રોજનીશી - Dairy

રોજનીશી લખવાની હું જરા પણ હિમાયતી નથી. એ તો જાણે આપણો સથવારો હોય સંગાથ હોય એવું એ ક્ષણે લાગે જ્યારે આપણે એમાં રોજિંદા મનોભાવો ઠાલવતાં હોઈએ. એ તો મને એક ઘાતક પરિબળ લાગે. રખેને વર્ષો પછી એ અગાઉ લખાયેલ ઉર્મીઓ અને લાગણીઓ જૂનાં પીળાં પાનામાં સચવાઈને મળી આવે, વંચાય ત્યારે એ બધું જ વંટોળ બની ફરી આંખે ઊડે ! સ્મૃતિઓને પાંખો આવે, સુખદ હોય કે દુઃસહ એ સઘળું માંડ વિસરાયેલું ફરીથી ખડું થાય ! શાને? જે વીતી ચૂક્યું એ વાગોળવુંય શાને? નથી ભાવિનું પડઘમ આપણાં હાથમાં નથી ભૂતની ઝાલર આપણાં કાંડે કે એને વર્તમાનના ડંકાના ફિટકારથી વગાડી શકીએ. તો શું જરૂર? એ મહાપરાણે સમાયેલા ડંખો કે પછી રહીરહીને સાતા પામેલ મીઠી ખંજવાળો આપણે સંગ્રહી રાખીએ એપણ શબ્દસઃ !
અંગત ક્ષણોની મીઠડી યાદો કે પછી જીવાયેલ કડવા અનુભવો, સ્વગત થયેલા રહસ્યો જો કોઈ અન્ય વાંચે તો? સ્વનો બળાપો, ઉહાપોહ કે ફરિયાદો જે ડાયરીના પાનામાં કંડારાઈ ગયાં એ તો હવે દસ્તાવેજ થઈ ગયાં. એ ક્યાં અકબંધ રહ્યાં જેમ તમારાં મનમાં જ રહ્યાં હોય એમ?
જાણે કે જાતનો જીવ સદગતિએ પામ્યો પછી શું એ પાના મૌન ધારણ કરશે ખરાં? એ તો ચોક્કસ અન્યોને ચાડી ખાશે તમારા મનોજગતની. એ નિસંદેહ છે.
હા, જો તમે ઇચ્છતાં હોવ, તમારી પેઢી કે તમારાં આત્મિયજનો તમને વાંચે, તમારી વાતોને સમજે તો ચોક્કસ લખો. એવું લખો જે સાર્વજનિક ઉપયોગિતામાં પરિણમે. બાકી, એ બનાવો કે અણબનાવો જે તમારા પોતાના છે એજે જાહેર ન કરવાં હોય તો ડાયરી ન જ લખો. હા, જાત સાથે વાતો કરવામાં પાગલપન લાગતું હોય તો લખો અને એને તમારી જ હયાતીમાં વિસર્જિત પણ કરતાં રહો. એક પછી એક વર્ષ જેમ આગળ વધે એમ એ ડાયરીનો પણ સંગ્રહ ન કરી નવી દુનિયાને સ્વીકારતાં જવું એવું પણ વલણ રાખી જ શકાય. નહીં તો આ પ્રક્રિયા આપને વધુ વિચલિત કરશે. શાને એવું થવા દેવું?
કુંજલ પ્રદીપ છાયા #કુંજકલરવ

  Never miss a story from us, get weekly updates in your inbox.