Image

આ વખતે તો ઉનાળો મઝા મુકીને તપી રહ્યો છે. એક સામાન્ય જીવનનિર્વાહ ધરાવતા કુટુંબો માટે પણ એઅર કંડીશનર એક તાતી જરૂરિયાત સમા બની ગયા છે. એમાય જેમને ઉનાળો સદતો નથી એવી ગરમીની તાસીર ધરાવતા  લોકો તો ઉનાળામાં શું શું કરવું ને શું શું ન કરવું એ જ શોધતા ફરતા હોય છે. હવે આવા ધોમધખતા  સમયે ખાસ કરીને સ્ત્રીઓમાં મૂત્રમાર્ગ પુરુષની સરખામણી એ નાનો હોતા ઉનાવા જેવી સમસ્યા ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે. તેને ઉષ્ણતા તરીકે પણ ઓળખવામાં આવે છે. પરિણામે  વારંવાર પેશાબમાં ચેપની સમસ્યા સર્જાય છે 

આમ તો ઉનાવા એ વધુ પડતી પિત પ્રકૃતિ અને એમાય ઉનાળાની ગરમીના પ્રભાવથી ઉભી થતી સમસ્યા છે. સામાન્ય સંજોગોમાં શરીરમાં ક્ષાર અને પાણીનું નિયમન ખૂબ સુંદર રીતે થતું આવતું હોય છે. પરંતુ, ઉનાળામાં ખાસ કરીને વધુ પડતું ચાલવાથી, કસરત કરવાથી, તડકો લાગવાથી કેટલાક ક્ષારો અને પાણી મૂત્ર વાટે શરીરમાંથી બહાર નીકળી જાય છે, પરિણામે જરૂરી નિયમન  ખોરવાતા મૂત્રાશય તરફ પાણીનો પ્રવાહ ઓછો થઇ જાય છે. એમાય જેમને જરૂર કરતા ખૂબ ઓછું પાણી પીવાની આદત હોય તેમને તો આ તકલીફ ખાસ મૂંજવતી હોય છે. સગર્ભા સ્ત્રીઓએ તો ગરમીની રૂતુમાં અસરગ્રસ્ત ન થઇ જવાય એ માટે ખાસ કાળજી લેવી જ હિતાવહ છે. ક્લિનિકમાં સારવાર માટે આવતી દરેક મહિલા દરદીને પૂછતા એમને કોઈને કોઈ સમયે ઉનાળા દરમિયાન આ પ્રકારે પેશાબની સમસ્યા રહેતી હોવાનું જાણવા મળતું જ હોય છે, જેથી દવા સાથે એમને કેટલાક ઘરગથ્થુ ઉપચારનું ભાથું દેવાનો આગ્રહ પણ તેઓ રાખતી હોય  છે  

ઉનવાના લક્ષણ: વારંવાર પેશાબ કરવાની ઈચ્છા થાય, છતાં ખુલાસીને પેશાબ ન થવો; પેશાબમાં તેમજ મૂત્રમાર્ગમાં બળતરા થવી; પેશાબ પીળા-હળદર જેવા રંગનો થાય, તો ક્યારેક રાતા રંગનો કે લોહીયુક્ત પણ થાય. કમર, વાંસાનો દુ:ખાવો કે માથું દુ:ખવાની ફરિયાદ રહે. ક્યારેક પેશાબ સાથે લોહી કે પસ જતું હોય એવું પણ લાગે. 

ઉનવાના ઉપાય: ઉનાવા એ કોઈ પ્રકારની ગંભીર બીમારી નથી. પણ એ તો માત્ર એક લક્ષણ છે જેને જરૂરી તકેદારી રાખતા નિયંત્રિત કરી શકાય છે. ઉનાળામાં ધ્યાનમાં રાખવા જેવી કેટલીક સામાન્ય બાબતોઃ

ઓછામાં ઓછા 8 10થી ગ્લાસ્સ પાણી પીવું; પાણી ઉપરાંત અન્ય લિકવિડ રિફ્રેશમેન્ટસ દિવસ દરમિયાન લેતા રહેવું; ભરપુર વિટામીન c યુક્ત  ખોરાક લેવો; ખોરાકમાં વધુ માત્રામાં શર્કરા ટાળવી.

