Image

આવો આજે મુલાકાત કરીએ, અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખક શ્રી બાદલ પંચાલ સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 

                 

આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

મારુ નામ બાદલ સેવંતીભાઈ પંચાલ છે.

વતન : મહેસાણા ( ઉત્તર ગુજરાત )

હાલ રહેઠાણ : લોઅર પરેલ (મુંબઈ)


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

અભ્યાસ બાબતે : પ્રાથમિક શિક્ષણ સંપૂર્ણપણેગુજરાતી માધ્યમમાં. શાળામાં અભ્યાસ દરમ્યાન વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, વાર્તા લેખન જેવી ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. પછી પોલિમર અને પ્લાસ્ટિક એન્જીનીયરીંગની B.Tech નીડિગ્રી મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરીંગ (ઔરંગાબાદ ) થી મેળવી ૨૦૧૫માં ....૨૦૧૪માં ગાંધીનગરમાં આયોજિત પ્લાસ્ટિકનો સૌથી મોટા એક્ઝિબિશનમાં દુનિયાના ૧૭ દેશોનો (અમેરિકા, જર્મની, જાપાન સહીત....) બેસ્ટ પ્લાસ્ટિક એન્જિનિયરનો એવોર્ડ પ્રાપ્ત થયો.


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું 

સાહિત્ય સાથેનું જોડાણ: સાચું કહું તો મારું સાહિત્ય સાથેનું જોડાણ ક્યારથી થયું એનો કોઈ ચોક્કસ સમયગાળો નથી. હા,ગુજરાતી ભાષાની કવિતાઓનો ખૂબ ઊંડો પ્રભાવ સ્કૂલ સમયમાં હતો. એમાંથી મેં પણ કવિતાઓ રચવાનું શુરુ કર્યું. મારી એક બે કવિતાઓ મારા વર્ગશિક્ષકે આખા ક્લાસ સામે સંભળાવી અને પછી એક કવિતા મેં છંદમાં  લખી. જે તે સમયના શિક્ષણને લગતા મેગેઝીનમાં છપાઈ. એના પછી સ્કૂલ છોડ્યા બાદ સાહિત્ય સાથેનો સંબંધથોડા સમય માટે તૂટ્યો. કોલેજનું ભણતર સંપૂર્ણપણે અંગ્રેજીમાં હોવાથી મને ગુજરાતી ભાષામાં ભણ્યાનો ખુબ અફસોસ થયો અને ગુજરાતી ભાષાને સદંતર બંધ કરીને મૂકી દીધી. પણ ગુજરાતી પુસ્તકો અવારનવાર મારી આસપાસ આવતા રહ્યાં અને હું ફરી પાછો ગુજરાતી સાહિત્ય તરફ વળ્યો  સાહિત્યનું મારું આજે પણ વાંચન ખુબ જ ઓછું છે એવું મારે સ્વીકારવું રહ્યું. પણ કોલેજમાં (ખાસ કરીને સાયન્સના ફિલ્ડમાં) બધું જ ઇંગ્લીશમાં ભણવાને લીધે અને કઈ જ ન સમજાવાને લીધે ખૂબ માનસિક આઘાત લાગ્યો અને બે વખત આત્મહત્યાનો પ્રયાસ કરેલો જે સદ્ભાગ્યે નિષ્ફળ નીવડેલો. એના ખાસ્સા સમય બાદ એક સ્નેહીજને મને એક અંગ્રેજી પુસ્તક (who moved my cheese – Dr. Spencer Johnson)  વાંચવા આપ્યું જે મેં કંટાળીને વાંચ્યું  પછી એક પછી એક મેં પૃથ્વીવલ્લભથી લઈને કંઈક કેટલાય પુસ્તકો વાંચ્યા અને હજુયે વાંચી રહ્યો છું.


આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ? 

લખવા માટેની પ્રેરણા : સાહિત્યને લગતા કોઈ ગુરુ નથી. જે વાતો, વિચારો, ચિંતન મારી અંદર ઘૂમ્યા કરે છે એ જ વાર્તા રૂપે તો કદીક લેખ રૂપે ઉતારું છું. ઘટનાઓને, પરિસ્થિતિઓને, માણસોને બહુ જ નજીકથી અને ઝીણવટપૂર્વક ઓળખવાનો પ્રયાસ કરું છું. અનુભવોની સાથે સાથે મારુ લખાણ પણ પુખ્ત થતું ગયું છે. મારી દરેક વાર્તામાં મારી આત્મકથાનો ટુકડો હોય છે. મારુ સંપૂર્ણ પાત્ર કોઈ વાર્તામાં નથી પણ મારા વિચારો, સ્વભાવો, માન્યતાઓ, સમજ..... એ બધું જ મારા પાત્ર રૂપે મારી વાર્તામાં ઉતરી આવે છે. હું નિયમિત વાંચું છું, વિચારું છું અને મારી વાર્તાઓ અને લેખોને વધુને વધુ સુંદર, સ્પષ્ટ અને વાચકોને સંતુષ્ટ કરે એવું લખવાનો પ્રયત્ન કરું છું.


