિલીઝ થયા બાદ પ્રાણે પૂરા વીસ વર્ષ બાદ અનાયાસે જ જોઈ હતી. ફ્લ્મિ જોઇને પ્રાણે અમિતાભને ખાસ ફોન કરીને તેના ઉત્તમ અભિનય માટે અભિનંદન પાઠવ્યા હતા. અમિતાભને નવાઈ લાગી ત્યારે પ્રાણે ચોખવટ કરતાં કહ્યું હતું. “બરખુરદાર , મૈને “ઝંઝીર” આજ પહેલી હી બાર દેખી”. વાસ્તવમાં અમિતાભને “ઝંઝીર” અપાવવામાં પણ પ્રાણનો મહત્ત્વનો ફાળો હતો. “ઝંઝીર” એક માત્ર એવી ફ્લ્મિ છે જેમાં હીરોના ભાગે ભલે એક પણ ગીત નહોતું. પણ પ્રાણના ભાગે મહત્ત્વનું ગીત ગાવાનું આવ્યું હતું. (યારી હૈ ઈમાન મેરા). અમિતાભ સામે ડોન, અમર અકબર એન્થની, મજબૂર, નસીબ, દોસ્તાના, કાલીયા, શરાબી જેવી કેટલીય ફ્લ્મિોમાં પ્રાણે પોતાના પાત્રને પડદા પર જીવંત કરી બતાવ્યું હતું.

અતિશય હકારાત્મક અને નેકદિલ ઇન્સાન પ્રાણે ૧૯૭૨ માં “બેઈમાન” માટે મળેલો ફ્લ્મિ ફેરનો એવોર્ડ એટલા માટે પરત આપી દીધો હતો કારણ કે તે વર્ષે “પાકીઝા” ને બેસ્ટ ફ્લ્મિનો ફ્લ્મિફેર એવોર્ડ મળ્યો નહોતો. ૧૯૯૭માં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મેળવનાર પ્રાણનું ૨૦૦૧માં પદ્મભૂષણ તથા ૨૦૧૩માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રાણની અંગત જિંદગીની વાત કરીએ તો ૧૮ એપ્રિલ ૧૯૪૫ના રોજ પ્રાણના લગ્ન શુક્લા આહલુવાલિયા સાથે થયા હતા. ત્રણ સંતાનોમાં બે પુત્રો અરવિંદ અને સુનિલ તથા દીકરી પીન્કી સાથેનો હર્યો ભર્યો પરિવાર હતો. ૧૯૯૮માં પ્રાણના શરીરને હાર્ટએટેક ઉપરાંત અનેક બીમારીઓએ ઘેરી લીધું હતું. એ પછી પ્રાણે લગભગ પંદર વર્ષ સુધી એટલે કે જીવનના અંતિમ શ્વાસ (૨૦૧૩) સુધી વ્હીલ ચેર પર જ જીવન વ્યતિત કર્યું હતું.