અહી આપણે કેટલાક ઘરગથ્થુ છતાં રામબાણ ઉપચાર જોઈશું:

-એક ગ્લાસ્સ  બકરીના  દૂધમાં બે ચમચી સાકર  ભેળવી ઉકાળવું ને ત્યારબાદ સ્વાદ મુજબ એલચીના  દાણા ઉમેરીને લઇ શકાય.

-લીંબુ, ઓરેન્જ, પાઈનેપલ જેવા વિટામીન c યુક્ત ફળોનો ઉપયોગ વધારવો. 

-વરિયાળીનું શરબત: વરિયાળી પાવડર- એક ચમચી, સાકર બે ચમચી, એક ગ્લાસ ઠંડુ પાણી, બધું મિક્સ કરીને પંદર મિનિટ પછી બ્લેન્ડર ફેરવીને બપોરના ત્રણ-ચાર વાગે પીવું.

-સોડા, વાસી ઠંડું દૂધ અને માટલાનું પાણીનું પીણું બનાવી દિવસમાં બે થી ત્રણ વખત અડધો ગ્લાસ પીતાં રહેવું.

-ઘરમાં કાચી કેરીનો વપરાશ હોય તો લગભગ બે ત્રણ કેરીના ગોટલા ને ફેંકી ન દેતા એક વાસણમાં પાણી લઇ 24 કલાક જેટલો સમય ગોટલાને ફ્રીજમાં પાલળી રાખી પછી એ પાણીમાં સ્વાદ મુજબ મીઠું કે સંચળ નાખી ગાળીને પી શકાય.

જનનાંગોની યોગ્ય રીતે સફાઈ કરવી: હવે એ માટે લઇ શકાતી નાનકડી છતાં ઉપયોગી કાળજી વિષે જોઈ લઈએઃ

યુરિનની ટ્રેક ઈન્ફેક્શનનાં ઘણાં કારણોમાં એક કમોડમાં વપરાતું જેટસ્પ્રે છે. જેમાં પાછળથી પાણીની પિચકારી આવે છે, જે મળ દ્વારની શુદ્ધિ કરે છે. પરંતુ ખાસ કરીને સ્ત્રીઓ માટે તે ઓછું હિતાવહ છે. કારણ કે મળદ્વાર પાસેથી પસાર થઈને ફોર્સથી આવતું પાણી મૂત્રદ્વાર સુધી પહોંચે છે. જેનાથી ઇન્ફેક્શન ચેપ ઝડપથી લાગી શકે છે. જેટ સ્પ્રેના બદલે હેલ્થ ફોસેટ (Health faucet)નો ઉપયોગ હિતાવહ છે. 

-એક ટમ્લરમાં થોડું પાણી લઈને એન્ટીસેપ્ટીક લિક્વિડના ચાર-પાંચ ટીપાંનાંખીને મૂળ પ્રદેશેને દિવસમાં બે થી ત્રણ વાર વોશ કરવો. તેનાથી જીવાણુંઓનું સંક્રમણ ઝડપથી નિયંત્રણ થાય છે.

આમ તો ચેપના લક્ષણો જો ઓછી માત્રામાં હોય તો આપોઆપ થોડી સંભાળ લેવાથી કાબુમાં આવી જતા હોય  છે. પરંતુ ચેપને લીધે જો તકલીફ વધારે જણાય તો કોઈ યોગ્ય ડોક્ટરની સલાહ લઇ નુકશાનકર્તા ન હોય તેવી સારવાર કરાવી શકાય.

ડો. ગ્રીવા માંકડ. અમદાવાદ.
web: www.homeoeclinic.com

 info@homeoeclinic.com