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

સાહિત્ય સબંધિત મુશ્કેલીઓ : એવી કોઈ મુશ્કેલીઓ મેં અનુભવી નથી.હા, પણ સાહિત્યને લગતા કાર્યક્રમ, વર્કશોપ, સર્જક સાથે સંવાદો જેવું ખુબ જ ઓછું છે. નવા લેખકોને માર્ગદર્શક મળતાં નથી. બીજું સાહિત્યમાં (ગુજરાતી) કરિયરની જોઈએ એટલી તકો નથી. ગુજરાતી સાહિત્યનું બ્રાન્ડિંગ ખૂબ જરૂરી છે.


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

આજના સાહિત્ય તરફનો દ્રષ્ટિકોણ : આજના સાહિત્યનું ફલક ખૂબ જ વિસ્તૃત છે. આજે સોશિયલ મીડિયાના આવવાથી દરેક વ્યક્તિ પોતાનું સાહિત્ય જગત સામે મૂકે છે પણ પોતાના સાહિત્યની ગુણવત્તા ચકાસ્યા વગર....એટલે થઈ શકે તો સાહિત્યને મઠારીને લોકો સમક્ષ પીરસવું જોઈએ અને સાહિત્યને મઠારવા માટે સ્વયંનો અભ્યાસ પાક્કો હોવો જરૂરી છે. આજના સાહિત્યને સમય સાથે પરિપક્વ કરવું પણ જરૂરી છે. સાહિત્યમાં બીજી ભાષાઓના શ્રેષ્ઠ સર્જનના અનુવાદો કરવા જરૂરી છે.

આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

જી હા આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથી સાહિત્યકરોને એની રચના માટે એક નવુ માધ્યમ મળયુ છે અને એમની રચના વધુ પ્રસરી છે.

આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

મારી રચનાઓ : મેં મુખ્યત્વે વાર્તાઓ પર કામ કર્યું છે. મારી દરેક વાર્તા માટે મારો ઊંડો અભ્યાસ, મારા સારા નરસા અનુભવો અનેમારું વાંચન જવાબદાર છે. મારી વાર્તાઓ 'એક પછી એક' , 'આ તું નથી', 'હું તને મળીશ', 'ડાયાલિસિસ સેન્ટર', 'હાય હાય એ મજબૂરી' બધી જ વાર્તાઓ પ્રતિલિપિ એપ પર અવેલેબલ છે. થોડી ઘણી સ્ટોરીમીરર પર પણ અવેલેબલ છે. કોઈ પુસ્તક પ્રકાશિત થયું નથી.


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

પ્રથમ રચના : 'ડાયાલિસિસ સેન્ટર' જે મારી સહેલી મેગેઝીનમાં પ્રકાશિત થયેલી. આ રચના લખવા પાછળનું કારણ ખૂબ રસપ્રદ છે. આ વાર્તા સત્ય હકીકત પરથી લખાઈ છે. એના દરેક પાત્રો વાસ્તવિક છે. મારી મમ્મીને કિડનીની બીમારી હોવાથી એ છેલ્લા ત્રણ વરસથી 'ડાયાલિસિસ' પર હતી. જે વેદના, જે પીડા, જે મુશ્કેલીઓ એણે જોઈ એ બધી જ વાતોને મેં એ વાર્તામાં સમાવવાનો પ્રયાસ કર્યો અને એ પ્રયાસમાં હું ઘણા-ખરે અંશે સફળ રહ્યો.

સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

સાહિત્ય સન્માન કે પુરસ્કારો : કોઈ જ નહિ. વાચકોનો પ્રેમ સિવાય


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

નવોદિત લેખકોને સંદેશ : હું કોઈ સંદેશ આપવા લાયક નથી. ગાંધીજીએ કહેલું એમ જ મારી વાર્તાઓ જ બધા   સંદેશ આપશે. સંદેશ કે સલાહ આપવા માટે આપણે જે તે ક્ષેત્રમાં કોઈ સ્થાન મેળવેલું હોવું જોઈએ. હા પણ અનુભવથી  કહી શકું કે સાહિત્ય ક્ષેત્રમાં ખૂબ વાંચન અને નિરીક્ષણની જરૂર છે. બહુ બંધાઈને રહેવા કરતા મુક્ત જીવનશૈલી જરૂરી છે. મુક્ત જીવન જ તમને ઉત્તમ સાહિત્ય લખવા પ્રેરી શકે. એટલે થઈ શકે તો બીજી ભાષાના સાહિત્યનો પણ અભ્યાસ ખૂબ જરૂરી છે.


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

સ્ટોરીમીરર વિષે: સ્ટોરીમીરર પર લખવું ગમે છે


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

સ્ટોરીમિરરે ગુણવત્તા પર ધ્યાન આપવું રહ્યું ફક્ત વાચકોના રેટિંગને જ સર્વેસર્વા માનવા નહિ. સ્ટોરીમિરરે પણ અવનવી સ્પર્ધાઓ યોજીને, વર્કશોપ યોજીને હજુ વધુ લોકોને સાહિત્ય તરફ વાળવા પ્રયત્ન કરવા જોઈએ.


તો મિત્રો આ હતી એક મુલાકાત લેખકા શ્રી બાદલ પંચાલ સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.